ટોરોન્ટોઃ દેશની કથળતી આર્થિક સ્થિતિ, નબળી વિદેશ નીતિ અને પક્ષમાં આંતરિક વિરોધ સહિતના સંકટોથી ચોમેર ઘેરાયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ છેવટે વડાપ્રધાન પદેથી તેમજ લિબરલ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું ધરી દીધું છે. દેશના નાગરિકોમાં અને તેમના પોતાના જ પક્ષમાં વધતા અસંતોષને કારણે ટ્રુડો પર રાજીનામું આપવાનું દબાણ સતત વધી રહ્યું હતું. સતત વધી રહેલી મોંઘવારી, મકાનોની કિંમતમાં થયેલાં વધારા સહિતના કારણોસર લોકોમાં ટ્રુડો સામેનો વિરોધ વધ્યો હતો.
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે ભારત વિરુદ્ધ પુરાવા વગર મનઘડંત આક્ષેપો કરનાર ટ્રુડોને કારણે કેનેડાની આંતરરાષ્ટ્રીય છબિ પણ ખરડાઈ છે. આ ઉપરાંત અમેરિકના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ટ્રુડોની નીતિઓ અંગે નારાજગી વ્યક્ત કરી ચુક્યાં છે.
સોમવારે ટ્રુડોએ રાજીનામાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, તેમણે પોતાની પાર્ટીના અધ્યક્ષને નવા નેતાની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે. ટ્રુડોએ જણાવ્યું હતું કે, પક્ષમાં ચાલી રહેલી આંતરિક લડાઈને કારણે આગામી ચૂંટણીઓમાં પક્ષના અધ્યક્ષપદ માટે હું યોગ્ય વિકલ્પ નથી. જ્યારે પક્ષ અને દેશના મહત્ત્વની વાત હોય ત્યારે હું સરળતાથી હાર માનતો નથી. પરંતુ કેનેડિયન નાગરિકોના હિત અને લોકશાહીના મૂલ્યોના જતન માટે હું આ પગલું ભરી રહ્યો છું. ટ્રુડોએ કહ્યું કે, સંસદનું કામ 24 માર્ચ સુધી સ્થગિત રહેશે અને ત્યાં સુધી તેઓ કાર્યકારી વડાપ્રધાન તરીકે કામગીરી કરશે.
નાણામંત્રીના રાજીનામાએ દબાણ વધાર્યું
તાજેતરમાં જ ટ્રુડો સરકારના નાણાંમંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે એકાએક રાજીનામું આપી દીધાં બાદ ટ્રુડો પર પક્ષમાંથી જ રાજીનામું આપવાના દબાણમાં પ્રચંડ વધારો થયો હતો. ટ્રુડો 2015થી કેનેડાના વડાપ્રધાન પદ પર કાર્યરત હતાં. બુધવારે યોજાનારી પક્ષની રાષ્ટ્રીય બેઠક પહેલાં જ ટ્રુડો રાજીનામું આપશે તેવી અટકળો વચ્ચે સોમવારે જ તેમણે પદ છોડવાની જાહેરાત કરી હતી.
ભારત સાથે સંબંધો બગાડ્યા
જસ્ટિન ટ્રુડોએ જૂન 2023માં સરેમાં એક શીખ મંદિરની બહાર ખાલિસ્તાની આતંકવાદી પર થયેલા ગોળીબારમાં ભારતનો હાથ હોવાનો આક્ષેપ મૂક્યો ત્યારથી કેનેડા-ભારતના સંબંધો વણસ્યા છે. જસ્ટિન ટ્રુડોએ આક્ષેપ કર્યો હતો કે કેનેડાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી માને છે કે ‘ભારત સરકારના એજન્ટો’ આ હત્યામાં સામેલ હતા. જોકે બાદમાં કેનેડિયન એજન્સીઓની તપાસમાં જ આ બાબત તથ્યહીન સાબિત થયા હતા.
પક્ષમાં અને લોકોમાં તીવ્ર નારાજગી
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ લિબરલ પાર્ટીના 24 સાંસદોએ જાહેરમાં જ ટ્રુડોના રાજીનામાંની માગ કરી હતી. પક્ષની બેઠકમાં પણ તેમના રાજીનામાની માગ થઈ હતી. ચૂંટણી નિષ્ણાત એન્ગસ રીડના જણાવ્યાં અનુસાર ટ્રુડોનો ડિસઅપ્રુવલ રેટ 68 ટકા જેટલો છે. દેશની કથળતી આર્થિક સ્થિતિ, બેરોજગારી અને મકાનોની ઊંચી કિંમતથી નાગરિકો પણ ટ્રુડોની વિદાય ઈચ્છી રહ્યાં હતાં. આ ઉપરાંત તાજેતરમાં ટ્રમ્પે કેનેડા પર જંગી ટેરિફ લાદવાની વાત કરી હતી, જેથી નાગરિકોમાં અર્થતંત્રને લઈને ચિંતા વધુ ઘેરી બની હતી.
ટ્રુડોની સરકાર માંડ માંડ બચી હતી
ટ્રુડોના પક્ષ પાસે સરકાર ચલાવવા જરૂરી બહુમતી નથી. 25 સાંસદો ધરાવતી એનડીપીએ ગયા વર્ષે ટ્રુડો સરકારને ટેકો પાછો ખેંચી લીધા બાદ સરકારની વિદાય લગભગ નિશ્ચિત હતી. હાઉસ ઓફ કોમન્સમાં બહુમતિ માટે 170નું સંખ્યાબળ જરૂરી છે, સામે લિબરલ પાર્ટી પાસે 153 સાંસદો છે. જોકે પહેલી ઓક્ટોબરે બહુમત પરીક્ષણમાં સરકારને અન્ય પક્ષનું સમર્થન મળતાં ઘાત ટળી હતી.
માર્ચ સુધી ચૂંટણી યોજાવાની શક્યતા
કેનેડાના ત્રણેય મુખ્ય વિરોધ પક્ષોએ સંસદનું સત્ર શરૂ થાય કે તરત જ ટ્રુડોના નેતૃત્વવાળી લિબરલ પાર્ટીની સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી તેને ઉથલાવવાની યોજના બનાવી હતી. ટ્રુડોએ રાજીનામું આપવાની જાહેરાત કરતાં જ વિપક્ષની યોજનાનો છેદ ઉડી ગયો છે. હવે કેનેડાના વિરોધ પક્ષો દ્વારા દેશમાં તાત્કાલિક ચૂંટણી યોજવા માગ કરાઈ રહી છે. જોકે ટ્રુડોએ સંબોધનમાં 27મી જાન્યુઆરીથી શરૂ થનારું સંસદનું સત્ર 24 માર્ચ સુધી સ્થગિત કરવાની પણ જાહેરાત કરી હતી. જેના પગલે દેશમાં તાત્કાલિક ચૂંટણી યોજાય તેવી શક્યતા ધૂંધળી બની છે. સંઘીય કાયદા અનુસાર કેનેડામાં ઓક્ટોબર-2025 સુધીમાં ચૂંટણી યોજાવી જોઈએ. જોકે તમામ વિરોધ પક્ષોનું કહેવું છે કે, તેમને લિબરલ સરકાર પર ભરોસો નથી. આમ હવે માર્ચમાં સંસદનું સત્ર શરૂ થવા ટાણે ચૂંટણીની જાહેરાત શક્ય છે.
વડાપ્રધાન પદની રેસમાં કોણ કોણ?
જસ્ટિન ટ્રુડોની વિદાય બાદ કેનેડાના નવા વડાપ્રધાન તરીકે લિબરલ પાર્ટીના કેટલાંક સંભવિત પ્રબળ દાવેદારોના નામ ચર્ચાઈ રહ્યાં છે. આ ઉમેદવારોમાં બેન્ક ઓફ કેનેડાના પૂર્વ અધ્યક્ષ માર્ક કર્ની ઉપરાંત તાજેતરમાં કેનેડાના નાણાંમંત્રી પદેથી રાજીનામું આપનારા ક્રિસ્ટિના ફ્રીલેન્ડના નામ મોખરે છે. 59 વર્ષીય કર્ની છેલ્લાં કેટલાંક મહિનાઓથી ટ્રુડોના સલાહકાર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.