મુંબઇઃ ગુજરાતી પત્રકારત્વના લિવિંગ લેજન્ડ કાન્તિ ભટ્ટના ૮૮મા જન્મદિવસની ભવ્ય ઉજવણી અને તેમના સન્માનનો એક અનોખો કાર્યક્રમ મુંબઈના વિલેપાર્લેમાં અંગત મિત્રો અને પત્રકારત્વની દીર્ઘ યાત્રામાં સાથે રહેલા જર્નલિસ્ટસની ઉપસ્થિતિમાં, ઉલ્લાસભેર ઉજવાયો. કાન્તિ ભટ્ટના જીવનસાથી તથા પત્રકારત્વ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા શીલા ભટ્ટ, કાન્તિ ભટ્ટના શિષ્ય અને જાણીતા લેખક-પત્રકાર આશુ પટેલ અને વિખ્યાત ગાયક ઉદય મઝુમદારે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
પુષ્પગુચ્છથી સન્માન કરવાની રૂઢિગત શૈલીના બદલે કાન્તિભાઈનું સન્માન તુલસીના છોડથી નામાંકિત સાહિત્યકાર વર્ષા અડાલજાના હાથે સન્માન કરાયું. આ પછી વર્ષા અડાલજા, વિખ્યાત સેક્સોલોજિસ્ટ પ્રકાશ કોઠારી, ટોચના ખગોળશાસ્ત્રી તથા ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીના ચેરમેન ડો. જે. જે. રાવલ વગેરેએ કાંતિ ભટ્ટ સાથેના તેમના સંસ્મરણો તાજા કર્યા હતા.
આ કાર્યક્રમમાં ‘ચિત્રલેખા’ પરિવારના મોભીઓ માધુરીબેન કોટક અને મૌલિક કોટક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો લેખિકા-એક્ટિવિસ્ટ સોનલ શુકલા, કાંતિભાઈએ જેમની સાથે મળીને ‘અભિયાન’ મેગેઝિન શરૂ કર્યું હતું એવા કાન્તિભાઈના જૂના મિત્ર અવિનાશ પારેખ, કાંતિભાઈના મિત્ર પંકજ નરમ તેમ જ કાન્તિભાઈના વાચકો જન્મેશ ઠાકર અને રાજુલ શેઠે પણ વક્તવ્યો આપ્યા હતા. કોઈએ પોતાના જીવનમાં કાન્તિભાઈના પ્રદાનની વાતો કરી તો કોઈએ કાન્તિ ભટ્ટના લેન્ડમાર્ક સમાન લેખો કે એ માટેના રિપોર્ટિંગની વાતો યાદ કરી.
ડોક્ટર જે. જે. રાવલે કહ્યું કે કાન્તિ ભટ્ટને પદ્મશ્રી નહીં, પણ પદ્મવિભૂષણ મળવો જોઈએ. જાણીતા લેખક સૌરભ શાહે કહ્યું કે કાંતિ ભટ્ટ અને શીલા ભટ્ટે ગુજરાતી પત્રકારત્વમાં અનન્ય સિદ્ધિઓ મેળવી છે. જો કાન્તિ ભટ્ટ અંગ્રેજી ભાષાના પત્રકાર હોત તો આજ સુધીમાં તેમને કેટલાય ઈન્ટરનેશનલ એવોર્ડસ મળી ચુક્યા હોત. મૌલિક કોટકે કાન્તિ ભટ્ટ સાથેના સંસ્મરણો તાજા કરતા કહ્યું હતું, ‘હું તેમની સાથે ફિલ્ડ પર ફોટોગ્રાફી કરવા પણ જતો હતો. આજનો સમારંભ સૌ માટે હર્ષનો પ્રસંગ છે.’
સમગ્ર કાર્યક્રમ દરમિયાન એલઈડી સ્ક્રીન પર જે તસવીરો પ્રદર્શિત થતી હતી એમાં કાન્તિભાઈની ‘ચિત્રલેખા’ સાથેની તસવીરો પણ સતત જોવા મળતી રહી હતી. કાન્તિભાઈએ હોલમાં પ્રવેશતાં જ સૌપ્રથમ માધુરીબેનને ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે ‘ચિત્રલેખા’ના સિનિયર પત્રકારો કેતન મિસ્ત્રી અને દેવાંશુ વ્યાસ પણ હાજર રહ્યા હતા.
સંચાલક ગીતા માણેકે જણાવ્યું, ‘જન્મભૂમિ જૂથના વરિષ્ઠ તંત્રી કુંદનભાઈ વ્યાસ તેમની ખૂબ ઇચ્છા હોવા છતાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ શક્યા નથી કારણ કે કચ્છમિત્રની વાર્ષિક ઉજવણી નિમિત્તે તેઓ ભુજમાં છે. જ્યારે ચિત્રલેખાના તંત્રી ભરત ઘેલાણી અચાનક કોલકાતા જવાનું થવાથી હાજર રહી શક્યા નથી. પરંતુ તેમણે કાંતિભાઈને ખૂબ-ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા છે.’
