નવી દિલ્હી: રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જીત સાથે ભાજપ હવે કુલ 12 રાજ્યોમાં શાસક પક્ષ બની ગયો છે. જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં હારને પગલે કોંગ્રેસ હવે દેશમાં ત્રણ રાજ્યોમાં સમેટાઇ ગઇ છે. ભાજપ હાલ ગુજરાત, ઉત્તરાખંડ, હરિયાણા, ગોવા, આસામ, ત્રિપુરા, મણિપુર, અરુણાચલ, ઉત્તર પ્રદેશમાં સરકાર ચલાવી રહી છે. જ્યારે હાલમાં જીતેલા ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમમાં ભાજપ ગઠબંધનની સરકાર ચલાવે છે. જ્યારે કોંગ્રેસ કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલંગણમાં શાસક પક્ષ છે. જ્યારે બિહાર, ઝારખંડમાં ગઠબંધનવાળી સરકારમાં સામેલ છે.
તામિલનાડુના શાસક પક્ષ ડીએમકેને પણ કોંગ્રેસનું સમર્થન છે, જોકે તે સરકારમાં સામેલ નથી. હાલમાં સૌથી વધુ રાજ્યોમાં શાસક પક્ષ તરીકે ભાજપ પ્રથમ, કોંગ્રેસ બીજા અને આમ આદમી પાર્ટી પંજાબ અને દિલ્હી સાથે ત્રીજા ક્રમે છે. જોકે હાલમાં ઉત્તર ભારતમાં શાસક પક્ષ તરીકે ભાજપ પ્રથમ અને આમ આદમી પાર્ટી બીજા ક્રમે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં ટીએમસી, તેલંગણમાં બીઆરએસ, આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસ, ઓડિશામાં બીજુ જનતા દળ (બીજેડી) અને કેરળમાં લેફ્ટ ગઠબંધનની સરકાર છે.
હાલમાં દેશમાં ભાજપ, કોંગ્રેસ, બસપા, સીપીઆઇ(એમ), નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) અને ‘આપ’ રાષ્ટ્રીય પાર્ટીઓ છે. આગામી વર્ષે સિક્કિમ, અરુણાચલ, ઓડિશા, આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી પણ પેન્ડિંગ છે. અનેક સાંસદો પણ આ વખતની વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેઓની જીતને પગલે લોકસભાના સાંસદનું પદ ખાલી રહેશે.
2014માં સાત રાજ્યમાં ભાજપ સરકાર હતી
મે 2014માં નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન પદની જવાબદારી સંભાળી ત્યારે દેશનાં સાત રાજ્યમાં ભાજપ અને તેમના સહયોગી પક્ષ સરકાર ચલાવતા હતા. તેમાં પાંચ રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રી હતા. જ્યારે આંધ્ર પ્રદેશ અને પંજાબમાં તેમની સહયોગી પાર્ટી સત્તામાં હતી. આ બે રાજ્યોમાં દેશની છ ટકાથી વધારે વસ્તી રહે છે. બાકીના પાંચ રાજ્યોમાં છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, અને રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રી હતા. આ રાજ્યોમાં દેશની 19 ટકા કરતાં વધારે વસ્તી રહે છે.
2018માં ભાજપ ટોચે પહોંચ્યું
માર્ચ 2018માં 21 રાજ્યોમાં ભાજપ અને તેના સહયોગીઓની સરકાર હતી. આ રાજ્યોમાં દેશની અંદાજે 71 ટકા વસ્તી રહે છે. આ એવો સમય હતો જ્યારે ભાજપ શાસન વસ્તીની દૃષ્ટિએ ટોચ પર હતું. જ્યારે, ચાર રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. તેમાં સાત ટકા વસ્તી રહે છે.