બેંગકોકઃ એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (‘આસિયાન’)ની ૧૬મી વાર્ષિક સમિટમાં ભારત પ્રભાવશાળી દેશ તરીકે ઉભર્યું છે. બેંગકોકના યજમાનપદે યોજાયેલા ‘આસિયાન’ સંમેલનમાં ભારતની ઇન્ડો-પેસિફિક પ્રાંતમાં જે ભૂમિકા ઉભરી રહી છે તેને સંગઠનના દેશોએ બિરદાવીને તેને સમર્થન આપ્યું હતું. ૧૦ દેશોના આ સંગઠનમાં ભારતને ઘણું મહત્વ આપવામાં આવ્યું હતું. ‘આસિયાન’ દેશોમાં બ્રુનેઇ, કંબોડિયા, ઇંડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાંમાર, ફિલીપિન્સ, સિંગાપુર, થાઇલેંડ, વિયેતનામનો સમાવેશ થાય છે. આ દેશોના સમૂહને ભારત હંમેશા મદદ કરતું આવ્યું છે. આમાંના મોટા ભાગના દેશો ચીનની સામે લડી રહ્યા છે.
‘આસિયાન’ના ઉચ્ચ અધકારીઓએ જણાવ્યું હતું કે આ ૧૬મી સમિટમાં સૌથી વધુ મહત્વપૂર્ણ જો કોઇ મુદ્દો રહ્યો હોય તો તે ભારતનું ‘આસિયાન’ દેશોમાં વધી રહેલું પ્રભુત્વ છે. આ સંગઠનમાં જે દેશો સામેલ છે તેમાં ચીનની આસપાસ આવેલા દેશોનો પણ સમાવેશ થાય છે, જેને પગલે ચીને પણ ભારતના વખાણ કર્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘આસિયાન’ સમિટને સંબોધતાં સરહદ પારના આતંકવાદ મુદ્દાનો પણ ઉલ્લેખ કરીને પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. આ ઉપરાંત દક્ષિણ ચીન સમુદ્રમાં જે વિવાદ ચાલી રહ્યો છે તે મુદ્દે પોતાની વાત રજુ કરી હતી. આ અંગે જાણકારી આપતા વિદેશી બાબતોના મંત્રાલયના પૂર્વના સચિવ વિજયસિંહ ઠાકુરે કહ્યું હતું કે ‘આસિયાન’ સંગઠનના બધા જ દેશોએ ભારતનું ‘આસિયાન’ દેશોમાં જે ભૂમિકા અને પ્રભુત્વ વધી રહ્યું છે તેનું સમર્થન કરીને પ્રશંસા કરી હતી.
મોદીએ જણાવ્યું હતું કે ‘આસિયાન’ દેશો સાથે પોતાના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ભારત કટિબદ્ધ છે. નોંધનીય છે કે ભારત અને ‘આસિયાન’ સંગઠનના બધા જ દેશો વિશ્વની કુલ વસતીનો ચોથો ભાગ ધરાવે છે. જ્યારે આ દેશોની જીડીપી પાંચ ટ્રિલિયન ડોલર છે.
ઠાકુરે આ સમિટમાં ચર્ચાયેલા મહત્વના મુદ્દાઓ અંગે વાત કરતા જણાવ્યું હતું કે આ સમિટમાં દક્ષિણ ચીન સમુદ્રનો જે વિવાદ ચાલી રહ્યો છે તે અંગે પણ ચર્ચા થઇ હતી અને નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. બન્ને પક્ષો દ્વારા આ મુદ્દાને મહત્વપૂર્ણ માનવામાં આવ્યો હતો.
‘ભારત પીપલફ્રેન્ડલી ટેક્સ લાગુ કરનારો દેશ’
‘આસિયાન’ સમિટમાં ભાગ લેવા બેંગકોક પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ મુદ્દાઓ પર પોતાની વાત રજુ કરી હતી, જેમાં તેમણે વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ સંબંધી જે નિર્ણયો લેવાયા તેના વખાણ કર્યા હતા. મોદીએ ટોચના બિઝનેસમેનના એક ગ્રુપ સાથે વાતચીત કરતી વેળાએ ભારતની ટેક્સ વ્યવસ્થાના વખાણ કર્યા હતા.
મોદીએ આ સાથે દાવો કર્યો હતો કે હાલ ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પીપલ ફ્રેન્ડ્લી ટેક્સ પ્રાંત છે. સાથે જ વર્તમાન સરકાર ટેક્સની ભરપાઇની સિસ્ટમને વધુ સકારાત્મક અને સરળ બનાવવાના પ્રયાસો કરી રહી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.
મોદીએ જીએસટીના પણ વખાણ કર્યા
જીએસટીને લઇને દેશમાં વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મોદીએ જણાવ્યું હતું કે અમે છેલ્લા પાંચ વર્ષમાં આમ નાગરિકો પર જે ટેક્સનો બોજ હતો તેને હળવો કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે અમે હવે ટુંક સમયમાં જ ફેસલેસ ટેક્સ એસેસમેન્ટ લાગુ કરવા જઇ રહ્યા છીએ કે જેનાથી કોઇ પણ વ્યક્તિને પરેશાની કે હેરાનગતિનો સામનો ન કરવો પડે.
આ દરમિયાન વડા પ્રધાન મોદીએ એમ પણ જણાવ્યું હતું કે ડાયરેક્ટ બેનિફિટ ઓફ ટ્રાન્સફર (ડીબીટી)એ મધ્યમ વર્ગ અને અકુશળતાની સંસ્કૃતિનો અંત લાવી દીધો છે.