નવી દિલ્હીઃ ભારત સરકારના પૂર્વ ગૃહ અને નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ્ પર કસાયેલો કાનૂની ગાળિયો દિન-પ્રતિદિન મજબૂત બની રહ્યો છે. પાંચ દિવસથી સીબીઆઇ રિમાન્ડ કસ્ટડીમાં રહેલા ચિદમ્બરમે રાહતની આશાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જોકે સર્વોચ્ચ અદાલતે આ જામીન અરજીને સોમવારે નિરર્થક ગણાવીને ફગાવી દેતાં તેમની આશા ઠગારી નીવડી છે. બીજી તરફ, આ જ દિવસે સીબીઆઇએ તેમને ફરી એક વખત સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરીને વધુ ચાર દિવસની કસ્ટડી માગી હતી. કોર્ટે આ માગણી મંજૂર રાખતા હવે કોંગ્રેસના આ વરિષ્ઠ નેતા અને કાનૂનવિદને ૩૦ ઓગસ્ટ સુધી ઉલટતપાસનો સામનો કરવો પડશે.
ચિદમ્બરમની ધરપકડે દેશમાં રાજકીય હલચલ મચાવી દીધી છે. બહુચર્ચિત આઇએનએક્સ મીડિયા કેસની તપાસ કરી રહેલી ગુપ્તચર સંસ્થા સીબીઆઇએ ૨૧ ઓગસ્ટે મધરાતે હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ ચિદમ્બરમના નિવાસસ્થાનમાં પ્રવેશી તેમની અટકાયત કરી હતી. તે સમયથી તેઓ સીબીઆઇ કસ્ટડીમાં છે. કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી જેવા કોંગ્રેસના ટોચના કાનૂનવિદ્ નેતાઓની ફોજ પણ ચિદમ્બરમને કાનૂની મોરચે રાહત અપાવી શકી નથી તે નોંધનીય છે.
ચિદમ્બરમ્ સામે આરોપ છે કે નાણાં પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે આર્થિક ગેરરીતિ આચરી હતી. તેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને આઇએનએક્સ મીડિયા ગ્રૂપને ૩૦૫ કરોડ રૂપિયાનું વિદેશી ભંડોળ એકત્ર કરવા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)ની જરૂરી મંજૂરી આપી હતી. આ મંજૂરીના બદલામાં તેના પુત્રે ૧૦ લાખ ડોલર મેળવ્યા હતા.
૨૭ કલાકની સંતાકૂકડી
આઇએનએક્સ મીડિયા કેસમાં પોતાની ધરપકડ થઇ શકે છે તેવી આશંકાના પગલે ચિદમ્બરમે દિલ્હી હાઇ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. હાઇ કોર્ટે ગયા મંગળવારે - ૨૦ ઓગસ્ટે આ અરજી ફગાવી દેતાં ચિદમ્બરમ્ બીજા દિવસે ૨૧ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને આગોતરા જામીન અરજી કરી હતી. જોકે અહીં પણ તેમને રાહત મળી નહોતી. કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી સહિત ૧૧ ટોચના વકીલોની ફોજ પણ ધરપકડ સામે સ્ટે મેળવવામાં નિષ્ફળ રહી હતી. આ પછી ચિદમ્બરમ્ ફરાર થયા હતા.
લગભગ ૨૭ કલાક બાદ તેઓ કોંગ્રેસ મુખ્યાલયમાં મીડિયા સામે હાજર થયા હતા. તેમણે પત્રકાર પરિષદ યોજીને નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. અહીંથી તેઓ નિવાસસ્થાને પહોંચ્યા કે તરત સીબીઆઇની ટીમ ત્રાટકી હતી.
તો હું આઝાદી પસંદ કરીશ: ચિદમ્બરમ્
પ્રેસ કોન્ફરન્સમાં ચિદમ્બરમ સાથે કોંગ્રેસના સિનિયર નેતાઓ ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, સલમાન ખુરશીદ, અહેમદ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ચિદમ્બરમે કહ્યું હતું કે લોકતંત્રની બુનિયાદ આઝાદી છે. જો મને કોઈ જિંદગી અને આઝાદી વચ્ચે કંઈ એક પસંદ કરવાનું કહે તો હું આઝાદી પસંદ કરીશ. મારા ઉપર કોઈ આરોપ નથી. વીતેલા ૨૪ કલાકમાં મારા વિશે અનેક ભ્રમ ફેલાવવામાં આવ્યા. મને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો પણ હું આખી રાત વકીલો સાથે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાના દસ્તાવેજો તૈયાર કરી રહ્યો હતો.
કાર્તિને મદદ માટે ચિદમ્બરમે કહ્યુંઃ ઇન્દ્રાણી
ચિદમ્બરમ પિતા-પુત્ર સામેનો ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસનો આધાર ઈન્દ્રાણી મુખરજીની જુબાની પર છે. પુત્રીની હત્યા કરવાના કેસમાં જેલમાં રહેલી ઈન્દ્રાણીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ નેતાએ તેને તેની (ઈન્દ્રાણીની) કંપની આઈએનએક્સ મીડિયામાં વિદેશી મૂડીરોકાણની મંજૂરીના બદલામાં પુત્ર કાર્તિને વેપારમાં મદદ કરવાનું કહ્યું હતું.
ઇન્દ્રાણીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને ૨૦૧૭માં આપેલી જુબાનીમાં દાવો કર્યો હતો કે તે ૨૦૦૮માં નવી દિલ્હીમાં એક ફાઈવ સ્ટાર હોટેલમાં કાર્તિને મળી હતી અને તેમણે તેના કે તેના સહયોગીના વિદેશી બેન્ક એકાઉન્ટમાં ૧૦ લાખ ડોલર જમા કરાવી દેવા કહ્યું હતું. ચિદમ્બરમ્ પિતા-પુત્ર આ દાવો નકારે છે. ઉલ્લેખનીય છે કે ઈન્દ્રાણીના નિવેદનને પગલે ચિદમ્બરમ્ સામે કેસ નોંધાયો છે. ઇન્દ્રાણી અને તેના પતિ પીટર મુખરજી પર પુત્રી શીના બોરાની હત્યા કરી પુરાવા મિટાવવાનો આરોપ છે.
કાર્તિની સ્પેનમાં ટેનિસ ક્લબ, ઈંગ્લેન્ડમાં કોટેજ
લાંચના નાણાંમાંથી કાર્તિએ સ્પેનના બાર્સેલોનામાં જમીન અને ટેનિસ ક્લબ તેમ જ ઇંગ્લેન્ડમાં કોટેજ ખરીદયું હોવાનો આરોપ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ લગાવ્યો છે. ઇડી આ વિશે ચિદમ્બરમને પૂછપરછ કરી શકે છે. આ ખરીદીના નાણાં ક્યાંથી આવ્યા અને ભારત સહિત દુનિયામાં કરોડોની સંપત્તિ કેવી રીતે ખરીદી? પ્રશ્નો કેન્દ્રસ્થાને છે.
ઈડીએ ઓક્ટોબર ૨૦૧૮માં આપેલા રિપોર્ટ અનુસાર આઇએનએક્સ મીડિયા કેસમાં મળેલા નાણાં તેણે આ સંપત્તિ ખરીદવામાં વાપર્યા હતા. આ મની લોન્ડરિંગ કેસમાં ચિદમ્બરમ્ પુત્ર કાર્તિ સાથે સહઆરોપી છે.
એટેચ સંપત્તિમાં કાર્તિનો જોરબાગ સ્થિત બંગલો સામેલ છે. એમાં હાલ ચિદમ્બરમ પરિવાર રહે છે. બંગલાની કિંમત ૧૬ કરોડ રૂપિયા છે. બાર્સેલોનામાં જમીન અને એક ટેનિસ ક્લબ એટેચ કરાઇ છે. જેની કિંમત ૧૫ કરોડ રૂપિયા છે. ઈડીએ કાર્તિની ૯.૨૩ કરોડ રૂપિયાની બેન્કની ફિક્સ ડિપોઝિટ પણ એટેચ કરી છે.