બેંગ્લૂરુઃ અમેરિકાના અગ્રણી અખબાર ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’એ ભારતના મહત્ત્વાકાંથી અંતરિક્ષ કાર્યક્રમની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં સ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઝડપથી સ્ટાર્ટ-અપ વિકસિત થઇ રહ્યા છે. ભાગ્યે જ અન્ય દેશોની પ્રશંસા કરતાં આ અખબારે લખ્યું છે કે સ્ટાર્ટ-અપ્સ સંકેત આપી રહ્યા છે કે ભારત આ ક્ષેત્રમાં વ્યાપક બદલાવ લાવી શકે છે તથા ચીનને પણ બરાબરની ટક્કર આપનારી તાકાતના રૂપમાં ઊભરી શકે છે. તે લખે છે કે ભારતે 1963માં પોતાનું પ્રથમ રોકેટ લોન્ચ કર્યું ત્યારે તે સૌથી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરનારો એક ગરીબ દેશ હતો. તે રોકેટને એક સાઇકલ મારફત રોકેટ લોન્ચ પેડ સુધી લઈ જવામાં આવ્યું હતું અને તેને અંતરિક્ષમાં સફળતાપૂર્વક સ્થાપિત કરાયું હતું. ‘વિશ્વના અંતરિક્ષ વ્યવસાયમાં આશ્ચર્યજનક પ્રયાસ કરનારા’ શીર્ષક હેઠળ છપાયેલા લેખમાં તેણે જણાવ્યું છે કે ભારતમાં ઓછામાં ઓછા 140 રજિસ્ટર્ડ સ્પેસ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સ છે.
આંતરરાષ્ટ્રીય તખતે થતી ભારતની આ પ્રસંશા ખરેખર તો ‘ઇસરો’ના વિજ્ઞાનીઓની કર્તવ્યનિષ્ઠાને - કૌશલ્યને સલામ છે. 14 જુલાઇએ અંતરિક્ષ ભણી પ્રયાણ કરનારા ‘ચંદ્રયાન-3’ મિશનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે, અને વિશ્વભરમાં ભારતીયો તેના ભણી નજર માંડીને બેઠા છે.
ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’) ચંદ્રયાન-3ના લોન્ચની સાથે ચંદ્રમા પર ઊતરવાના વધુ એક પ્રયાસ માટે તૈયાર છે. આ વખતનું લોન્ચિંગ વધારે ઈધણ, નિષ્ફળતા-સુરક્ષાના ઘણા બધા ઉપાયો અને મોટી લેન્ડિંગ સાઇટથી ભરપૂર હશે. સોફ્ટવેરમાં ખામીના લીધે સપ્ટેમ્બર 2019માં ચંદ્રયાન-2ના ક્રેશ લન્ડિંગ બાદ ચંદ્રયાન-3 શુક્રવારે ઉડ્ડયન કરશે.
‘ઇસરો’ના પ્રમુખ એસ. સોમનાથે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું કે ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર જ્યારે ચંદ્રની સપાટી પર 500 x 500 મીટર લેન્ડિંગ સ્પોટ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે તેમાં કશી ખામી સર્જાઈ હતી. તેમણે ચંદ્રયાન-2ની અસફળતા અંગે કહ્યું કે અમારી પાસે પાંચ એન્જિન હતાં, જેનો ઉપયોગ વેગ ઓછો કરવા માટે કરાય છે. આ એન્જિનોએ અપેક્ષા કરતાં વધારે જોર કર્યું. ત્રીજું કારણ તેના ઉતરાણની સાઇટ નાની હતી.
ચંદ્રયાન-3ના ચંદ્ર પર સુરક્ષિત ઉતરાણ માટે વિશેષ કાળજી
ભારતનું ચંદ્રયાન-3 14 જુલાઇએ બપોરે 2:35 કલાકે ચંદ્ર યાત્રાએ જવા અફાટ અંતરીક્ષમાં વિરાટ છલાંગ લગાવશે. ચંદ્રયાન-3 લોન્ચ કરવા માટેની તમામ ટેકનિકલ તૈયારી પૂરી થઇ ગઇ છે. ‘ઇસરો’ના ચેરમેન એસ. સોમનાથે સોમવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન ચંદ્રયાન-3 વિશે મહત્વની ટેકનિકલ માહિતી આપી હતી. સાથોસાથ કહ્યું હતું કે ચંદ્રયાન-૩ ની સમગ્ર ડિઝાઇનમાં અગાઉના ચંદ્રયાન-2ની નિષ્ફળતારૂપી ભૂલમાંથી શીખવાનો પ્રયાસ કર્યો છે. એટલે કે કદાચ પણ કોઇ ટેકનિકલ ખામી સર્જાય તો પણ ચંદ્રયાન -૩નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કઇ રીતે સંપૂર્ણ સલામતીથી ઉતરે તેનો સચોટ ખ્યાલ રાખ્યો છે.
એસ. સોમનાથે એવી માહિતી પણ આપી હતી કે અમે 2019ના ચંદ્રયાન-2માં ખરેખર કઇ કઇ ટેકનિકલ ખામીઓ સર્જાઇ હતી તેનો સુક્ષ્મતાથી અભ્યાસ કર્યો છે. ઉદાહરણરૂપે સેન્સર, એન્જિન, એલ્ગોરીધમ, કેલ્યુલેશન વગેરે ટેકનિકલ બાબતોનો અભ્યાસ કર્યો છે. ગમે તે હો, પણ અમે ચંદ્રયાન-3માં વિક્રમ લેન્ડરને ચંદ્રની ધરતી પર સંપૂર્ણ સલામતી અને સફળતા સાથે ઉતારવા ઇચ્છીએ છીએ.
‘ઇસરો’ના ચેરમેને એવી માહિતી પણ આપી હતી કે ચંદ્રયાન-3 માં વધુ માત્રામાં ફ્યુઅલ હશે. ઉપરાંત તેમાં વધારાની સોલાર પેનલ પર ગોઠવવામાં આવી છે કે જેથી તેને પૂરતા પ્રમાણમાં ઉર્જા મળી રહે. વિક્રમ લેન્ડરને ઉતરવા માટે વધુ મોટા વિસ્તારની પસંદગી થઇ છે. ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને ઉતરવા માટે ફક્ત 500 બાય 500 મીટરનો નાનો એટલે કે મર્યાદિત વિસ્તાર પસંદ કરવામાં આવ્યો હતો. જોકે ચંદ્રયાન-3માં આ વિસ્તાર વધારીને ચાર કિલોમીટર બાય 2.5 કિલોમીટર કર્યો છે. એટલે કે લેન્ડર આ વિસ્તારના કોઇપણ ચોક્કસ સ્થળે સલામતીથી ઉતરી શકશે.
સાથોસાથ તેનાં એન્જિન્સની ડિઝાઇન પણ લેન્ડરની ગતિ પણ તબક્કાવાર ઓછી થાય તે રીતે તૈયાર થઇ હતી. વળી, ચંદ્રયાન-૨માં પાંચ પ્રપલ્ઝન એન્જિન્સ હતાં, જેને કારણે અમારી અપેક્ષા કરતાં પણ વધુ થ્રસ્ટ લાગ્યો હતો. આમ તે વખતે જે કોઇ ટેકનિકલ અવરોધ સર્જાયા તેની અસર એક સાથે થઇ હતી. વળી, ચંદ્રયાન-2 અવકાશયાનમાંના ખાસ પ્રકારના સોફ્ટવેરને કારણે તેની ગતિ અપેક્ષા કરતાં વધી ગઇ હતી. આ પરિબળ પણ ગંભીર બની રહ્યું હતું.
ચંદ્રયાન-3 માં અગાઉની કોઇ પણ ટેકનિકલ ખામીનું પુનરાવર્તન ન થાય તેની અમે સંપૂર્ણ કાળજી રાખી છે. કહેવાનો અર્થ એ છે કે અમે ચંદ્રયાન -2 ની ભૂલમાંથી શીખ્યા છીએ.