ગુજરાતીઓના નામના સિક્કા પડે છે ધનપતિઓની યાદીમાં

Saturday 10th October 2020 15:52 EDT
 
 

મુંબઇ: વાત લક્ષ્મીજીની અસીમ કૃપાની હોય ત્યારે ગુજરાતીના નામના સિક્કા પડે છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ૧૦ સૌથી ધનિક ભારતીયોની યાદીમાં પાંચ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. અને આમાં પ્રથમ સ્થાને છે રિલાયન્સ જૂથના સર્વેસર્વા મુકેશ અંબાણી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિનો આંકડો ૧૨ મહિનામાં રૂ. ૨.૭૭ લાખ કરોડથી ૭૩ ટકા વધીને રૂ. ૬.૫૮ લાખ કરોડે પહોંચ્યો છે. કોરોના લોકડાઉનના કારણે આખી દુનિયાને ભલે આર્થિક ફટકો પડ્યો હોય, પરંતુ શ્રેણીબદ્ધ વિદેશી મૂડીરોકાણ મેળવનાર મુકેશ અંબાણીની સંપત્તિમાં દર કલાકે ૯૦ કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે. મુકેશ અંબાણી ઉપરાંત ટોપ-૧૦ ભારતીય ધનાઢયોની યાદીમાં સ્થાન મેળવનાર ગુજરાતીઓમાં ગૌતમ અદાણી (અદાણી ગ્રૂપ), અઝીમ પ્રેમજી (વિપ્રો ગ્રૂપ), ઉદય કોટક (કોટક ગ્રૂપ) અને દિલીપ સંઘવી (સન ફાર્મા)નો સમાવેશ થાય છે.

આઇઆઇએફએલ વેલ્થ - હુરુન ઇંડિયા રિચ લિસ્ટ ૨૦૨૦ અનુસાર અંબાણીએ ફરી એક વખત ‘સૌથી ધનાઢ્ય ભારતીય’નું સ્થાન જાળવ્યું છે. જ્યારે ગુજરાતના જ ગૌતમ અદાણીએ સંપત્તિમાં ૮૪ ટકાની વૃદ્વિ સાથે દેશમાં ટોપ-૫ ધનકુબેરોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ‘૬૩ વર્ષના અંબાણીએ તાજેતરમાં જૂથની ટેલિકોમ અને રિટેલ કંપનીઓનો હિસ્સો વેચ્યો છે અને એટલે રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝના શેરના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. મુકેશ અંબાણી વિશ્વના ટોચના પાંચ ધનાઢ્યોમાં પણ સામેલ છે.’ અંબાણી ફક્ત એશિયાના નહીં, પરંતુ દુનિયાના ચોથા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.
૩૧ ઓગસ્ટ સુધીમાં રૂ. ૧૦૦૦ કરોડથી વધુ સંપત્તિ ધરાવતાં ૮૨૮ ભારતીયોનો સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં સમાવેશ થાય છે. ગુજરાતના ગૌતમ અદાણીએ પણ સંપત્તિમાં ૪૮ ટકાની વૃદ્ધિ સાથે દેશના ટોપ-૫ ધનાઢ્યોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. અદાણી રૂ. ૧.૪૦ લાખ કરોડની સંપત્તિ સાથે બે સ્થાન ઉપર ચઢીને દેશના ચોથા નંબરના ધનાઢ્ય બન્યા છે.

એક સમયના એલઆઇસી એજન્ટ પણ યાદીમાં

ઘણા ભારતીય ઉદ્યોગપતિઓને આઈઆઈએફએલ વેલ્થ - હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૦માં સ્થાન મળ્યું છે. જોકે એક નામથી બધાને આશ્ચર્ય થયું છે. આ વખતે સોનાલિકા ટ્રેક્ટરના માલિક લક્ષ્મણદાસ મિત્તલે આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેઓ યાદીમાં ૧૬૪મા ક્રમે છે. ૮૯ વર્ષીય લક્ષ્મણદાસ મિત્તલનું જીવન ખૂબ જ સંઘર્ષમય રહ્યું છે. પંજાબના હોશિયારપુરના રહેવાસી લક્ષ્મણદાસ મિત્તલે ૧૯૬૨થી થ્રેશર બનાવવાનું શરૂ કર્યું, તે પહેલાં તેઓ એલઆઈસીના એજન્ટ હતા. પહેલી વાર થ્રેશરનો ધંધો ન ચાલતા જંગી ખોટ ગઇ હતી અને લક્ષ્મણદાસ મિત્તલે તેમના પિતાને રડતા જોયા. આ પછી તેમણે ફરીથી થ્રેશર બનાવવાનું કામ શરૂ કર્યું અને ત્યારબાદ તેમણે ૧૯૬૯માં સોનાલિકા ગ્રૂપનો પાયો નાખ્યો. આજે, સોનાલિકા ગ્રૂપ ભારતનું ત્રીજા નંબરનું ટ્રેક્ટર ઉત્પાદક છે.

