ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ

Friday 14th July 2023 17:20 EDT
 
 

ચંદ્રયાન-3 મિશનનું બજેટ રૂ. 615 કરોડનું હોવાનું કહેવાય છે. ‘ઇસરો’ના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-3 મિશનના મુખ્ય ત્રણ ઉદ્દેશ છે. (1) ચંદ્ર પર સફળ ઉતરાણ (2) ચંદ્રની સપાટી પર સંચાર કરી શકવાની રોવરની ક્ષમતાનું પ્રદર્શન અને (3) વૈજ્ઞાનિક અવલોકનની નોંધ. ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3માં પણ એક લેન્ડર (એક વાહન, જે ગ્રહ પર ઊતારવામાં આવશે) અને રોવર (ગ્રહની સપાટી પર સંચાર કરનાર યાન)નો સમાવેશ થાય છે. ચંદ્રયાન-3ના લેન્ડર તથા રોવરને ચંદ્ર પરના એક દિવસના સૂર્યપ્રકાશ પર કામ કરી શકે તે રીતે ડિઝાઇન કરાયા છે. તેનો અર્થ એ થાય કે તેઓ પૃથ્વીના 14 દિવસના સમયગાળા સુધી અવલોકન નોંધવાનું ચાલુ રાખશે. મિશનમાં ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીકના પ્રદેશમાં અવકાશયાનના ઉતરાણનું આયોજન છે. ભારતે ચંદ્રયાન-2 મિશન વખતે યાનને ચંદ્ર પર ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિક્રમ લેન્ડર ચંદ્ર પર તૂટી પડ્યું હતું. તે નિષ્ફળતામાંથી પાઠ ભણીને ચંદ્રયાન-3માં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. મિશન ચંદ્રની સપાટી પરની રાસાયણિક તથા કુદરતી સામગ્રી, માટી અને પાણીનો અભ્યાસ કરીને ચંદ્ર વિશેના આપણા જ્ઞાનમાં વધારો કરશે. યાન પર સિસ્મોમીટર (ભૂકંપની તીવ્રતા માપવાનું યંત્ર) જેવાં ઉપકરણો પણ છે. આ સાધનો ચંદ્રની સપાટીની ઊર્જા અને વાતાવરણની રચનાનો અભ્યાસ કરશે તેમજ મિશનના કેટલાંક અન્ય સાધનો ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીનો અભ્યાસ કરશે.
ચંદ્ર મિશન પર ખર્ચ શા માટે?
કેટલાક લોકો માને છે કે આ નવા યુગની અંતરિક્ષમાં પહોંચવાની સ્પર્ધા છે. કેટલાક લોકો માટે તે પોતાના દેશમાં ટેકનોલોજી કેટલી વિકસીત છે તે દેખાડવાની તક છે. ભારતની દૃષ્ટિએ વિચાર કરીએ તો ચીન સાથેની સ્પર્ધાને નકારી શકાય નહીં. ચીન હાલમાં ચાંગ-6, ચાંગ-7 અને ચાંગ-8 મિશન પર કામ કરી રહ્યું છે. ચીન ચંદ્ર પર સંશોધન કેન્દ્ર બનાવવાના પ્રયાસ પણ કરી રહ્યું છે, પરંતુ આ સ્પર્ધાની પેલે પાર જઈને વિચારીએ તો મોટા ભાગના ચંદ્ર મિશન ભવિષ્યના અન્ય અવકાશ મિશનના પ્રારંભિક પગલાં છે. આમાંના ઘણા મિશનમાં જીવનજરૂરી સામગ્રી ચંદ્ર પર મોકલાશે તેથી એક દાયકામાં કેટલાક લોકો ચંદ્ર પર રહેવા જઈ શકશે અને ત્યાં અભ્યાસ કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter