અમદાવાદઃ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા છે. ત્રણ દિવસતી ચાલતા અવિરત વરસાદે અનેક જિલ્લાને જળબંબાકાર કરી નાંખતા જનજીવન ખોરવી નાંખ્યું છે અને હજુ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, ખેડા, આણંદ તો નવસારી, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાત અને અમદાવાદ, સુરેન્દ્રનગરમાં ભરપૂર મહેર વરસાવ્યા બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટ, જામનગર મોરબી સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર મંગળવાર સવારથી વરસાદ ચાલુ છે.
રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી આપત્તિમાં રાહત-બચાવ કાર્ય હાથ ધરવા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કેન્દ્ર સરકારે સેનાની કુમક ઉતારી છે. વરસાદથી સૌથી અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં આર્મીની કુલ 6 કોલમ ડિપ્લોય કરવામાં આવી છે.
રેલવે વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદને કારણે કુલ 56 ટ્રેનો રદ કરવામાં આવી છે અને અનેક પ્રવાસીઓ અધવચ્ચે જ અટવાઇ ગયા છે. (વિશેષ અહેવાલ પાન - 11)