લિસ્ટમાં ૮૬૨ ભારતીયો સામેલ

આ રિચ લિસ્ટ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૧૦૦૦ કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભારતીયોની સંખ્યા ત્રણ ગણી વધીને ૮૨૮ થઈ ગઈ છે. જોકે વર્ષ ૨૦૧૯માં આ સંખ્યા ૯૫૩ હતી અને ૨૦૧૮માં ૮૩૧ હતી. જો તમે યુએસ ડોલરની દૃષ્ટિએ બિલિયોનેરની યાદી પર નજર નાખો તો, ગયા વર્ષે ૧૩૮ની સરખામણીમાં આ વર્ષે તેમની સંખ્યા ૧૭૯ પર પહોંચી છે.
હુરુન ઈન્ડિયાના એમડી અને ચીફ રિસર્ચર અનસ રેહમાન જુનૈદે કહ્યું કે, આ સૂચિમાં લગભગ ૨૮ ટકા સંપત્તિ એકલા મુકેશ અંબાણીને કારણે છે. ઓઇલથી માંડીને ટેલિકોમ બિઝનેસમાં અંબાણીને જબરદસ્ત સફળતા મળી છે. તેવી જ રીતે, ફાર્મા કંપનીઓના વડાઓના કારણે સંપત્તિમાં ૨૧ ટકાનો વધારો નોંધાયો છે. આનું કારણ એ છે કે કોવિડ -૧૯ને કારણે હેલ્થ કેર પાછળનો ખર્ચ વધ્યો છે. સમગ્રતયા જોવામાં આવે તો આ વર્ષે પાછલા વર્ષના સંપત્તિના આંકડામાં લગભગ ૨૦ ટકાનો વધારો થયો છે. આશરે ૬૭૪ બિઝનેસમેન્સની સંપત્તિમાં વધારો થયો છે. આ સિવાય આ યાદીમાં ૧૬૨ નવા લોકો જોડાયા છે.

ધનપતિ - સંપત્તિ (રૂ. કરોડ) - કંપની
ગૌતમ અદાણી - ૧.૪૦ લાખ કરોડ - અદાણી ગ્રૂપ
કરસન પટેલ - ૩૩,૮૦૦ કરોડ - નિરમા
પંકજ પટેલ - ૩૩,૭૦૦ કરોડ - ઝાયડસ
સમીર મહેતા - ૨૧,૯૦૦ કરોડ - ટોરેન્ટ ફાર્મા
સુધીર મહેતા - ૨૧,૯૦૦ કરોડ - ટોરેન્ટ ફાર્મા
ભદ્રેશ શાહ - ૧૧,૬૦૦ કરોડ - AIA એન્જિ.
બિનીશ ચુડગર - ૧૦,૬૦૦ કરોડ - ઇન્ટાસ ફાર્મા
નિમિશ ચુડગર - ૧૦,૬૦૦ કરોડ - ઇન્ટાસ ફાર્મા
ઉર્મિશ ચુડગર - ૧૦,૬૦૦ કરોડ - ઇન્ટાસ ફાર્મા
સંદીપ એન્જિનિયર - ૯૫૦૦ કરોડ - એસ્ટ્રલ સ્ટેરિટેક
હસમુખ ચુડગર - ૬૯૦૦ કરોડ - એસ્ટ્રલ સ્ટેરિટેક
દર્શન પટેલ - ૫૪૦૦ કરોડ - વિની કોસ્મેટિક
અચલ બકેરી - ૫૪૦૦ કરોડ - સિમ્ફની
રાજીવ મોદી - ૪૮૦૦ કરોડ - કેડિલા ફાર્મા
પ્રકાશ સંઘવી - ૩૬૦૦ કરોડ - રત્નમણી મેટલ્સ
ભીખાભાઈ વિરાણી - ૩૩૦૦ કરોડ - બાલાજી વેફર્સ
અમિત બક્ષી - ૩૦૦૦ કરોડ - એરિસ લાઈફસાઈન્સ
કાનજીભાઇ વિરાણી - ૨૮૦૦ કરોડ - બાલાજી વેફર્સ
ચંદુભાઈ વિરાણી - ૨૮૦૦ કરોડ - બાલાજી વેફર્સ
અશ્વિન ગાંધી - ૨૮૦૦ કરોડ - એશિયન પેઈન્ટ્સ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter