ગુરખાઓનું ઋણ આપણે કેવી રીતે ચૂકવી શકીએ?

Tuesday 23rd June 2015 08:43 EDT
 
 

ગુરખાઓ આશરે ૨૦૦ વર્ષથી બ્રિટિશ આર્મીનો હિસ્સો બની રહ્યા છે. આ નીડર નેપાળી લડવૈયાઓનું એક જ સૂત્ર છે, ‘કાયર બનવા કરતા તો મરવું સારું.’ આપણે જરા પણ અતિશયોક્તિ વિના કહી શકીએ કે જો આજે બ્રિટન મુક્ત રાષ્ટ્ર હોય તો તેનો અંશતઃ યશ આ જગપ્રસિદ્ધ યોદ્ધાઓના બલિદાન અને લોહીને પણ જાય છે. આ યોદ્ધાઓની ગર્ભિત ક્ષમતા ૧૯મી સદીમાં સામ્રાજ્યના નિર્માણકાળના શિખર દરમિયાન બ્રિટિશરો (ઈસ્ટ ઈન્ડિયા કંપની)ની નજરે ચડી હતી. વિક્ટોરિયન બ્રિટિશરોએ તેમનામાં મરદાનગીના ગુણો પારખીને ‘લડાયક જાતિ’ તરીકે ઓળખી કાઢી હતી.

નેપાળ પરના આક્રમણમાં ભારે ખુવારી સહન કર્યા પછી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ૧૮૧૫માં ઉતાવળે શાંતિસંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં તેને પૂર્વ દુશ્મન સૈનિકોની ભરતી કરવાની છૂટ પણ મળી હતી. ૧૯૪૭માં ભારતના ભાગલા પછી નેપાળ, ભારત અને બ્રિટન વચ્ચેની સમજૂતી અન્વયે ભારતીય આર્મીની ચાર ગુરખા રેજિમેન્ટ્સ બ્રિટિશ આર્મીમાં સામેલ કરવામાં આવી હતી, જે પાછળથી ગુરખા બ્રિગેડ બની હતી. આ પછી, ગુરખાઓ સમગ્ર વિશ્વના મોરચે બ્રિટિશ તરફે વફાદારી સાથે લડ્યા હતા અને ૧૩ વિક્ટોરિયા ક્રોસ પણ હાંસલ કર્યા હતા. બે વિશ્વ યુદ્ધોમાં ૨૦૦,૦૦૦થી વધુ ગુરખા લડ્યા હતા અને ૪૩,૦૦૦ ગુરખાએ તેમના જાન ગુમાવ્યા હતા. ગણતરી માંડીએ તો, બ્રિટિશ, અમેરિકન અથવા ઓસ્ટ્રેલિયન સૈનિકોની સરખામણીએ ગુરખા સૈનિકોની શહાદતનું પ્રમાણ વધુ હતું. આ બાબત જ ગુરખાઓના શૌર્ય, દૃઢનિર્ધાર અને સમર્પણ સ્પષ્ટ કરે છે.

ગત ૫૦ વર્ષમાં ગુરખાઓએ હોંગ કોંગ, મલેશિયા, બોર્નીઓ, સાયપ્રસ, ફોકલેન્ડ્સ, કોસોવો તેમજ ઈરાક અને અફઘાનિસ્તાનમાં પણ સેવા આપી છે. તેમણે મુખ્યત્વે ઈન્ફન્ટ્રી (પાયદળ- હાથોહાથની લડાઈમાં ગુરખાઓને કોઈ પહોંચી શકે તેમ નથી) સહિત વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. એન્જીનીઅર્સ, લોજીસ્ટિશિયન્સ અને સિગ્નલ સ્પેશિયાલિસ્ટ્સમાં પણ ગુરખાઓની સંખ્યા નોંધપાત્ર છે. ગુરખા નામ પર્વતીય નગર ગોરખા પરથી આવ્યું છે, જ્યાંથી નેપાળી રાજ્યનું વિસ્તરણ થયું હતું. તેમના સૈન્યમાં હંમેશા ગ્રામવાસી ગરીબ પર્વતીય ખેડૂતોના ચાર વંશીય જૂથો, સેન્ટ્રલ નેપાળના ગુરુંગ અને મગર, પૂર્વના રઈસ અને લિમ્બસનું પ્રભુત્વ રહ્યું છે.

દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ગુરખા સૈનિકોની સંખ્યા ૧૧૨,૦૦૦ હતી, જે હવે ઘટીને આશરે માત્ર ૩,૫૦૦ની રહી છે. હજુ હમણાં સુધી તો ગુરખાઓએ તેમના પેન્શન અધિકારો માટે બ્રિટિશ સરકાર સાથે લાંબી લડાઈ લડવી પડી હતી. અભિનેત્રી જોઆના લુમલીની આગેવાની હેઠળ હાઈ પ્રોફાઈલ ઝૂંબેશના પગલે ૨૦૦૯માં તમામ નિવૃત્ત ગુરખાઓને યુકેમાં વસવાટનો અધિકાર સાંપડ્યો હતો. જોઆના લુમલીના પિતા છઠ્ઠી ગુરખા રાઈફલ્સ સાથે રહીને લડ્યા હતા. ગુરખાઓએ ૧૮૧૭ની પિંઢારી લડાઈ, ૧૮૨૬માં ભરતપુરની લડાઈ, ૧૮૪૬માં પ્રથમ શીખ યુદ્ધ અને નેપાળી આર્મી દ્વારા ઈસ્ટ ઈન્ડિયા કંપનીને છ રેજિમેન્ટ ઓફર કરાઈ હતી તે ૧૮૪૮ના દ્વિતીય શીખ યુદ્ધમાં બ્રિટિશરોની ભારે મદદ કરી હતી. સામાન્ય રીતે ૧૮૫૭-૫૮ના ભારતીય બળવા (જેને ભારતીયો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહે છે) તરીકે ઓળખાતી લડાઈમાં સેકન્ડ ગુરખાઝ દ્વારા દિલ્હીમાં વફાદારીનું નોંધપાત્ર પ્રદર્શન જોવાં મળ્યું હતું, જેમાં ૪૯૦ ગુરખા સૈનિકમાંથી ૩૨૭ ગુરખા મોતને ભેટ્યા હતા. એક વાત એ પણ યાદ રાખવી જરુરી છે કે એ વર્ષે નેપાળના વડા પ્રધાનની અંગત રાહબરી હેઠળ ૮,૦૦૦ સૈનિક (૧૨ નેપાળી આર્મી રેજિમેન્ટ્સ)ના દળે લખનૌના આખરી બચાવ વખતે ભાગ લીધો હતો.

આજના ગ્રેટ બ્રિટન પ્રત્યે ગુરખાઓએ આટલી વફાદારી, આટલાં બલિદાનનું પ્રદાન કર્યું છે, ત્યારે બ્રિટિશરો દ્વારા આ ઋણ કેટલું ઉતારાયું છે? દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન ઘણી રણભૂમિમાં તો ગુરખાઓએ જ બ્રિટન અને મિત્રદળોની તરફેણમાં બાજી પલટી નાખી હતી એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. જનરલ ડ્વાઈટ આઈઝનહોવર લિખિત ‘ધ વોર ઈન યુરોપ’માં આ વિશે સ્પષ્ટ વર્ણન કરાયું છે. બ્રિટિશ આર્મીના સૈનિકોનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે આપણે સંખ્યામાં ઓછાં પરંતુ શૌર્યમાં ઉંચેરા એવા ગુરખાઓની હંમેશાં જરુર રહેશે. તાજેતરના ભૂકંપમાં નેપાળને ભારે તારાજી અને જાનહાનિ સહન કરવી પડી છે. બ્રિટને કેટલોક ફાળો આપ્યો જ છે, પરંતુ હજુ ઘણું કરવાની જરુર છે. વિશ્વમાં છઠ્ઠા ક્રમનો ધનવાન દેશ યુકે ભૂકંપનું ભારે જોખમ ધરાવતા આ દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યોગ્ય હાઉસિંગના નિર્માણમાં નોંધપાત્ર રકમનો ફાળો આપી શકે છે. બ્રિટન માટે પોતાના જાનનું બલિદાન આપનારા હજારો ગુરખાઓનું ઋણ ઉતારવાનો આ કાયમી અને સન્માનીય માર્ગ બની શકે છે. શાહી પરિવાર અને સામાન્ય બ્રિટિશ સ્ત્રી અને પુરુષો માટે તો ગુરખાઓ હંમેશાં સન્માનીય રહ્યા છે. સત્તાધારી લોકો આભારદર્શન અને બિરાદરીના કાયમી સ્વરુપે નેપાળના અથવા તો ગુરખાઓ જ્યાંથી આવે છે તેવા નેપાળના કેટલાંક પ્રદેશોનાં પુનર્નિર્માણ માટેની દૂરંદેશી દર્શાવી શકશે?

(મુખ્ય તંત્રીલેખઃ- એશિયન વોઈસ, ૨૦ જૂન, પાન ૩)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter