ગૂગલની ‘સુંદર’ સર્ચઃ સીઇઓ પદે ભારતીય પિચાઇ

Wednesday 12th August 2015 06:57 EDT
 
 

ન્યૂ યોર્કઃ વિશ્વની બીજા નંબરની સૌથી મોટી કંપની ગૂગલના સીઇઓ તરીકે દક્ષિણ ભારતના ચેન્નઈમાં જન્મેલા સુંદર પિચાઈની વરણી કરવામાં આવી છે. ૧૧ વર્ષથી ગૂગલ સાથે જોડાયેલા ૪૩ વર્ષના સુંદર પિચાઇને ગયા ઓક્ટોબરમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટનો કાર્યભાર સોંપાયો ત્યારથી જ તેઓ ગૂગલમાં નંબર-ટુ મનાતા હતા. પિચાઇ હાલમાં ગૂગલ એન્ડ્રોઇડના પ્રેસિડેન્ટ અને ક્રોમ વેબ બ્રાઉઝરના ઇન્ચાર્જ તરીકે કાર્યરત હતા. આશરે ૪૦૦ બિલિયન ડોલરનું માર્કેટ કેપ ધરાવતી ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજે સુંદર પિચાઇની નિમણૂકની જાહેરાત કરી હતી. આ સાથે જ એપલના સીઇઓ ટીમ કૂક, માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નદેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુંદરને અભિનંદન આપ્યા હતા.
ગૂગલના સીઇઓ પદે પિચાઇની નિમણૂકની જાહેરાત કર્યા બાદ લેરી પેજે બ્લોગ પર લખ્યું હતુંઃ હું સુંદર પિચાઈ જેવી પ્રભાવશાળી વ્યક્તિને મેળવીને પોતાને ભાગ્યશાળી માનું છું. સુંદર તે રીતે જ બોલે અને વિચારે છે જેમ હું બોલું અને વિચારું છું. ઘણી વાર તો મારા કરતા પણ સારું. મને તેમની સાથે કામ કરવામાં મજા આવે છે.

કંપનીનું પુનર્ગઠન
વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે પોતાના ઓર્ગેનાઇઝેશનમાં મોટું પરિવર્તન લાવતા ભારતવંશીય સુંદર પિચાઈને નવા સીઈઓ નિયુક્ત કર્યા છે. પિચાઈને ગૂગલના સીઈઓ બનાવવાની સાથે જ કંપનીનું પુનર્ગઠન કરતાં કંપનીના સહ-સ્થાપક લેરી પેજે આલ્ફાબેટ નામથી નવી કંપનીના નામની જાહેરાત કરી હતી. કંપનીના કોર્પોરેટ સ્ટ્રકચરમાં આવેલા આ પરિવર્તન મુજબ, ગૂગલના શેરો આલ્ફાબેટના શેરોમાં આપમેળે પરિવર્તિત થઈ જશે. આલ્ફાબેટ ગૂગલની પેરેન્ટ કંપની રહેશે અને ગૂગલ તેને આધિન કામ કરશે. આલ્ફાબેટના સીઈઓ લેરી પેજ અને ચેરમેન સર્જે બ્રિન રહેશે.

ગૂગલના કો-ફાઉન્ડર અને હવે નવી કંપની આલ્ફાબેટના સીઇઓ લેરી પેજે કંપનીમાં થયેલા ફેરફારો બાદ જણાવ્યું હતું કે, ચોથા ક્વાર્ટર બાદ ગૂગલના શેર આલ્ફાબેટના શેરમાં પરિવર્તિત થઈ જશે. આલ્ફાબેટ એ ગૂગલના સ્થાપકોએ સ્થાપેલી એક નવી અમ્બ્રેલા કંપની બની રહેશે. જેની ગૂગલની કોર પ્રોડક્ટસ ગૂગલ પાસે જ રહેશે.
લેરી પેજના જણાવ્યા મુજબ, નવી હોલ્ડિંગ કંપનીમાં પ્રત્યેક બિઝનેસનો પોતાનો મજબૂત સીઈઓ હશે. ગૂગલના તમામ શેર હવે નાસ્ડેકમાં GOOGLE અને GOOG નામથી ટ્રેડ કરશે. ઉલ્લેખનીય છે કે આલ્ફાબેટની વેબસાઇટને હાલમાં જ abc.xyz તરીકે લોન્ચ કરવામાં આવી છે.

ગૂગલની છત્રછાયામાં...
ગૂગલ આલ્ફાબેટના નેતૃત્વમાં ગૂગલ સર્ચ એન્જિન, ગૂગલ વેન્ચર્સ, યૂટ્યૂબ, ગૂગલ એક્સ, જીમેલ, ફાઇબર, મેપ્સ, લાઇફ સાયન્સિઝ, મોબાઈલ OS એન્ડ્રોઇડ, ડ્રોન ડિલિવરી, એડવર્ટાઇઝિંગ ડિવિઝન, સેલ્ફ ડ્રાઇવિંગ કાર વગેરે કામ કરશે.

સુંદર પિચાઈની સફળતાની સફર
• મૂળ નામ પિચાઈ સુંદરાજન્ છે, પરંતુ સૌ કોઈ તેને સુદર પિચાઈથી ઓળખે છે.
• ચેન્નઈના જવાહર વિદ્યાલયમાંથી શાળાનું શિક્ષણ મેળવ્યું.
• ચેન્નઈ સ્થિત તેમના બે રૂમના ફ્લેટમાં એક સમયે ટીવી, ફોન જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ન હતી.
• આઈઆઈટી-ખડગપુરમાંથી તેમણે એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી. તેઓ પોતાની બેચના સિલ્વર મેડલિસ્ટ છે.
• માસ્ટર ઓફ સાયન્સ (એમએસ)નું શિક્ષણ સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી લીધું.
• વોર્ટન યુનિવર્સિટીમાંથી એમબીઓનો અભ્યાસ કર્યો.
• પિચાઈને પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં સાઇબર સ્કોલર તરીકે ઓળખવામાં આવતા હતા.
• ગૂગલમાં જોડાતા પહેલાં McKinsy & Companyમાં મેનેજમેન્ટ કન્સલ્ટિંગ સેલમાં કામ કરતા હતા.
• ૨૦૦૪માં તેઓ ગૂગલમાં જોડાયા, પ્રોડક્ટ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડન્ટ તરીકે જોબ મળી.
• સુંદર પિચાઈએ ટૂલબાર પર કરેલી કામગીરીએ તેમની કારકિર્દીમાં મોટું પરિવર્તન લાવી દીધું.
• ગૂગલ ક્રોમ અને ક્રોમ ઓએસના ઇનોવેશન બાદ કંપનીમાં તેમની આગવી ઓળખ ઉભી થઇ.
• ૨૦૦૮માં તેમને પ્રોડક્ટ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા.
• ૨૦૧૧માં ટ્વિટરે તેમને જોબ ઓફર કરી, પરંત ગૂગલે ૫૦ મિલિયન ડોલર (આશરે ૩૦૫ કરોડ રૂપિયા) આપીને રોકી લીધા.
• ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં જ તેમને ગૂગલના સીનિયર પ્રોડક્ટ ચીફ નિયુક્ત કરવામાં આવ્યા.
• હાલમાં તેઓ ગૂગલ એન્ડ્રોઇડના પ્રેસિડેન્ટ અને ક્રોમ વેબ બ્રાઉઝરના ઇન્ચાર્જ તરીકે કાર્યરત હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter