નવી દિલ્હીઃ ભારત - ચીન વચ્ચે લદ્દાખ સરહદે સર્જાયેલો તણાવ પખવાડિયા પછી પણ જૈસે થે છે. એક તરફ ચીનના નેતાઓ એવા નિવેદનો કરી રહ્યા છે કે સરહદી તણાવ મામલે ભારત સાથે વાટાઘાટ ચાલી રહી છે અને બીજી તરફ તે સરહદી ક્ષેત્રમાં લશ્કરી શસ્ત્ર-સરંજામનો જમાવડો કરી રહ્યું છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-ચીન વચ્ચેનો તણાવ ઘટાડવા માટે કરેલી મધ્યસ્થીની ઓફરને બન્ને દેશોએ નકારી દીધી છે.
એક અહેવાલ અનુસાર, ચીને સરહદી ક્ષેત્રથી ૧૦૦-૧૫૦ કિ.મી.ના અંતરે ઉભા કરેલા બેઝમાં ૧૦-૧૨ ફાઈટર એરક્રાફ્ટ સજ્જ કર્યા છે. ભારતીય સેના આ ફાઇટર એરક્રાફ્ટ (જે-૧૧ અને જે-૭)ની મુવમેન્ટ પર બાજનજર રાખી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૦-૧૨ એરક્રાફ્ટ ભારતીય સરહદની નજીક ઉડ્ડયન કરતા પણ જોવા મળ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ માહિતી મળ્યા પછી ભારતે પણ સૈન્ય પહેરો વધારી દીધો છે.
બીજી તરફ ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે અમે આ સ્થિતિને હળવાશથી લઈશું નહીં. ડિપ્લોમેટિક અને મિલિટરી સ્તરે આ ગુંચવણ ઉકેલવા પ્રયાસ થઈ રહ્યા છે. વડા પ્રધાન સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, આ વખતે કોઈ પણ પ્રકારે સમજૂતી કરાશે નહીં. ઉલ્લેખનીય છે કે ચીની એરક્રાફ્ટ લદ્દાખ વિસ્તારમાં સરહદથી ૩૦-૪૫ કિ.મી.ની નજીક ઉડ્ડયન ભરતાં જોવાં મળ્યા છે. આમ તો આંતરરાષ્ટ્રીય નિયમ છે કે, સરહદથી ૧૦ કિ.મી.ની અંદર કોઈ અન્ય દેશનું વિમાન ન આવી શકે, આમ છતાં ચીનના ફાઇટર જેટ સરહદના નિશ્ચિત અંતરથી થોડેક દૂર જ ઉડાઉડ કરતા જોવાયા હતા.
સેનાના કેટલાક સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય અને ચીની સેના પોતાના બેઝ પર શસ્ત્રસરંજામ અને ટેન્કનો જમાવડો કરી રહ્યાં છે. બંને દેશોની સેનાઓ પોતાની યુદ્ધક્ષમતા એ સમયે વધારી રહી છે જ્યારે બંને દેશો વચ્ચે મિલિટરી અને ડિપ્લોમસી લેવલે વિવાદ નિવારવાની કોશિશ કરાઈ રહી છે. ચીની સેના આર્ટિલરી તેમજ કોમ્બેટ વ્હીકલ પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એકચ્યૂઅલ કંટ્રલ પાસે લાવી રહી છે. તો ભારતીય સૈન્ય પણ જમાવડામાં વધારો કરી રહ્યું છે.
ભારત જરા પણ નમતું જોખવાના મૂડમાં નથી
લદાખ સરહદે ચીન સાથે ઉત્તરોતર તણાવ વધારી રહ્યું છે તો ભારત પણ ચીનની મેલી મુરાદ સામે પૂરા જોશથી લડી લેવાનાં મૂડમાં છે. ચીનને તેની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપવા ભારતે પણ લાઇન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ (એલએસી) ખાતે સૈનિકોની વધુ કુમક મોકલીને સેનાની જમાવટ કરી છે. ભારતે અત્યાર સુધી ત્યાં રિઝર્વ સૈનિકોને જ ગોઠવ્યા હતા પણ હવે કાશ્મીરમાંથી આર્મીનાં જવાનો તેમજ આઇટીબીપીના સૈનિકોનો જમાવડો કરવામાં આવી રહ્યો છે.
ચીને જેટલી સેના ખડકી છે તેટલી જ સેના ખડકીને ભારત હવે આરપારની લડાઈ લડવાનાં મૂડમાં હોય તેવું સૈનિકોની તહેનાતી દર્શાવે છે. બંને દેશના લશ્કરી અધિકારીઓ દ્વારા તેમજ રાજદ્વારીઓ દ્વારા વિવાદ ઉકેલવા મંત્રણાઓનો દોર ચાલી રહ્યો છે જેનું હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.
ભારત દ્વારા સરહદે રસ્તા બનાવાઈ રહ્યા છે જેનો ચીને ઉગ્ર વિરોધ કર્યો છે. આ પછી પાંચમી મેનાં રોજ લદાખનાં પેંગોંગ સરોવર ખાતે ફિંગર વિસ્તારમાં બંને દેશનાં સૈનિકો વચ્ચે ઝપાઝપી થયાના અહેવાલ હતા. આ પછી નવમી મેનાં રોજ સિક્કિમ નજીકના સરહદી ક્ષેત્રમાં પણ આવી જ ઝપાઝપી થઈ હતી.
