બેંગલૂરુઃ પહેલાં ચંદ્ર પર સફળતાનો સૂર્યોદય, અને હવે સૂર્યના રહસ્યનો તાગ પામવા માટે હાથ ધરાયેલા સોલર મિશનની સફળતાનો ઉજળો આશાવાદ. આ છે ‘ઇસરો’ના વિજ્ઞાનીઓનો આત્મવિશ્વાસ. વીતેલા સપ્તાહે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ સાથે ભારતને ‘વિશ્વના પ્રથમ દેશ’નું બહુમાન અપાવનાર ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના વિજ્ઞાનીઓએ હવે બીજી સપ્ટેમ્બર - શનિવારે સોલર મિશન આદિત્ય L-1 લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
ચંદ્રયાન-3ની સફળતા સાથે જ ભારતે સ્પેસમાં સુપર પાવર બનવાની દિશામાં હરણફાળ ભરી છે એમ કહી શકાય. ‘ઇસરો’એ મેક ઇંડિયાને મૂન સુધી પહોંચાડ્યું છે. આજે 8 બિલિયન ડોલરની ભારતની સ્પેસ ઇન્ડસ્ટ્રીઝ થોડાક જ વર્ષોમાં વધીને 16 બિલિયન ડોલરનો આંકડો વટાવી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરોની સિદ્ધિને માનવજાત માટે ઉપકારક ગણાવવાની સાથે સાથે જ દર વર્ષે 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.
એક તરફ, ભારતીય વિજ્ઞાનીઓ પર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગની અપ્રતીમ સિદ્ધિ બદલ વિશ્વભરમાંથી પ્રશંસાના પુષ્પોની વર્ષા થઇ રહી છે તો બીજી તરફ, ચંદ્ર પર પહોંચેલા ચંદ્રયાન-3ની જુગલજોડી લેન્ડર ‘વિક્રમ’ અને રોવર ‘પ્રજ્ઞાન’ પૂર્વનિર્ધારિત કામગીરી અસરકારક રીતે કરી રહ્યા છે. લેન્ડર ‘વિક્રમ’ના સેન્સરે ચંદ્ર પર તાપમાનનો ડેટા મોકલ્યો છે તે અનુસાર દક્ષિણ ધ્રુવની સપાટીનું તાપમાન 50-60 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. તો લેન્ડિંગના માત્ર દોઢ જ કલાકમાં ચંદ્ર પર ફરતું થઇ ગયેલું રોવર ‘પ્રજ્ઞાન’ ચંદ્રની વિવિધ તસવીરો મોકલવા લાગ્યું છે. ઇસરોના ચેરમેન એસ. સોમનાથનું કહેવું છે કે ભારતને ચંદ્રની સૌથી સારી તસવીર મળી છે. વિશ્વમાં હજુ સુધી કોઈએ પણ આટલી નજીકથી ચંદ્રની તસવીર ખેંચી નથી. (વિશેષ અહેવાલ - પાન 16-17)