ગુવાહાટીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાતે ચીનના પેટમાં તેલ રેડાયું છે. પાડોશી દેશ ચીને ભારતીય વડા પ્રધાનના આ પ્રવાસનો ભારપૂર્વક વિરોધ કરતાં કહ્યું હતું કે તે ક્યારેય આ સંવેદનશીલ સીમાંત પ્રદેશને માન્યતા આપશે નહીં અને સરહદનો પ્રશ્ન ગૂંચવાય તેવી કોઇ પણ કાર્યવાહી ભારતીય નેતાગીરીએ ટાળવી જોઇએ. આમ એક તરફ ચીને તેની ખંધાઇ છતી કરી છે તો બીજી તરફ ભારતે પણ તેનો આક્રમક પ્રતિસાદ આપ્યો છે. ભારતે ચીનના નિવેદનના જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે.
પાંચ વર્ષમાં આ ત્રીજી વખત ચીને મોદીની અરુણાચલ મુલાકાતનો વિરોધ કર્યો છે. મોદી ફેબ્રુઆરી ૨૦૧૫માં વડા પ્રધાન બન્યા બાદ પહેલી વાર અરુણાચલ પહોંચ્યા હતા. બીજી વાર ફેબ્રુઆરી ૨૦૧૮માં ગયા હતા ત્યારે પણ ચીને સખત વાંધો ઉઠાવ્યો હતો. ચીન કાયમ ભારતના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, પ્રધાનો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની અરુણાચલ મુલાકાતનો વિરોધ કરતું રહ્યું છે.
વડા પ્રધાન મોદી શનિવાર - નવ ફેબ્રુઆરીએ નોર્થ-ઇસ્ટની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે અરુણાચલ પ્રદેશ, આસામ અને ત્રિપુરામાં ઘણા પ્રોજેક્ટ્સનો શુભારંભ કરવાની સાથે શિલારોપણ પણ કર્યું હતું. સાથે જ ત્રણ રાજ્યમાં રેલી પણ યોજી હતી. તેઓ એવા સમયે નોર્થ-ઇસ્ટની મુલાકાતે પહોંચ્યા હતા જ્યારે ત્યાં નાગરિકતા સુધારા ખરડા વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે.
અરુણાચલને માન્યતા નહીંઃ ચીન
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રવાસ અંગે કહ્યું કે ચીને ક્યારેય પણ કથિત અરુણાચલને માન્યતા આપી નથી. અમે ભારતીય નેતાના ચીન-ભારત સરહદના પૂર્વ ભાગના પ્રવાસનો વિરોધ કરીએ છીએ. ચીન ભારતને વિનંતી કરે છે કે તે બન્નેનાં હિતોને ધ્યાનમાં રાખે અને અમારી ચિંતાનો આદર કરે. સાથે સાથે જ દ્વિપક્ષી સંબંધોમાં સુધારાની ગતિ જાળવી રાખે. ભારતે એવા કોઈ પણ પગલાંથી બચવું જોઈએ કે જેનાથી વિવાદ વધે કે સરહદ વિવાદ જટિલ બની જાય.
અરુણાચલ અભિન્ન હિસ્સોઃ ભારત
ભારતીય વિદેશ મંત્રાલયે ચીનના વાંધા ફગાવતાં કહ્યું કે અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતનો અભિન્ન હિસ્સો છે. ભારતીય નેતા સમયાંતરે રાજ્યનો એ રીતે જ પ્રવાસ કરતા આવ્યા છે કે જે રીતે ભારતના અન્ય કોઈ ભાગનો પ્રવાસ કરે છે. ભારતના આ વલણથી ચીનને ઘણી વાર માહિતગાર પણ કરાયું છે. ઉલ્લેખનીય થે કે ચીન અરુણાચલને દક્ષિણ તિબેટનો હિસ્સો ગણાવે છે. સરહદ વિવાદ ઉકેલવા ભારત-ચીન વચ્ચે અત્યાર સુધીમાં ૨૧ રાઉન્ડ મંત્રણા થઈ ચૂકી છે.