ચીન સરહદે સેનાની જમાવટ
સૂત્રોનાં જણાવ્યા મુજબ ચીને લદાખ ખાતે એલએસીથી ૨૫થી ૩૦ કિ.મી. દૂર સૈનિકો અને તોપોનો જમાવડો કર્યો છે, જે થોડાક કલાકોમાં જ બોર્ડર સુધી આવીને પોઝીશન લઈ શકે તેમ છે. ભારત ચીનની આ હિલચાલથી સજાગ બન્યું છે અને તેણે પણ બોર્ડર પર વધુ સૈનિકોને તહેનાત કર્યા છે. ચીને તેના ક્લાસ-એ વ્હીકલ્સ બોર્ડર નજીક ગોઠવ્યા છે. ચીન ભારત સાથે મંત્રણાનાં બહાને વધુ સૈન્ય તૈયારીઓ કરી રહ્યું છે. ચીને લદાખ ખાતે ખાતે એલએસી પર એક બ્રિગેડને તહેનાત કરી છે. આ ઉપરાંત ભારે શસ્ત્રસરંજામનો ખડકલો કર્યો છે. ત્યાં કેટલાક પાકા બાંધકામ કર્યા છે. હેવી આર્ટીલરી અને અન્ય સાધનો એકઠા કરાયા છે. મોટા જથ્થામાં દારૂગોળાનો સંગ્રહ કરાયો છે.
ત્રીજા પક્ષની મધ્યસ્થીની જરૂર નથીઃ ભારત
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લદાખનો સરહદી વિવાદ ઉકેલવા માટે ભારત-ચીન વચ્ચે મધ્યસ્થી કરવાની તૈયારી બતાવી હતી. ટ્વીટ કરીને ટ્રમ્પે આ તૈયારી બતાવ્યા પછી ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ત્રીજા પક્ષની મધ્યસ્થીની જરૂર નથી. વિવાદ ઉકેલવા માટે ચીન સાથે વાતચીત ચાલી રહી છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવને ટ્રમ્પની ઓફર મુદ્દે પૂછાયું ત્યારે તેમણે કહ્યું હતું કે સરહદી વિવાદ ઉકેલવા ભારત અને ચીન વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હોવાથી ત્રીજા પક્ષની મધ્યસ્થીની જરૂર નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે શાંતિપૂર્ણ ઉકેલ માટે ચીન સાથે સંવાદ થઈ રહ્યો છે. ભારતીય સૈનિકોએ બોર્ડર મેનેજમેન્ટના નિયમોનું પાલન કર્યું છે. બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય કરારો પ્રમાણે જે સહમતી થઈ હતી તેનું પાલન કરાઇ રહ્યું છે અને ભારતની અખંડીતતા જાળવી રાખવા માટે ચીન સાથે આ વિવાદ ઉકેલવા પ્રયાસો થઈ રહ્યા છે.
તેમને વીડિયો કોન્ફરન્સીંગ દરમિયાન પૂછાયું હતું કે ટ્રમ્પે ભારતને સત્તાવાર રીતે મધ્યસ્થી માટે કહ્યું હતું? શું ભારતે અમેરિકાને લદાખની ઘટના અંગે વિગતવાર જાણકારી આપી હતી? શું ભારતે અમેરિકાને જણાવ્યું છે કે અત્યારે અમેરિકાની મધ્યસ્થીની જરૂર નથી અને ભારત-ચીન આપમેળે સરહદી વિવાદ ઉકેલશે? આ સવાલોના જવાબ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપ્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું હતું કે ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદને ઉકેલવા માટે અમેરિકા મધ્યસ્થી કરવા તૈયાર છે. તે અંગેની જાણકારી બંને દેશોને આપી દેવામાં આવી છે. જોકે, સત્તાવાર જાણકારી મળી કે નહીં તે અંગે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું.
વસતી, ક્ષેત્રફળ અને બિઝનેસમાં ભારત-ચીન વચ્ચે શું તફાવત છે?
લદાખ સરહદે વિવાદ શમવાનું નામ લેતો નથી. સતત તંગદિલી વધી રહી છે ત્યારે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે ભારત અને ચીન વચ્ચે શું તફાવત છે. ખાસ તો વસતી, ક્ષેત્રફળ અને બિઝનેસની બાબતે બંને દેશોમાં કેટલો ફરક છે?
ક્ષેત્રફળની બાબતમાં ભારત અને ચીન વચ્ચે ઘણું અંતર છે. ચીન પાસે ૯૬ લાખ વર્ગ કિલોમીટરની જમીન છે. જ્યારે ભારત પાસે ૩૩ લાખ વર્ગ કિલોમીટરનો વિસ્તાર છે, પરંતુ ભૌગોલિક રીતે ભારત વધુ સમૃદ્ધ છે. ભારતની જમીન વધુ ફળદ્રુપ છે. વસતીની બાબતમાં ભારત અને ચીન વચ્ચે મોટું અંતર નથી. ચીનની વસતી ૧૪૩ કરોડ છે. ભારતની વસતી અંદાજે ૧૩૭ કરોડ છે. આમ ચીનની વસતી છ કરોડ વધુ છે.
ભારતની જીડીપી ૨૨૫૬ બિલિયન ડોલર છે. જ્યારે ચીનની જીડીપી ૧૧,૨૧૮ બિલિયન ડોલર છે. માથાદીઠ જીડીપી ભારતમાં ૬૬૧૬ ડોલર છે, જ્યારે ચીનમાં ૧૫,૩૯૯ ડોલર છે. ભારતમાં સરેરાશ માથાદીઠ વાર્ષિક આવક ૧૭૪૩ ડોલર છે. જ્યારે ચીનમાં ૮૮૦૬ ડોલર છે. ચીનનો વેપાર ૨૦૧૮માં ૫૨ બિલિયન ડોલર હતો. ભારતનો વેપાર ૨૪.૭૦ બિલિયન ડોલર હતો.