‘માહિતી આપો, તમારા વિચાર નહીં’
ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગન સાથેના કાન્તિ ભટ્ટના પત્રો વિશાળ એલઈડી સ્ક્રીન પર દર્શાવાયા ત્યારે કાન્તિભાઈએ સૌને સંબોધતા કહ્યું, ‘પ્રમાણિક પત્રકારત્વની તાકાત અનોખી છે. એ તમને અમેરિકન પ્રેસિડન્ટ કક્ષાના લોકો સાથે પરિચય કરાવી દે. જોકે તમારે કોઈ મોટી વ્યક્તિની તરફેણ ન કરવી જોઈએ. લોકોને માહિતી આપો, તમારા વિચાર નહીં.’
કાન્તિ ભટ્ટ-શીલા ભટ્ટ ફાઉન્ડેશન
કાર્યક્રમના આયોજક પૈકીના એક પત્રકાર-લેખક આશુ પટેલે ‘કાન્તિ ભટ્ટ-શીલા ભટ્ટ ફાઉન્ડેશન’ની સ્થાપનાની જાહેરાત કરતા કહ્યું કે તેમણે જેમ અમારા જેવા યુવાનોને પત્રકાર બનાવ્યા એ રીતે પત્રકાર બનવા માગતા યુવક-યુવતીને પ્રોત્સાહન આપવા મારા મિત્રો સાજન બરવાળિયા, ગીતા માણેક, રોહન રાંકજાના સહયોગથી હું ‘કાન્તિ ભટ્ટ-શીલા ભટ્ટ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી રહ્યો છું. આ ફાઉન્ડેશન દ્વારા પત્રકારત્વમાં આવવા ઈચ્છતા યુવક-યુવતીને મદદ કરાશે અને દર વર્ષે એક પ્રતિભાશાળી પત્રકારને ૨૧ હજાર રૂપિયાના પુરસ્કાર સાથે એવોર્ડ અપાશે.
આ સમયે પંકજ નરમ, સોનલ શુક્લા, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ યજ્ઞેશ દેસાઈ સહિતની અનેક વ્યક્તિઓએ આ ફાઉન્ડેશનમાં યોગદાન આપવાની જાહેરાત કરી હતી. નાટ્યનિર્માતા મનહર ગઢિયાએ કહ્યું હતું કે પત્રકારોને એવોર્ડ સાથે પુરસ્કારરૂપે જે રકમ આપવાની છે એ હું આપીશ. એમણે પ્રથમ પુરસ્કાર માટેની રકમ તે સમયે જ આપી દીધી હતી.
તાળીના ગડગડાટ વચ્ચે શીલા ભટ્ટે આશુ પટેલની જાહેરાતને વધાવતાં કહ્યું હતું કે મારે આ મુદ્દે બે વાત કહેવી છે. એક તો ફાઉન્ડેશનનું નામ માત્ર ‘કાન્તિ ભટ્ટ ફાઉન્ડેશન’ રાખીએ અને બીજું, પ્રતિભાશાળી પત્રકાર માટે પુરસ્કારની રકમ ૨૧ હજાર રૂપિયા નહીં, ૫૧ હજાર રૂપિયા રાખીશું.
જીવન ઝંઝાવાતભર્યું, પણ ટકી ગયા
શીલાબહેને ભીના અવાજે કહ્યું, ‘૧૬ જુલાઈએ અમારા લગ્નને ૪૦ વર્ષ થયા. તમે કોઈ અમારા લગ્નમાં નહોતા આવ્યા એટલે આજે આવી ગયા એવું લાગે છે. અમે જીવનમાં ખૂબ ઝંઝાવાતોમાંથી પસાર થયા, ધરતીકંપ સહન કર્યા, સંજોગોરૂપી પહાડો ચડ્યા, નદીઓ ઓળંગી, દરિયાઓ તરવા પડ્યા, જ્વાળામુખીમાં ફેંકાવા જેવી લાગણી અનુભવી, ક્યારેક તૂટી ગયા, ફૂરચા ઊડી ગયા, પણ ટકી ગયા, જીવી ગયા.’ એ વખતે ઓડિયન્સમાં બેઠેલા બધાની આંખો ભીંજાઈ ગઈ કેમ કે શીલાબેન આ શબ્દો બોલતાં હતાં ત્યારે તેમની આ દુનિયામાંથી અકાળે - અકસ્માતે વિદાય થઈ ગયેલી અત્યંત તેજસ્વી એવી લાડકી દીકરી શક્તિનો ચહેરો સૌના માનસપટ પર ઊભરી આવ્યો હતો. એ સમયે જોગાનુજોગ સ્ટેજની બાજુમાં મુકાયેલા એલઈડી સ્ક્રીન પર પણ શક્તિના બાળપણની તસવીરો જોવા મળી રહી હતી.
ઉજવણીનો પ્રારંભ શકાન્તિભાઈને ગમતા જૂની હિન્દી ફિલ્મના ગીતો અને ગુજરાતી લોકસંગીતથી કરાઇ હતી. જાણીતા ગાયકો ઉદય મઝુમદાર, સૌરભ મહેતા અને રેખાબેન ત્રિવેદીએ ખૂબ જ કર્ણપ્રિય માહોલ બનાવ્યો. સંગીતના સૂરો સાથે સ્લાઈડ શોમાં કાન્તિભાઈની જિંદગીની અલગ-અલગ ક્ષણો ઉપસ્થિત સૌને માણવા મળી. યાદગાર કાર્યક્રમના ઉત્તરાર્ધમાં સૌએ રાસ-ગરબાની મજા લૂંટી હતી.