લંડનઃ યુકેમાં ૧૨મી ડિસેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ૬૫૦ સંસદીય બેઠકો માટે ૩,૩૨૨ ઉમેદવાર મેદાને જંગમાં ઉતર્યા છે. ડેમોક્રેસી ક્લબ અને સ્કાય ન્યૂઝના ડેટા વિશ્લેષણ અનુસાર આ ૩,૩૨૨ ઉમેદવારમાંથી તમામ રાજકીય પક્ષો અથવા સ્વતંત્રપણે લડી રહેલા ૨૦૦થી ઓછાં ઉમેદવાર સાઉથ એશિયન ડાયસ્પોરાના છે. આનો અર્થ એ છે કે માત્ર ૫થી૬ ટકા ઉમેદવાર ભારતીય, પાકિસ્તાની અથવા બાંગલાદેશમાં મૂળ ધરાવે છે. જો આપણે રાષ્ટ્રીય રાજકીય પક્ષોના ઉમેદવારો બાબતે વધુ ઊંડાણમાં જઈએ તો કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ૬૦૦થી વધુ ઉમેદવાર મૂકાયા છે જેમાંથી ૫૦ ઉમેદવાર સાઉથ એશિયન ડાયસ્પોરાના છે. આ અગ્રણી ઉમેદવારોમાં પ્રીતિ પટેલ, સાજિદ જાવિદ, શૈલેશ વારા તેમજ નવોદિતો પવિતર કૌર માન અને ગુરજિત કૌર બેન્સનો સમાવેશ થાય છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ ભારતીય મૂળના આશાસ્પદ ૨૦ ઉમેદવારની પસંદગી સાથે વંશીય મૂળમાં સંતુલન રાખવા પ્રયાસ કર્યો છે.
જોકે, લેબર પાર્ટી માટે આમ કહી શકાય તેમ નથી. પાર્ટીએ આશરે ૩૦ સાઉથ એશિયન ઉમેદવારની પસંદગી કરી છે જેમાંથી સાત ઉમેદવાર ભારતીય ડાયસ્પોરાના છે. આમાંથી અગ્રણીઓ સીમા મલ્હોત્રા, વીરેન્દ્ર શર્મા તનમનજિત સિંહ ધેસી, અફઝલ ખાન તેમજ નવોદિતો અફસાના બેગમ અને ફાઝિયા શાહીન મુખ્ય છે. લેસ્ટર ઈસ્ટમાં ભારતીય ડાયસ્પોરાના સૌથી જાણીતા ચહેરા અને સૌથી જૂના કાર્યરત સાંસદ કિથ વાઝના સ્થાને ઉમેદવાર તરીકે ક્લૌડિયા વેબની પસંદગી કરાઈ છે.
બ્રેક્ઝિ પાર્ટીમાંથી સાઉથ એશિયન ઉમેદવારમાં પરાગ શાહ, સુધીર શર્મા અને વિરલ પરીખનો સમાવેશ થયો છે. જ્યારે લિબરલ ડેમોક્રેટ્સમાંથી કિશન દેવાણી, અનીતા પ્રભાકર સહિતની ઉમેદવારી છે.
લેસ્ટર ઈસ્ટમાં લેબરને બીજો ફટકો, કરણ મોઢાનું રાજીનામું
લેસ્ટર ઈસ્ટના સિનિયર કાઉન્સિલર જહોન થોમસે રાજીનામું આપ્યા બાદ લેબર પાર્ટીના બીજા સભ્ય કરણ મોઢાએ તેમનું રાજીનામુ આપ્યું છે. રાજીનામાના પત્રમાં મોઢાએ દાવો કર્યો હતો કે કિથ વાઝના સ્થાને ઉમેદવાર પસંદ કરવા મળેલી બેઠકમાં માત્ર ત્રણ લોકોએ ક્લોડિયા વેબની તરફેણમાં મત આપ્યો હતો. અગાઉ, થોમસે જણાવ્યું હતું કે ‘વેબ ૨૨,૪૨૮ની સરસાઈ જાળવી શકશે તે અંગે શંકા છે. આ બેઠક કિથ વાઝ માટે સલામત હતી, કોર્બીનની લેબર માટે નહિ.’
૨૦ નવેમ્બરે આપેલા રાજીનામામાં લેસ્ટરસ્થિત બિઝનેસમેન મોઢાએ એમ પણ જણાવ્યું હતું કે લેબર પાર્ટી હવે ‘ભારતીયો વિરોધી પાર્ટી’ બની ગઈ છે. તેમણે ઉમેર્યું કે પાર્ટીએ આ કોમ્યુનિટીની ‘અવગણના’ કરી છે. મોઢાએ જણાવ્યું,‘ બેલ્ગ્રેવ અને રુશિમેડમાં લેબર પાર્ટીએ અમારી કોમ્યુનિટીને નજરઅંદાજ કરી છે. અમારી ગણતરી વોટબેન્ક તરીકે થાય છે. બેલ્ગ્રેવ લાયબ્રેરી અને ગ્લેઈગલ્સ વે ખાતેના રિક્રિએશન સેન્ટર જેવી કોમ્યુનિટી સુવિધાઓ કોમ્યુનિટી કેમ્પેઈનને લીધે જ હજુ સુધી કાર્યરત છે.
મોઢાએ લખ્યું હતું, ‘લેસ્ટર ઈસ્ટની સીટનું ૩૨ વર્ષ સુધી બ્રિટિશ ભારતીય સાંસદે પ્રતિનિધિત્વ સંભાળ્યા બાદ લેબર પાર્ટી લંડન બરો ઓફ ઈસ્લિંગ્ટનના કાઉન્સિલરને લેસ્ટર લાવી હતી. માત્ર ત્રણ લોકોએ તેને પસંદ કરવા વોટ આપ્યો હતો. આ લોકશાહી નથી. આ રાજના દિવસોનું પુનરાગમન છે. લેબર હવે ભારતીય વિરોધી પાર્ટી છે.’ આ ચૂંટણીમાં લેબર પાર્ટીના બહિષ્કારમાં પોતાની સાથે જોડાવા કોમ્યુનિટીને અનુરોધ કરતાં મોઢાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘આપણી અવગણના તો થવી જ ન જોઈએ.’
તાજેતરમાં ઈસ્લિંગટનના પૂર્વ કાઉન્સિલર ક્લોડિયા વેબની ઉમેદવાર તરીકે પસંદગીના મુદ્દે લેબર પાર્ટી વિવાદમાં સપડાઈ ગઈ હતી. નવિન શાહ અને સંદીપ મેઘાણી સહિત અન્ય મૂળ ભારતીય રાજકારણીઓએ પણ લેસ્ટર સીટની નિમણુંક પ્રક્રિયાના સંદર્ભમાં ‘પસંદગી પ્રક્રિયાના ભંગ’નો લેબર પાર્ટી પર આક્ષેપ મૂક્યો હતો.
મુસ્લિમ મતદારો ૩૧ માર્જિનલ સીટ્સને અસર કરી શકે
મુસ્લિમ કાઉન્સિલ બ્રિટન (MCB) દ્વારા સોમવાર ૧૮ નવેમ્બરે જાહેર કરેલા અભ્યાસ અનુસાર મુસ્લિમ મતદારો ૩૦ કે તેથી વધુ માર્જિનલ બેઠકોના પરિણામને અસર કરી શકે છે. સમગ્ર દેશની મસ્જિદોમાં રાષ્ટ્રવ્યાપી રજિસ્ટ્રેશન અભિયાન હાથ ધરવાની તૈયારી થઈ છે. ૩૧ બેઠકમાંથી લેબર અને ટોરી પાર્ટીની ૧૪-૧૪ બેઠક છે જ્યારે SNPની ત્રણ બેઠક છે. યુકેમાં મુસ્લિમોની મુખ્ય પ્રતિનિધિ સંસ્થા MCB તટસ્થ છે. MCBના સેક્રેટરી જનરલ હારુન ખાને જણાવ્યું છે કે,‘ આપણા સમાજમાં સક્રિય ભાગીદાર તરીકે મુસ્લિમો તેમની તમામ વિવિધતા સાથે રસાકસીપૂર્ણ ચૂંટણીમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે. અમને આશા છે કે પાર્ટીઓ ચિંતાજનક મુદ્દાઓ પરત્વે સંવાદ સાધવા સમગ્ર દેશની મુસ્લિમ કોમ્યુનિટીઓને સાંભળશે.’ MCBએ જણાવ્યું હતું કે મુસ્લિમ મતદારોની હિસ્સેદારીને વધારવા તેમજ ચૂંટણી ચર્ચામાં ભાગ લેવા કોમ્યુનિટીઓને પ્રોત્સાહિત કરવામાં તે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ટોરીઝ વિરુદ્ધ ‘ઓપરેશન મુસ્લિમ વોટ ૨૦૧૯’ અભિયાન
ભારત સરકાર દ્વારા કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ રદ કરાયા પછી લેબર પાર્ટીએ કરેલો ઠરાવ બ્રિટિશ જનતાને વિભાજિત કરતો હોવાનું જણાય છે. કેટલાક બ્રિટિશ ભારતીય, હિન્દુ તેમજ અન્ય કોમ્યુનિટી જૂથોએ કોર્બીનના પક્ષને ‘ભારતવિરોધી’ ગણાવ્યા પછી લંડનસ્થિત બિનનફાકારી સંસ્થા પ્રોફિટ મુસ્લિમ પબ્લિક એફેર્સ કમિટી (MPAC) દ્વારા નવું વિરોધી અભિયાન હાથ ધરાયું છે. MPAC ભારતીય મૂળના ઉમેદવાર આલોક શર્મા સહિત ૧૪ કન્ઝર્વેટિવ સાંસદોને હરાવવા કેમ્પેઈન કરી રહેલ છે. તેમણે ‘ઓપરેશન મુસ્લિમ વોટ ૨૦૧૯’ અભિયાન માટે ૨૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવા ‘Fundamal’ વેબસાઈટ પર કેમ્પેઈન ઉભું કર્યું છે. આ વેબસાઈટ દાવો કરે છે કે, ‘આગામી યુકે સરકારનો નિર્ણય કરવાની તાકાત મુસ્લિમો પાસે છે. સામાન્ય ચૂંટણી તેઓને સત્તામાંથી હટાવવા અને તેમના સ્થાને કોર્બીનના વડપણ હેઠળની સરકાર લાવવાનો આપણો સમય છે. લેબર પાર્ટીએ પેલેસ્ટાઈન સ્ટેટને માન્યતા આપવા, સરકારી પ્રીવેન્ટ સર્વેલન્સ નીતિ અટકાવવા, કાશ્મીરના આત્મનિર્ણયનો અવાજ ઉઠાવવા સહિતનું વચન આપ્યું છે. ’
‘Fundamal’ વેબસાઈટ પર MPACના પ્રવક્તા ઈમરાન શાહ લખે છે કે,‘ વર્તમાન સરકાર ગંભીરપણે ઈસ્લામોફોબિક, વંશભેદી અને પૂર્વગ્રહિત હોવાનો પર્દાફાશ થયો છે. બોરિસ જ્હોન્સન અને આલોક શર્મા જેવા તેના કેટલાક પ્રધાનોએ ઈઝરાયલ અને ભારત દ્વારા અનુક્રમે પેલેસ્ટિનીઓ અને કાશ્મીરીઓ સામે માનવતા વિરુદ્ધ આચરાયેલા અપરાધોનો સક્રિય બચાવ કર્યો છે.’ કેમ્પેઈનનો દાવો છે કે આ અપીલ મારફત એકત્ર કરાયેલા નાણાનો ઉપયોગ માત્ર ઈલેક્શન હેતુસર જ કરાશે તેમજ પત્રિકાઓ, વીડિયો બનાવવા, ડિજિટલ જાહેરાતો, સીધાં પત્રો, પ્રવાસખર્ચ અને સ્વયંસેવકોને ગતિશીલ બનાવવા પૂરતો મર્યાદિત રહેશે.
એશિયનો મતદાન કરશે ત્યારે લેબર ઠરાવની અસર થશે કે કેમ તે દર્શાવવા સ્પષ્ટ ડેટા નથી. જોકે, બ્રિટિશ એશિયનોને લેબર તેમજ ટોરીઝ વિરુદ્ધ મતદાનનો અનુરોધ કરતા પ્રિન્ટ મીડિયા અભિયાનો અને વોટ્સએપ મેસેજિસ ફરતાં થયા છે તેનાથી ચૂંટણીમાં નાટ્યાત્મકતા વધી છે. લેબર પાર્ટીની બ્રાઈટન કોન્ફરન્સમાં કાશ્મીરી લોકોના આત્મનિર્ણયના અધિકારોની દુહાઈ દેવા સાથે નવા રચાયેલા કેન્દ્રશાસિત વિસ્તારોમાં માનવતાવાદી અપરાધોનો ઉલ્લેખ કરાયો હતો.
અક્સબ્રિજમાં જ્હોન્સનને હરાવવા યુવાનો મેદાનમાં
શનિવાર ૧૬ નવેમ્બરે બોરિસ જ્હોન્સનને હરાવવાના ઈરાદા સાથે સેંકડો યુવાનો અક્સબ્રિજ સ્ટેશન નજીક ઉમટી પડ્યા હતા. અક્સબ્રિજમાં માત્ર ૫૦૦૦ની સરસાઈથી વિજય મેળવ્યો હોવાં છતાં જ્હોન્સને અક્સબ્રિજથી ઉમેદવારીની જાહેરાત કર્યા પછી ‘Fck Boris’ તેમજ અન્ય યુવા સંગઠનો દ્વારા આ વિરોધકૂચનું આયોજન કરાયું હતું. જ્હોન્સને ૨૦૧૫ની ચૂંટણીમાં અહીં ૧૦,૬૯૫ની સરસાઈ મેળવી હતી જે ૨૦૧૭માં ઘટીને ૫,૦૩૪ થઈ હતી. આ કોઈ પણ વડા પ્રધાને ૧૯૨૪ પછી મેળવેલી સૌથી ઓછી સરસાઈ છે.
આ વર્ષે જ્હોન્સને બ્રૂનેલ યુનિવર્સિટી સ્ટુડન્ટસ યુનિયનના પૂર્વ પ્રમુખ અને લેબર પાર્ટીના અલી મિલાનીનો સામનો કરવાનો થશે. CCHQની આંતરિક ગણતરીઓ મુજબ જ્હોન્સને અન્ય સલામત બેઠક શોધી હોવાની અટકળો વચ્ચે તેઓ આ બેઠક ગુમાવે તેવું જોખમ છે. નવો ડેટા કહે છે કે ૨૦૧૭ પછી આ વિસ્તારમાં અંદાજે ૩,૦૦૦ લોકો ૧૮ વર્ષના થયા છે અને મતદાન કરવાને લાયક છે. જો લેબર પાર્ટી તરફ પાંચ ટકાનો ઝૂકાવ થશે તો જ્હોન્સનને તેમની બેઠક જાળવવા સંઘર્ષ કરવો પડશે.
કૂચમાં ઉપસ્થિત જૂજ એશિયનોમાંના એક અને યુકેમાં #BiVisibilityમાટે કેમ્પેઈન કરી રહેલા લેખક વનીત મહેતાએ બોરિસને હાંકી કાઢીશું તેવી આશા વ્યક્ત કરી હતી. આ ઈવેન્ટને Grime4Corbyn, યુકે સ્ટુડન્ટ ક્લાઈમેટ નેટવર્ક અને ફેમિનિસ્ટ એન્ટિ-રેસિસ્ટ એસેમ્બલી સહિત અન્ય ૧૦ જૂથોએ ટેકો આપ્યો હતો. આ વર્ષે પ્રથમ વખત બ્રુનેલ યુનિવર્સિટી ચૂંટણીના દિવસે કેમ્પસથી મતદાન મથક જવા માટે નિયમિત શટલ બસની વ્યવસ્થાકરશે. આ સેવા વિદ્યાર્થીઓ અને સ્ટાફ મોટા પાયે મતદાન કરી શકે તે ઈરાદા સાથે શરુ કરાશે.
જ્હોન્સનની ગુરુદ્વારા મુલાકાત
આ દરમિયાન, જ્હોન્સને ૧૭ નવેમ્બર રવિવારે એશિયન મતદારોને આકર્ષવા માટે સાઉથોલમાં પરંપરાગત શીક પાઘડી સાથે ગુરુદ્વારા શ્રી ગુરુ સભા શીખ ટેમ્પલની મુલાકાત લીધી હતી. લગભગ બે વર્ષ અગાઉ, શીખ ગુરુદ્વારાની મુલાકાત વેળા જ્હોન્સને ભારતમાં આલ્કોહોલના વેચાણ પર ઓછી ડ્યૂટી હોવાની પ્રશંસા કરી હતી જેના પરિણામે શીખો રોષે ભરાયા હતા. શીખ ઉપદેશોમાં પૂજાના સ્થળે આલ્કોહોલનું સેવન પ્રતિબંધિત ગણાવાયું છે. આ પછી જ્હોન્સનને માફી માગવાની ફરજ પડી હતી.
કોર્બીન અને જ્હોન્સન દ્વારા ગુરુદ્વારાની મુલાકાતો દર્શાવે છે કે આ સામાન્ય ચૂંટણીમાં એશિયન અને લઘુમતી મત મહત્ત્વનું પરિબળ બની રહેલ છે. જોકે, મતદારોની વય અને ધર્મ સહિતના પરિબળોને આંતરિકપણે સાંકળતા અભ્યાસથી સ્પષ્ટ થતું નથી કે યુવાન એશિયન વસ્તીમાં જ્હોન્સનની લોકપ્રિયતા છે કે નહિ.
BAMEના ચારમાંથી એક મતદાર રજિસ્ટર્ડ નથીઃ ચૂંટણી પંચ
ઈલેક્શન કમિશને ૧૮ નવેમ્બર, સોમવારે એવી જાહેરાત કરી છે કે યુકેમાં અશ્વેત અને એશિયન મૂળની ચારમાંથી એક વ્યક્તિ મતદાન કરવા માટે નોંધાયેલી નથી. કમિશનનો ડેટા કહે છે કે બ્રિટનમાં ૨૫ ટકા અશ્વેત-બિનગોરા મતદાર રજિસ્ટર્ડ નથી. આ રિપોર્ટનો ઝીણવટભર્યો અભ્યાસ કહે છે કે આ ૨૫ ટકા નહિ નોંધાયેલા મતદારમાંથી ૨૪ ટકા મતદાર એશિયન હોવાની શક્યતા છે. કમિશનનો અંદાજ છે કે બ્રિટનમાં ૮થી ૯ મિલિયન યોગ્ય મતદાર તેમના વર્તમાન સરનામા પર સાચી રીતે નોંધાયેલા નથી. કમિશને જણાવ્યું છે કે બ્રિટનમાં મત આપવા યોગ્ય વસ્તીનો ચોકસાઈપૂર્વક નિર્ધાર કરી શકાતો ન હોવાથી નતેમની ચોક્કસ સંખ્યા આપવી મુશ્કેલ છે. આથી આ ગણતરી કુલ મતદાનને યોગ્ય વસ્તીના અંદાજ પર આધારિત છે. કમિશને ૨૬ નવેમ્બર સુધીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા લોકોને અનુરોધ પણ કર્યો છે.