ઘણા ભારતીય પૂર્વજોનું લોહી અને પરસેવો અહીંની માટીમાં ભળેલા છેઃ મોદી

ભારત-મોરેશિયસના સંબંધો મોરસ જેવા મીઠા

Wednesday 12th March 2025 06:42 EDT
 
 

પોર્ટ લુઇસઃ મંગળવારે બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દસકાઓથી અહીં વસતાં ભારતીય સમુદાયને સંબોધતાં કહ્યું હતું કે ભારત અને મોરેશિયસના સંબંધો મોરસ (ખાંડ) જેવા મીઠામધુરા છે. એક સમય હતો જ્યારે ભારતના પશ્ચિમ ભાગમાં મીઠાઈ માટે મોરેશિયસથી ખાંડ આવતી હતી. કદાચ આ જ કારણ છે કે ગુજરાતીમાં ખાંડને મોરસ કહેવાય છે. સમયના વહેવા સાથે ભારત અને મોરેશિયસના સંબંધોમાં આ મીઠાશ વધતી રહી છે. આ મીઠાશ સાથે, હું મોરેશિયસના લોકોને રાષ્ટ્રીય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જ્યારે પણ હું મોરેશિયસ આવું છું, ત્યારે મને એવું લાગે છે કે હું મારા પ્રિયજનોની વચ્ચે છું. અહીંની માટી, હવા અને પાણીમાં પોતીકાપણું હોવાની લાગણી છે.
વડાપ્રધાન મોદી બુધવારે 12 માર્ચે આ દ્વીપના નેશનલ ડેની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે જાહેરાત કરી હતી કે વડાપ્રધાન મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર દ્વારા સનમાનિત કરાશે.
પોર્ટ લુઇસ એરપોર્ટ પર આવી પહોંચેલા વડાપ્રધાનનું મોરેશિયસના 34 સભ્યોના પ્રધાનમંડળે ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. બાદમાં મોદીએ રાષ્ટ્રપતિ ધરમ ગોખૂલ સાથે મુલાકાત કરી હતી જ્યાં વડાપ્રધાને તેમને ગંગાજળ જ્યારે તેમના પત્નીને બનારસી સાડી ભેટમાં આપી હતી. સાથે સાથે જ ગોખૂલ દંપતીને ઓસીઆઇ કાર્ડ અર્પણ કર્યા હતા.
‘નવા અને ઉજ્જવળ અધ્યાયનો આરંભ’
મોરેશિયસ જતાં પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં ‘નવા અને ઉજ્જવળ’ અધ્યાયની શરૂઆત કરશે. વડા પ્રધાને જણાવ્યું હતું કે તેઓ ‘આપણા લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે આપણી કાયમી મિત્રતાને મજબૂત કરવા’ તમામ પાસાઓમાં આપણી ભાગીદારીને વધારવા માટે મોરેશિયસના નેતૃત્વ સાથે સંલગ્ન થવા આતુર છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘મોરેશિયસ નજીકનો દરિયાઈ પડોશી છે, હિંદ મહાસાગરમાં મુખ્ય ભાગીદાર છે અને આફ્રિકન મહાદ્વીપનું પ્રવેશદ્વાર છે. અમે ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિથી જોડાયેલા છીએ... ઊંડો પરસ્પર વિશ્વાસ, લોકશાહીના મૂલ્યોમાં સહિયારો વિશ્વાસ અને વિવિધતાની ઉજવણી અમારી શક્તિઓ છે.’
ભારત-મોરેશિયસ ઐતિહાસિક સંબંધોનું સન્માન
મોદીએ મોરેશિયસમાં વસતાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતાં પોતાનું ભાષણ ભોજપુરીમાં શરૂ કર્યું હતું. તેમણે કહ્યું, ‘જ્યારે હું 10 વર્ષ પહેલાં આ તારીખે મોરેશિયસ આવ્યો હતો, તે વર્ષે હોળી એક અઠવાડિયા વહેલી થઈ ગઈ હતી, ત્યારે હું ભારતમાંથી ફાગવાનો ઉત્સાહ મારી સાથે લઈને આવ્યો હતો. હવે આ વખતે હું હોળીના રંગો મોરેશિયસથી ભારત લઈ જઈશ. તેમણે કહ્યું હતું કે હવે જ્યારે આપણે હોળી વિશે વાત કરી રહ્યા છીએ, તો ગુજિયાની મીઠાશ કેવી રીતે ભૂલી શકાય. એક સમય હતો જ્યારે ભારતના પશ્ચિમ ભાગમાં મીઠાઈ માટે મોરેશિયસથી ખાંડ આવતી હતી. કદાચ આ જ કારણ છે કે ગુજરાતીમાં ખાંડને મોરસ કહેવાય છે. સમયના વહેવા સાથે ભારત અને મોરેશિયસના સંબંધોમાં આ મીઠાશ વધતી રહી છે. આ મીઠાશ સાથે, હું મોરેશિયસના લોકોને
રાષ્ટ્રીય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જ્યારે પણ હું મોરેશિયસ આવું છું, ત્યારે મને એવું લાગે છે કે હું મારા પ્રિયજનોની વચ્ચે છું. અહીંની માટી, હવા અને પાણીમાં પોતીકાપણું હોવાની લાગણી છે.
તેમણે કહ્યું હતું કે ગવાઈ ગીતમાં, ઢોલકના તાલમાં, દાળપુરીમાં ભારતની સુગંધ છે. આ સ્વાભાવિક પણ છે કારણ કે આપણા ઘણા ભારતીય પૂર્વજોનું લોહી અને પરસેવો અહીંની માટીમાં ભળેલા છે. તમે મને સન્માન આપ્યું છે, હું તેને નમ્રતાથી સ્વીકારું છું. આ ભારત અને મોરેશિયસ વચ્ચેના ઐતિહાસિક સંબંધોનું સન્માન છે. આ તે ભારતીયોને શ્રદ્ધાંજલિ છે જેમણે પેઢીઓથી આ ભૂમિની સેવા કરી અને મોરેશિયસને આ ઊંચાઈ પર પહોંચાડ્યું. આ સન્માન માટે હું મોરેશિયસના દરેક નાગરિક અને તેની સરકારનો આભાર માનું છું.
12 માર્ચ સહિયારા ઇતિહાસનું પ્રતીક
ગયા વર્ષે, ભારતના રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય દિવસ નિમિત્તે મોરિશિયસના વડા મુખ્ય મહેમાન હતા, જે ભારત અને મોરેશિયસ વચ્ચેના મજબૂત સંબંધો દર્શાવે છે. 12 માર્ચને રાષ્ટ્રીય દિવસ તરીકે પસંદ કરવાનો નિર્ણય આપણા બંને દેશોના સહિયારા ઇતિહાસનું પ્રતિબિંબ છે. આ એ જ દિવસ છે જ્યારે મહાત્મા ગાંધીએ ગુલામી સામે દાંડી સત્યાગ્રહ શરૂ કર્યો હતો. આ દિવસ બંને દેશોના સ્વતંત્રતા સંઘર્ષને યાદ કરવાનો છે. બેરિસ્ટર મણિલાલ જેવા મહાન વ્યક્તિત્વને કોઈ ભૂલી શકે નહીં, જેમણે મોરેશિયસ આવીને લોકોના અધિકારો માટે લડવાનું શરૂ કર્યું હતું.
