ચીનમાં વિમાન દુર્ઘટનાઃ તમામ 132 પ્રવાસીનાં મોત

Tuesday 22nd March 2022 17:51 EDT
 
 

બૈજિંગ: ચીનના કુનમિંગ શહેરથી ગુઆનઝોઉ જવા નીકળેલું બોઈંગ-737 પેસેન્જર વિમાન ટેન્શિયાન કાઉન્ટીની પહાડીઓમાં તૂટી પડતાં 123 મુસાફરો અને 9 ક્રુ મેમ્બર્સ સહિત તમામ 132 પ્રવાસીના મોત થયા છે. ચીનના પ્રમુખ જિનપિંગે ઘટનાના કારણ માટે તપાસ પંચની રચના કરી છે.

ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું વિમાન બોઈંગ-737 દક્ષિણ ચીનના કુનમિંગ શહેરથી ગુઆનઝોઉ જવા માટે નીકળ્યું હતું. એ દરમિયાન વચ્ચે વિમાનમાં કંઈક ખામી સર્જાઈ હોવાની શક્યતા છે. તેના કારણે વિમાન 29,100 ફૂટની ઊંચાઈએથી ટેન્શિયાન કાઉન્ટીમાં આવેલી પહાડીઓ વચ્ચે તૂટી પડયું હતું.
માત્ર અઢી મિનિટમાં નીચે પડ્યું
29,100 ફૂટની ઊંચાઈએથી સામાન્ય રીતે વિમાનને નીચે આવતા 30 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. તેના બદલે આ વિમાન માત્ર અઢી મિનિટમાં નીચે ખાબક્યું હતું. એનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એ વીડિયો પરથી જણાય છે કે વિમાન તૂટીને તીવ્ર ગતિએ નીચેની તરફ ખાબક્યું હતું.
ચીનની સરકારે 650 ફાયર ફાઈટર્સને પહાડીઓની બંને તરફથી પ્લેનક્રેશની સંભવિત સાઈટ તરફ રવાના કર્યા હતા. જોકે, વિમાન ખૂબ જ દૂર્ગમ પહાડીઓની વચ્ચે તૂટી પડયું હોવાથી તુરંત ત્યાં સુધી પહોંચવાનું ખૂબ જ મુશ્કેલ હોવાનું સ્ટેટ ઈમરજન્સી વિભાગે કહ્યું હતું. આ ફાયર ફાઈટર્સની સાથે ૨૩ વાહનોને પહાડીઓ તરફ મોકલાયા હતા. વિમાન જે પહાડીઓમાં તૂટી પડયું ત્યાં આગ ફાટી નીકળી હતી.
કેટલા લોકોનાં મોત થયા છે તે બાબતે ચીનની સરકારે તો સત્તાવાર રીતે કોઈ જ આંકડો જાહેર કર્યો ન હતો, પરંતુ વિમાન જે ગતિએ તૂટી પડયું અને એમાં આગ ફાટી નીકળી હતી તેને જોઈને નિષ્ણાતોએ તમામ કમભાગી મુસાફરોના મોત થયાની આશંકા વ્યક્ત કરી હતી.
ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ ચીનની ટોચની ત્રણ એરલાઈન્સ પૈકીની એક છે. વિમાનમાં તે પહેલાં કોઈ ગરબડી હોવાના રીપોર્ટને એરલાઈન્સના અધિકારીઓએ નકાર્યો હતો. ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું બોઈંગ-૭૩૭ વિમાન છ વર્ષ જૂનું હતું. આ દુર્ઘટના પછી ચીની એરલાઈન્સની વેબસાઈટને બ્લેક એન્ડ વ્હાઈટ કરી દેવામાં આવી હતી.

દસકામાં એક પણ વિમાન દુર્ઘટના નહીં
એવિએશન સેફ્ટી નેટવર્કના કહેવા પ્રમાણે ચીનમાં છેલ્લે ૨૦૧૦માં મોટો વિમાની અકસ્માત નોંધાયો હતો, જેમાં ૪૨ મુસાફરોનાં મોત થયા હતા. એ વિમાનમાં ૯૬ મુસાફરો સવાર હતા. છેલ્લાં એક દશકાથી ચીનમાં એક પણ વિમાનને અકસ્માત નડયો ન હતો. એ પહેલાં ૧૯૯૪માં ગંભીર વિમાની અકસ્માત થયો હતો, જેમાં ૧૬૦ મુસાફરોનાં મોત થયા હતા. એ સિવાય ચીનનો એવિએશન રેકોર્ડ ઉજળો ગણાય છે.

ભારતમાં અગમચેતીના પગલાં
ચીનમાં બોઈંગ-737 વિમાન રહસ્યમય સંજોગોમાં તૂટી પડયું તે પછી ભારતના સિવિલ એવિએશનના ડિરેક્ટર જનરલે આ પ્રકારના વિમાનોને સર્વેલન્સમાં રાખવાનો આદેશ આપ્યો છે. ભારતમાં બોઈંગ-737 પ્રકારના વિમાનો ત્રણ એરલાઈન્સ પાસે છે. સ્પાઈસજેટ, વિસ્તારા એરલાઈન્સ અને એર ઈન્ડિયા એક્સપ્રેસમાં બોઈંગ-737 વિમાનો કાર્યરત છે.
ચીનમાં થયેલી દૂર્ઘટના પછી સિવિલ એવિએશનના ડિરેક્ટર જનરલ અરૂણ કુમારને ભારતીય એરલાઈન્સમાં વપરાતા આ પ્રકારના વિમાનોની સુરક્ષા બાબતે પૂછવામાં આવ્યું હતું. અરૂણ કુમારે કહ્યું હતું કે ફ્લાઈટ સેફ્ટી ખૂબ જ મહત્વની છે. એમાં કોઈ જ બાંધછોડ થશે નહીં. બધા જ બોઈંગ-737 વિમાનોનું નિરીક્ષણ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter