નવી દિલ્હીઃ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા ભારે સંઘર્ષ ચાલી રહ્યો છે અને બંને એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે એક ખાનગી ટીવી ન્યૂઝ ચેનલના સર્વેમાં એવું તારણ આવ્યું છે કે રાજ્યમાં ફરીથી ભાજપની બહુમતી સરકાર આવી શકે છે. એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટરની સંભાવના, નોટબંધી અને જીએસટી મામલે લોકો અને વેપારીઓમાં નિરાશા, પાટીદાર, ઠાકોર-ઓબીસી, દલિત આંદોલનની આંધી સહિતના અનેક પરિબળો વિરુદ્ધમાં હોવા છતાં કમળ ફરીથી ખીલવા જઇ રહ્યું છે.
ઇન્ડિયા ટુડે ગ્રૂપ અને એક્સિસ માય ઇન્ડિયાએ સંયુક્ત રીતે હાથ ધરેલા આ સર્વેમાં હજુ પણ નરેન્દ્ર મોદીનો જાદુ ચાલતો દેખાય છે. સર્વે પ્રમાણે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૧૫-૧૨૫ બેઠકો મળે તેવી સંભાવના છે. કોંગ્રેસને ૫૭થી ૬૫ બેઠકો મળી શકે છે. ગુજરાતના હાલના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ૩૪ ટકા મત સાથે મુખ્ય પ્રધાનના હોદ્દા માટે પહેલી પસંદ બન્યા છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલને ૧૯ ટકા લોકોએ મુખ્ય પ્રધાનપદ માટે પસંદ કર્યા છે.
ગુજરાતમાં ૨૫ સપ્ટેમ્બરથી લઇને ૧૫ ઓક્ટોબર દરમિયાન વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે આ સર્વે કરાયો હતો. ત્યાં સુધી ક્ષત્રિય-ઠાકોર આંદોલનના પ્રણેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા ન હતા. તે ઉપરાંત પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલના કોંગ્રેસ સાથેના નજદિકી સંબંધો પણ પ્રકાશમાં આવ્યા નહોતા. આ સર્વેમાં આ બંને ફેક્ટરને ધ્યાને લેવાયાં નથી. સર્વે પ્રમાણે ગુજરાતમાં મોટા ભાગના લોકોએ નોટબંધી અને જીએસટીને નુકસાનકારક પગલાં ગણાવ્યાં છે.
ગુજરાતના ખેડૂતો રાજ્યની ભાજપ સરકારથી અસંતુષ્ટ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. કોંગ્રેસ સાથે હાર્દિક પટેલ ન હોય તે પહેલી સ્થિતિ છે. મતલબ કે જનતાને એ પૂછાયું કે જો હાર્દિક પટેલ કોંગ્રેસની સાથે ન હોય તો કોને કેટલા મતો અને કેટલી બેઠકો મળશે? બીજી સ્થિતિમાં કોંગ્રેસની સાથે અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી ઉપરાંત હાર્દિક પટેલ પણ સામેલ છે.
સર્વેમાં જણાવાયું છે કે હાર્દિક પટેલ સાથે આવે તો કોંગ્રેસને વધુ સીટો મળી શકે છે. ગુજરાતના ૬૬ ટકા લોકો માને છે કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનવાથી રાજ્યને ફાયદો થયો છે. જાણવાની વાત એ છે કે ૪૪ ટકા લોકોએ નોટબંધીની તરફેણમાં મત આપ્યા છે. જોકે, ૫૩ ટકા લોકોએ તેનાથી ફાયદો ન થવાનું કહ્યું છે. ગુજરાતના ૫૧ ટકા લોકો જીએસટીથી અસંતુષ્ટ હોવાનું સર્વેમાં જણાવ્યું છે. ૪૯ ટકા ખેડૂતો ભાજપ સરકારથી અસંતુષ્ટ છે તો ૩૮ ટકા ખેડૂતો સંતુષ્ટ છે. ૫૮ ટકા લોકોએ બુલેટ ટ્રેનની તરફેણ કરી છે. રાજ્યમાં મોંઘવારી મુખ્ય મુદ્દો છે તો બીજા ક્રમનો મુદ્દો રોજગારી છે.
ભાજપને ૧૩૪ બેઠકઃ ટાઇમ્સ નાઉનું તારણ
વિધાનસભા ચૂંટણીઓ અંગે વધુ એક સર્વે ભાજપ માટે સારા સમાચાર લાવ્યો છે. ટીવી ચેનલ ટાઇમ્સ નાઉના ઓપિનિયન સર્વેમાં ભાજપને ગુજરાત ચૂંટણીમાં બે-તૃતિયાંશ બહુમતી મળવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. જ્યારે કોંગ્રેસની સ્થિતિમાં ગત વખતની તુલનામાં કોઇ ખાસ સુધારો દેખાતો જણાતો નથી. ટાઇમ્સ નાઉ-વીવીઆરના સર્વેમાં ભાજપને ગુજરાતમાં ૧૧૮-૧૩૪ બેઠકો મળવાની વાત કહેવાઈ છે, જ્યારે કોંગ્રેસને ૪૯-૫૧ બેઠકો મળી શકે છે. અન્યના ખાતામાં વધુમાં ૩ બેઠકો જવાની આગાહી કરાઈ છે.
વોટ શેરની વાત કરીએ તો ભાજપને બાવન ટકા અને કોંગ્રેસને ૩૭ ટકા જ્યારે અન્યના ખાતામાં ૧૧ ટકા મત જઈ શકે છે. સર્વેની સૌથી રસપ્રદ વાત આ છે કે ભાજપ વિરુદ્ધ રાજ્યમાં કોઈ સત્તા વિરોધી લહેર જોવા મળી રહી નથી.
કોને કેટલી બેઠક?
ભાજપ ૧૧૮-૧૩૪
કોંગ્રેસ ૪૯-૬૧
અન્ય ૦-૩
વિધાનસભા ચૂંટણી પરિણામ ૨૦૧૨
પક્ષ બેઠક મતહિસ્સો
ભાજપ ૧૧૫ ૪૭.૮૫ ટકા
કોંગ્રેસ ૬૧ ૩૮.૯૩ ટકા
એનસીપી ૦૨ ૩.૬ ટકા
જદ (યુ) ૦૧ --
અન્ય ૦૩ --
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ આંકડાઓમાં
કુલ બેઠક ૧૮૨
બહુમતી માટે જરૂરી ૯૨
કુલ મતદાતા ૪.૩૩ કરોડ
પુરુષ ૨.૨૫ કરોડ (૫૨ ટકા)
મહિલા ૨.૦૭ કરોડ (૪૮ ટકા)
નવા મતદાતા ૧૦.૪૬ લાખ
પહેલી વાર મત આપશે ૩.૨૫ લાખ
કુલ મતદાન મથક ૫૦,૧૨૮