એરપોર્ટ પર પ્રધાનમંડળ દ્વારા સ્વાગત
આ પૂર્વે વડાપ્રધાન મોદી મંગળવારે સવારે પોર્ટ લુઇસ એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટથી નીકળ્યા પછી, મોદી હોટેલ પહોંચ્યા હતા, જ્યાં ભારતીય સમુદાયે ‘ભારત માતા કી જય’ના નારા સાથે તેમનું સ્વાગત કર્યું અને તિરંગો લહેરાવ્યો હતો. મોદીનું સ્વાગત કરવા માટે મોરેશિયસની મહિલાઓએ પરંપરાગત બિહારી ‘ગીત ગવઈ’ ગાયું હતું. મોદીએ એક્સ પર પોસ્ટ કરીને સ્વાગત માટે મોરેશિયસના વડાપ્રધાનનો આભાર માન્યો હતો. આ પછી, મોરેશિયસની મહિલાઓએ વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે પરંપરાગત બિહારી ગીત ગાયું. આ દરમિયાન મોદી પરંપરાગત ભોજપુરી સંગીતનો આનંદ માણતા અને તાળીઓ પાડતા જોવા મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન મોદી અને રામગુલામ દ્વિપક્ષીય આર્થિક અને સુરક્ષા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કરશે. 2015 પછી ભારતીય પ્રધાનમંત્રીની મોરેશિયસની આ બીજી મુલાકાત છે.
દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પ્રયાસ
મોરેશિયસ ડેની ઉજવણીમાં ભારતીય સેનાની એક ટુકડી, નૌકાદળનું યુદ્ધ જહાજ અને વાયુસેનાની આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમ પણ ભાગ લેશે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું હતું કે ભારત - મોરેશિયસ વચ્ચેની ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ સુરક્ષા વધારવાનો છે. બંને દેશો હિંદ મહાસાગરના વ્યૂહાત્મક મહત્ત્વને સમજે છે. મોદીની મુલાકાત દરમિયાન ભારત અને મોરેશિયસ વચ્ચે વ્હાઇટ-શિપિંગ માહિતી શેર કરવા અંગે એક એમઓયુ પર હસ્તાક્ષર થઈ શકે છે. વ્હાઇટ શિપિંગ અંતર્ગત વાણિજ્યિક, બિન-લશ્કરી જહાજોની ઓળખ અને ગતિવિધિ વિશે માહિતીનું આદાન-પ્રદાન કરાશે. આ દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. મોદીના આ પ્રવાસમાં વૈશ્વિક વેપાર અને અમેરિકન ટેરિફની અસર સહિત ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આ સાથે સંરક્ષણ, વેપાર, ક્ષમતા નિર્માણ અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ પર ચર્ચા થશે.
ચાગોસ ટાપુ પર મોરેશિયસના દાવાને ભારતનો ફરી ટેકો
વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલાં, ભારતે ફરી ચાગોસ ટાપુ પર મોરેશિયસના દાવાને સમર્થન આપ્યું છે. ભારતીય વિદેશ સચિવે કહ્યું હતું કે ભારત ચાગોસ ટાપુઓ પર મોરેશિયસના દાવાને સમર્થન આપે છે, કારણ કે તે વસાહતીકરણના વિસર્જનની લાંબી પરંપરાનો એક ભાગ છે જે ભારતની વિદેશ નીતિનો ભાગ છે. ચાગોસ ટાપુઓ પર બ્રિટન અને મોરેશિયસ વચ્ચે 50 વર્ષથી વિવાદ ચાલતો હતો. ભારત ઘણા સમયથી બંને વચ્ચે આ કરાર પર પહોંચવા પ્રયાસ કરી રહ્યું હતું. ભારતની મદદથી બંને પક્ષો વચ્ચે 5 મહિના પહેલાં એક કરાર થયો છે. કરાર મુજબ, 60 ટાપુનો બનેલો ચાગોસ ટાપુ મોરેશિયસને અપાયો છે. ચાગોસ ટાપુઓ પર ડિએગો ગાર્સિયા ટાપુ પણ છે. અમેરિકા અને બ્રિટને અહીં સંયુક્ત લશ્કરી થાણું બનાવ્યું છે. કરાર મુજબ, યુએસ-બ્રિટન બેઝ અહીં 99 વર્ષ સુધી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter