નવી દિલ્હીઃ ચીન સરકાર અને સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી સાથે ઘનિષ્ઠ નાતો ધરાવતી કંપની ઝેનહુઆ ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા ભારત સહિત સમગ્ર જગતમાં જાસૂસીની જાળ ફેલાવાઇ છે. આ કંપની ભારતમાં ૧૦ હજારથી વધુ જ્યારે દુનિયાભરમાં તો ૨૪ લાખ નાગરિકોની માહિતી ટ્રેક કરી રહી છે અને તેમના પર નજર રાખીને બેઠી છે.
કંપનીએ ઓવરસીઝ કી ઇન્ફર્મેશન ડેટાબેઝ (ઓકેઆઇડી) પ્રોજેક્ટ અંતર્ગત ભાજપ, કોંગ્રેસ, ડાબેરી સહિત તમામ પ્રાદેશિક પક્ષોના રાજનેતાઓથી માંડીને વિવિધ ક્ષેત્રના ઓછામાં ઓછા ૧૩૫૦ વગદાર મહાનુભાવોની જાણકારી એકત્ર કરી છે. કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બે વર્ષમાં આ ડેટા તૈયાર કર્યો છે.
કોઈ વ્યક્તિ શું કરે છે, કોને પસંદ કરે છે, કેવી વિચારધારા છે, પરિવારમાં કોણ છે, સગાં-વ્હાલા નજીકના મિત્રો કોણ છે, કોની કોના પર અસર છે... વગેરે વિગતો દ્વારા દરેક વ્યક્તિનો પ્રોફાઈલ તૈયાર કરાયો છે. તેના આધારે કોઈ એક વ્યક્તિ પર અસર પેદા કરવી હોય તો શું કરવું પડે એ જાણી શકાય. નિષ્ણાતો આને હાઇબ્રિડ વોરફેર ગણાવે છે.
ભારતીય દૈનિક ધ ઈન્ડિયન એક્સપ્રેસ અને બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને એક અહેવાલમાં આ વાતનો પર્દાફાશ કર્યો છે. જે અનુસાર, વડા પ્રધાનથી માંડીને મેયર સુધીના મહત્ત્વના નાગરિકોની પ્રોફાઈલ પર ચીન વોચ રાખીને બેઠું છે. આ કંપની દ્વારા ચીન માટે જે જરૂરી લાગે એ તમામ વ્યક્તિના ઓનલાઈન પ્રોફાઈલ પર સતત નજર રખાય છે.
ઓકેઆઇડી પ્રોજેક્ટ
આ સમગ્ર પ્રોજેક્ટને ઓવરસીઝ કી ઈન્ફોર્મેશન ડેટાબેઝ (ઓકેઆઈડી) નામ આપવામાં આવ્યું છે. ભારત બહાર પણ ચીને જાસૂસીની જાળ વ્યાપકપણે ફેલાવી છે. કુલ મળીને ૨૪ લાખ નાગરિકો ચીનના રેડારમાં છે. રિપોર્ટ પ્રમાણે અમેરિકાના ૫૨ હજાર, ઓસ્ટ્રેલિયાના ૩૫ હજાર અને બ્રિટનના દસ હજારથી વધારે નાગરિકોનો આ રીતે ડેટા એકઠો કરાયો છે. આ નાગરિકોમાં દેશના મહત્ત્વપૂર્ણ રાજકારણીઓનો સમાવેશ થાય છે. ચીને કેટલાક કિસ્સામાં તો બેન્ક એકાઉન્ટ જેવી ગુપ્ત વિગતો પણ મેળવી લીધી છે. આ કંપનીએ પણ સ્વિકાર કર્યો છે કે તે વિવિધ લોકોની માહિતી એકત્ર કરે છે.
પરંતુ કંપનીના એક અધિકારીએ કહ્યું હતું કે અમે તો માત્ર એટલી જ વિગતો એકઠી કરીએ છીએ, જે પબ્લિક ડોમેઈન (જાહેરમાં, સોશિયલ મીડિયા પર, વેબસાઈટ) પર મુકાઇ છે. અમારી કંપની ખાનગી છે અને સરકાર કે ચીની લશ્કર સાથે અમારે કોઈ લેવાદેવા નથી.
હાઈબ્રીડ વોરફેર એટલે શું?
યુદ્ધ સામ-સામા શસ્ત્રો ફેંકીને જ લડી શકાય એ યુગ પુરો થયો. હવેનો જમાનો ટેકનોલોજીકલ અને હાઈબ્રીડ વોરફેરનો છે. કોઈ વ્યક્તિની બધી માહિતી મેળવી તેનું બ્રેઇન વોશિંગ કરવું એ હાઈબ્રીડ વોરફેરનો એક પ્રકાર છે. તમે સતત કોઈ વ્યક્તિને જાણતા હો તો પછી તેના આધારે તેને ગમતી-અણગમતી વાત કરી શકો. તેના ગમા-અણગમા જાણી શકો. આ માહિતીના આધારે કોઈ વ્યક્તિની વિચારધારા પણ બદલી શકાય છે. એ મનોવૈજ્ઞાનિક પરિવર્તનની પ્રક્રિયા હાઈબ્રીડ વોરફેર તરીકે ઓળખાય છે. આ કંપનીનો માલિક વાંગ શૂઇફેંગ અગાઉ આઈબીએમમાં હતો. હવે પોતાની કંપની ચલાવે છે. તેનો દાવો છે કે એ હાઈબ્રીડ વોરફેરનો એક્સપર્ટ છે. રાજકીય પક્ષો મતદારોને પોતાની તરેફણમાં લાવવા આ પ્રકારની ગેમ રમતાં જ હોય છે.
મહાનુભાવોનો વિશાળ ડેટાબેઝ
કંપનીના ડેટાબેઝમાં ઓછામાં ઓછા ૭૦૦ રાજકારણીઓનો સીધો ઉલ્લેખ છે જ્યારે ૪૬૦ લોકો રાજનેતાઓનાં નજીકના સંબંધીઓ છે. કંપનીની પાસે ૧૦૦થી વધુ રાજનેતાઓના પરિવારજનોની યાદી છે જેના દ્વારા કંપની ફેમિલી ટ્રી તૈયાર કરવા પ્રયત્નશીલ છે. કંપનીના ડેટાબેઝમાં ઓછામાં ઓછા ૩૫૦ જેટલા ચાલુ અને પૂર્વ સાંસદોનાં નામ છે જેમાંના કેટલાંક મહત્ત્વની સંસદીય સમિતિઓના સભ્ય છે.
આ ઉપરાંત કંપનીના ડેટાબેઝમાં ઓછામાં ઓછા ૪૦ પૂર્વ અને વર્તમાન મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને તેમના પરિવારજનોના નામ સામેલ છે. તો યાદીમાં એક ડઝન જેટલા વર્તમાન અને પૂર્વ રાજ્યપાલોનો સમાવેશ થાય છે.
ઓકેઆઇડી૭૦ મેયર અને ડેપ્યુટી મેયરને ટ્રેક કરે છે. ભાજપ અને કોંગ્રેસના ઓછામાં ઓછા ૪૦૦ નેતાઓને ટ્રેક કરવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત સીપીઆઇ, સીપીએમ, ફોરવર્ડ બ્લોક સહિતની ડાબેરી પાર્ટીઓના ૬૦ ધારાસભ્યો અને સાંસદો પર આ ડેટાબેઝ નજર રાખી રહ્યો છે.
મજબૂત સાયબર સુરક્ષા જરૂરીઃ કોંગ્રેસ
આ અહેવાલ પછી કોંગ્રેસે સરકારને કહ્યું હતું કે વહેલી તકે દેશની સાયબર સુરક્ષા મજબૂત કરવામાં આવે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને ચીનની આ જાસૂસી દેશ માટે ચિંતાજનક હોવાનું કહ્યું હતું. સાથે સાથે તેમણે કહ્યું હતુ કે સરકાર આ મુદ્દે કંઈ કાર્યવાહી કરશે ખરી? તો વળી કોંગ્રેસના અન્ય નેતાઓએ આ તો સરકારની જ નિષ્ફળતા છે એવો બળાપો કર્યો હતો.
ચીની કંપનીની કામગીરી
• રાજનીતિ, સરકાર, બિઝનેસ-ટેક્નોલોજી, મીડિયા અને સિવિલ સોસાયટીના મહત્ત્વના લોકોને ટાર્ગેટ કરે છે • ચીની ગુપ્તચર વિભાગ, મિલિટરી અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કામ કરે છે • સોશિયલ મીડિયા ન્યૂઝ સોર્સ, ફોરમ, પેપર, પેટન્ટ સહિતની તમામ માહિતી એકઠી કરે છે • વ્યક્તિના સોશિયલ એકાઉન્ટ પર ૨૪ કલાક નજર રાખે છે અને ટાર્ગેટના મિત્રો, પરિવારજનો, સંબંધો, પોસ્ટ, લાઇક, કોમેન્ટ ટ્રેક કરે છે • ટાર્ગેટની મૂવમેન્ટ અંગેની માહિતી અને જિયોગ્રાફિક લોકેશન એકઠાં કરે છે • સામાન્ય રીતે ઘરેલુ સુરક્ષા એજન્સીઓ આ પ્રકારની માહિતી એકઠી કરતી હોય છે.
ઓકેઆઇડી પ્રોજેક્ટનો ટાર્ગેટ કોણ બન્યું?
• રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનઃ સ્વ. પ્રણવ મુખરજી, સ્વ. એપીજે અબ્દુલ કલામ, સ્વ. રાજીવ ગાંધી, સ્વ. નરસિંહા રાવ, સ્વ. અટલ બિહારી વાજપેયી, એચ. ડી. દેવગોવડા, મનમોહન સિંહ
• રાજકીય પરિવારોઃ સોનિયા ગાંધી પરિવાર, શરદ પવાર પરિવાર, સિંધિયા પરિવાર, મુકુલ સંગમા પરિવાર, બાદલ પરિવાર
• પૂર્વ અને વર્તમાન મુખ્ય પ્રધાનઃ કમલ નાથ, ભૂપિન્દરસિંહ હુડા, અશોક ચવાણ, સિદ્ધારમૈયા, શંકરસિંહ વાઘેલા, બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, કે કે રેડ્ડી, રમણસિંહ, સ્વ. મનોહર પાર્રિકર, લાલુ યાદવ, મુલાયમ યાદવ, સ્વ. એન જે રેડ્ડી, સ્વ. એસ આર બોમ્માઇ, સ્વ. એમ કરુણાનિધિ, સ્વ. જ્યોતિ બસુ સહિત ૪૦ જેટલા ભૂતપૂર્વ અને વર્તમાન મુખ્ય પ્રધાનો
• વગદાર મહાનુભાવોઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત, સૈન્યની ત્રણેય પાંખના વડા અને પૂર્વ વડાઓ, ટોચના વિજ્ઞાનીઓ, ૩૫૦થી વધારે વર્તમાન અને પૂર્વ સાંસદો, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) જી. સી. મુર્મુ, ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે, ઉદ્યોગપતિઓ રતન તાતા અને ગૌતમ અદાણી, ૭૦થી વધારે શહેરના મેયર
• કલાકારોઃ હેમા માલિની, અનુપમ ખેર, મૂન મૂન સેન, પરેશ રાવલ, સ્વ. વિનોદ ખન્ના
મહાનુભાવોની કઇ વિગતો એકત્ર કરી?
• નામ, જન્મતારીખ, સરનામું • પરિણિત કે અપરણિત • રાજકીય પક્ષ સાથે જોડાણ • સગાં-વ્હાલા-મિત્રો કોણ છે • તમામ સોશિયલ મીડિયા આઈડી • જે-તે વ્યક્તિ સબંધિત સમાચાર • ક્રિમિનલ રેકોર્ડ (જો હોય તો)