જયપુરઃ રાજસ્થાનના રાજકારણમાં ગેહલોત જૂથે હાઈકમાન્ડ સામે બાંયો ચડાવ્યા બાદ હવે હાઇકમાન્ડે પણ લાલ આંખ કરીને ગેહલોત જૂથના ધારાસભ્યોનું નાક દબાવ્યું છે. પક્ષે બે મંત્રી અને એક ચેરમેનને ધારાસભ્ય દળની બેઠકમાં હાજર ન રહેવાની ચીમકી આપી ગેરશિસ્ત આચરવા બદલ શો-કોઝ નોટિસ ફટકારી છે. બીજી તરફ, મુખ્ય પ્રધાનપદની ખુરશીના દાવેદાર સચીન પાયલટ હાઇકમાન્ડને મળવા દિલ્હી પહોંચ્યા છે.
કોંગ્રેસ શિસ્ત સમિતિએ મંગળવારે રાત્રે સંસદીય બાબતોના મંત્રી શાંતિ ધારીવાલ, વ્હીપ મહેશ જોશી અને આરટીડીસીના અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ રાઠોડને નોટિસ ફટકારી છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોત પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેથી તેને ક્લિનચીટ અપાઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે યથાવત રહે તેવી સંભાવના પ્રબળ બની છે. તો અધ્યક્ષના નામ પર હજુ સસ્પેન્સ યથાવત્ છે. બીજી તરફ કોંગ્રેસની શિસ્ત સમિતિના અધ્યક્ષ એ.કે. એન્ટોની દિલ્હી પહોંચ્યા છે જેથી કોઈ નવાજૂની થવાના એંધાણ છે. હાઇ કમાન્ડે ત્રણેય નેતાઓને ગેરશિસ્ત માટે દોષી ઠેરવવામાં આવ્યા છે અને 10 દિવસમાં જવાબ માંગ્યો છે. માકન અને મલ્લિકાર્જુન ખડગેના રિપોર્ટમાં આ નેતાઓને દોષિત ઠેરવાયા છે.
ગેહલોતને મળવા 20 ધારાસભ્યો પહોંચ્યા
રાજસ્થાન કોંગ્રેસમાં બે દિવસથી મુખ્ય પ્રધાન પદની ખુરશીને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે લગભગ 20 ધારાસભ્યો મંગળવારે બપોરે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવા માટે સીએમ હાઉસ પહોંચ્યા હતા. આ બેઠકને રાજકીય સંકટ સાથે જોડવામાં આવી રહી છે. મુખ્યમંત્રીને મળનારાઓમાં કેટલાક મંત્રીઓ પણ સામેલ હતા.
શિસ્ત સમિતિના પ્રમુખ દિલ્હી પહોંચ્યા
કોંગ્રેસ શિસ્ત સમિતિના પ્રમુખ એ.કે. એન્ટોનીને દિલ્હી બોલાવાયા છે. એન્ટની સોનિયા ગાંધીને મળશે પછી શિસ્તભંગના પગલા લેવાય તેવી શક્યતા છે. રાજસ્થાનની સ્થિતિને જોતાં એન્ટનીને બોલાવવા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એન્ટનીને અજય માકનના રિપોર્ટ પર કાર્યવાહી માટે કહેવાઇ શકે છે.
પાયલટ અસ્વીકાર્યઃ ગેહલોત જૂથ
રાજસ્થાનમાં ફરી કોંગ્રેસ સંકટમાં મુકાઈ ગઈ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પાયલટ જૂથો વચ્ચે ખુલ્લેઆમ ફાંટા પડી ગયા છે. ગેહલોત જૂથના 82 ધારાસભ્યોએ અચાનક જ રાજીનામાં આપી દીધા છે અને કહ્યું છે કે અમને સચિન પાયલટ મુખ્યમંત્રી તરીકે મંજૂર નથી. અશોક ગેહલોતને કોંગ્રેસ પ્રમુખ બનાવીને પાયલટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવી તેવી અટકળો વચ્ચે ગેહલોત જૂથ સક્રિય થઈ ગયું હતું અને પાયલટ સામે મોરચો ખોલ્યો છે. તેથી હવે કોંગ્રેસ આ પરિસ્થિતિમાંથી પક્ષને કેવી રીતે બહાર લાવશે તેના પર સૌની નજર છે. ગેહલોત જૂથના 82 ધારાસભ્યોએ પોતાના રાજીનામાં રાજસ્થાન વિધાનસભાના સ્પીકરને સોંપી દીધા છે. બાદમાં કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે મુખ્યમંત્રી અશોક ગેહલોતને ફોન કરીને આ અંગેની જાણકારી આપી હતી. જોકે, જવાબમાં ગેહલોતે પણ હાથ ઊંચા કરી લીધા છે અને કહ્યું છે કે મારા હાથમાં કંઈ જ નથી.
પાયલોટના પણ દિલ્હીમાં ડેરાતંબૂ
સચિન પાયલટ દિલ્હી પહોંચી ગયા છે. તેઓ કોઇ પણ સમયે પાર્ટી હાઈકમાન્ડને મળી શકે છે. ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે પાયલટે સોનિયા ગાંધી સાથે વાત કરી છે અને કહ્યું છે કે જો ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડે છે, તો તેમણે રાજસ્થાનના સીએમનું પદ છોડી દેવું જોઈએ. જોકે પાયલટે પોતે ટ્વિટ કરીને તેને ખોટા સમાચાર ગણાવ્યા છે. પાયલોટે સમગ્ર મામલામાં મૌન સેવ્યું છે.
તો હવે પક્ષ પ્રમુખ પદની રેસમાં કોણ?
કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઝૂકાવવા તૈયાર ગેહલોતને તેના જ જૂથનો બળવો ભારે પડી ગયો છે. તેઓ હવે અધ્યક્ષ પદની ચૂંટણીમાંથી બહાર મનાય છે. એક અહેવાલ અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં મલ્લિકાર્જુન ખડગે, મુકુલ વાસનિક અને કમલ નાથ જેવા નેતા આગળ ચાલી રહ્યા છે. આ ઉપરાંત દિગ્વિજયસિંહ પણ અધ્યક્ષ પદની રેસમાં ઉતરી શકે છે. રાહુલ ગાંધીના નજીકના અને કોંગ્રેસ મહામંત્રી કેસી વેણુગોપાલ પણ અધ્યક્ષ પદ માટે પસંદ થઈ શકે છે. સુશીલ કુમાર શિંદે અને કુમારી શૈલજાના નામો પણ હવે ચર્ચામાં આવી ગયા છે. અધ્યક્ષ પદ માટે કોની પસંદગી કરવી તે અંગે હાલ સોનિયા અને રાહુલ મંથન કરી રહ્યા છે.