અમદાવાદઃ ગુજરાતમાં મોદી યુગની શરૂઆત હિન્દુત્વની લહેરથી થઈ હતી પરંતુ ૨૦૦૩થી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી. કટ્ટર હિન્દુત્વવાદી છબિને બદલે પોતાનું વિકાસ પુરુષ તરીકે મેકઓવર શરૂ કરી દીધું હતું. જોકે વખતે ગુજરાત ચૂંટણીમાં લગભગ બે દાયકામાં પ્રથમ પ્રસંગ છે જ્યારે ભાજપે ગુજરાતમાં વિકાસના મુદ્દે સ્પષ્ટતા કરવી પડી રહી છે.
બીજી બાજુ, કોંગ્રેસ પ્રથમ વખત સોફ્ટ હિન્દુત્વ તરફ વળી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત દરમિયાન દર વખતે મંદિરે જઈને માથું નમાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના દ્વારકા મંદિરથી શરૂઆત કરનારા રાહુલ અત્યાર સુધી પાંચ મુખ્ય મંદિરોની મુલાકાત લઈ ચૂક્યા છે. એટલું જ નહીં, પ્રદેશના સૌથી મોટા મુસ્લિમ નેતા અહેમદ પટેલ પણ પ્રત્યક્ષપણે સક્રિય ભૂમિકામાં જોવા મળતા નથી. કોંગ્રેસ મુસ્લિમ મતદાતાઓનો ઉલ્લેખ કરી રહી નથી.
ગુજરાત યુનિવર્સિટીના સામાજિક વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને રાજકીય વિશ્લેષક ગૌરાંગ જાની કહે છે કે ચૂંટણી વિકાસના મુકાબલે જાતિવાદની નથી, પરંતુ વિકાસ વિરુદ્ધ સામાજિક વિરોધાભાસ સામે આવ્યો છે. વિકાસથી ગુજરાતની પ્રજા વાકેફ છે. હવે જોવાનું છે કે પ્રજા શું કરે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપ ૧૯૯૫થી પૂર્ણ બહુમતમાં છે. વર્ષ ૨૦૦૭ તથા ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મોદીએ કોંગ્રેસના નબળા નેતૃત્વ અને ભાજપ સરકારના વિકાસ કાર્યોને મુદ્દા બનાવી ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો. હવે કોંગ્રેસ ભાજપના વિકાસને જુઠ્ઠો ગણાવી મુદ્દો બનાવી રહી છે.
રાજકીય વમળો સર્જતા ત્રણ આંદોલન
• પાટીદાર આંદોલનઃ વર્ષ ૨૦૧૫માં અનામતની માગ. આનંદીબેન પટેલ આંદોલનને કારણે ગુજરાતના રાજપાટ છોડવા મજબૂર થયાં. હાર્દિક પટેલ સહિત આંદોલનના યુવા નેતાઓનો પાટીદાર સમાજના યુવાઓ પર સારો એવો પ્રભાવ છે. પાટીદાર વર્ગ રાજ્યની સમૃદ્ધિ અને ભાજપનો સમર્થક મનાતો રહ્યો છે પરંતુ હવે લોકો વિરોધી બની રહ્યા છે. ભાજપને પડકારી રહ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છે કે નહીં તેને સાબિત કરવામાં બંને પક્ષો વચ્ચે રાજકારણ ચાલી રહ્યું છે.
• ઓબીસી આંદોલનઃ પાટીદાર આંદોલનની પ્રતિક્રિયારૂપે આંદોલનનો ચહેરો બનીને અલ્પેશ ઠાકોર ઊભર્યા. ઠાકોર તથા કોળી સમાજ ઓબીસી વર્ગમાં બહુમત ધરાવે છે. ગુજરાતમાં કુલ મતદાતા ૪.૩૩ કરોડ. ૪૦ ટકા ઓબીસી મતદાતાઓમાં ઠાકોર, કોળી સમાજ મુખ્ય છે. સરકારને ગરીબ, ખેડૂત તથા દારૂબંધી જેવા મુદ્દા પર ઘેરતું રહ્યું છે.
• દલિત સમાજ આંદોલનઃ જુલાઈ ૨૦૧૬માં ઉનાકાંડ સર્જાયો. ગૌરક્ષકોએ દલિત યુવકોને ઢોર માર માર્યો હતો. આંદોલનથી દલિત સમાજમાં જિજ્ઞેશ મેવાણી ફાયરબ્રાન્ડ ચહેરો બન્યા. દલિત વર્ગ માટે કામ કરનારી સંસ્થાઓ પણ એકસંપ બનીને ભાજપને પડકારતી દેખાઇ રહી છે. રાજ્યોનાં અનેક ગામમાં આજે પણ દલિત સામાજિક બહિષ્કાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે.
ગુજરાતમાં કયા ક્ષેત્રમાં કોનો દબદબો
• સૌરાષ્ટ્ર-કચ્છઃ ક્ષેત્રમાં કુલ ૫૪ બેઠક. પટેલોના પ્રભુત્વ હેઠળની ૨૨. જોકે ૨૭ બેઠકો પર ઓબીસી સમાજનું પ્રભુત્વ.
• મધ્ય ગુજરાતઃ કુલ બેઠક ૬૮. આમાંથી ૧૮ બેઠક પર આદિવાસી બહુમતી. ૧૬ બેઠકો પર ઠાકોર-કોળીનું પ્રભુત્વ છે. ૧૫ બેઠકો પર પાટીદાર, ૬ બેઠકો પર મુસ્લિમોનો દબદબો.
• ઉત્તર ગુજરાતઃ ઉત્તર ગુજરાતમાં ૩૨ બેઠક. ૧૨માં પાટીદાર, ૧૦માં ઠાકોર, ૪ બેઠકોમાં આદિવાસી અને ૧ વિધાનસભા ક્ષેત્રમાં અનુ. જાતિનું પ્રભુત્વ.
• દક્ષિણ ગુજરાતઃ કુલ બેઠકો ૨૮. સર્વાધિક ૯ બેઠકો પર આદિવાસી નિર્ણાયક. છમાં પાટીદાર, પાંચમાં કોળી પટેલ તથા એક બેઠક પર અનુસૂચિત જાતિ (એસસી)નું પ્રભુત્વ.
ભાજપ-કોંગ્રેસ સામે પાંચ મોટા પડકાર
ભારતીય જનતા પાર્ટી
• ૨૨ વર્ષના શાસન સામે એન્ટી-ઈન્કમબસી • કોર વોટબેંક પાટીદાર સમાજનો આક્રોશ • સેલ્ફ ફાઈનાન્સ મોડેલ, જીએસટી, નોટબંધી • આયાતી નેતાઓથી પાર્ટીમાં જ અસંતોષ • કૃષિ ઉત્પાદનમાં પોષણક્ષમ કિંમતો નહીં
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
• પક્ષમાં બધા જ નેતાઓ, કાર્યકરોનો અભાવ • ટિકિટ વહેંચણી ટાણે થતા વિરોધ પ્રદર્શન • ઓબીસી, ‘પાસ’ના નેતાઓને ટિકિટ આપવી • સત્તાના અભાવે આર્થિક સહયોગનો અભાવ • મૂળ અને વફાદાર કોંગ્રેસી કાર્યકરોની નારાજગી