છ દસકા જૂના બોડોલેન્ડ વિવાદનો અંતઃ સરકાર - બોડો સંગઠનો વચ્ચે સમજૂતી

Tuesday 28th January 2020 07:11 EST
 
 

ગુવાહાટીઃ દેશનાં ઉત્તર-પૂર્વ રાજ્યોમાં ફેલાયેલા અલગતાવાદને નાથવામાં ભારત સરકારને વધુ એક સફળતા મળી છે. છેલ્લા ૬૦ વર્ષથી અશાંતિનું કારણ બનેલા અલગ બોડોલેન્ડના વિવાદનો અંત આવ્યો છે. આ મામલે ભારત સરકાર, આસામ સરકાર અને બોડો અલગતાવાદી સંગઠનો વચ્ચે ત્રિ-પક્ષીય સમજૂતી કરાર થયા છે. બોડો આંદોલનમાં ૬૦ વર્ષમાં ૨૮૨૩ માનવજિંદગી હોમાઇ ગઇ છે. છેલ્લા ૨૭ વર્ષમાં આ ત્રીજો આસામ કરાર છે. સમાધાન માટે સફળતાનો જશ ગૃહ પ્રધાન અમિત શાહને આપવો રહ્યો, ભાજપ સરકાર સત્તા પર આવ્યા પછી તેઓ આ સમસ્યા ઉકેલવા ઘણા સમયથી સક્રિય હતા.
એક તરફ, આ સમજૂતી કરારને બહુમતી વર્ગે આવકાર્યો છે, તો બોડો સિવાયનાં સંગઠનોએ તેનો વિરોધ પણ કર્યો છે. આ જૂથે સોમવારે ૧૨ કલાકના બંધની જાહેરાત કરી હતી. બંધ દરમિયાન રસ્તા પર ટાયર સળગાવ્યા હતા. સ્કૂલો બંધ કરાઈ હતી, અને શાંતિનો માહોલ ખરડવા પ્રયાસ થયો હતો.

સમજૂતી કરારમાં શું છે?

• આસામમાં રહેનાર બોડો આદિવાસીઓને કેટલાક રાજકીય અધિકારો અપાશે • બોડો સમુદાય માટે આર્થિક પેકેજ જાહેર કરાશે • આસામની પ્રાદેશિક અખંડિતતા જાળવી રખાશે • અલગ બોડોલેન્ડ કે રાજ્ય સ્થાપશે નહીં • બોડો સમુદાય માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના

બોડોઃ આસામનો સૌથી મોટો આદિવાસી સમુદાય

બોડો આસામનો સૌથી મોટો આદિવાસી સમુદાય છે. તે રાજ્યની કુલ વસ્તીના ૬ ટકા છે. આસામના બોડો બહુમતી ધરાવતા વિસ્તારોમાં અલગ બોડોલેન્ડની માગ સાથે હિંસક ચળવળનો પ્રારંભ થયો હતો. ૧૯૬૬-૬૭માં આંદોલન શરૂ થયું તે વેળા આસામના ૪ જિલ્લા કોકરાઝાર, બાક્સા, ઉદાલગુરી અને ચિરાગને ભેળવીને અલગ બોડો રાજ્ય રચવાની માગ કરાઇ હતી. આ દેખાવોનું નેતૃત્વ નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ (એનડીએફબી) કરી રહ્યું હતું. ચળવળે એટલું હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું કે સરકારે હિંસા રોકવા માટે કાયદો ઘડવો પડ્યો હતો. ભારત સરકારે યુએપીએ એક્ટ - ૧૯૬૭ હેઠળ એનડીએફબીને ગેરકાયદે જાહેર કરી દીધું.
આ વિવાદને કારણે અત્યાર સુધી ૨,૮૨૩ લોકો મૃત્યુ પામ્યા છે. ૧૯૮૭માં ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયને પણ બોડોલેન્ડ રાજ્ય બનાવવાની માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર ૧૯૮૬માં રંજન દાઇમારીએ ઉગ્રવાદી સંગઠન બોડો સિક્યોરિટી ફોર્સની રચના કરી હતી. બાદમાં તેનું નામ એનડીએફબી કરી દેવાયું.

આજનો દિવસ મહત્ત્વનોઃ વડા પ્રધાન

ગૃહ પ્રધાન શાહે આ આ પ્રસંગે જાહેર કર્યું હતું કે, ઉગ્રવાદી ગ્રૂપ નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના ૧૫૫૦ સભ્યો ૩૦ જાન્યુઆરીએ તેમના ૧૩૦ હથિયાર સોંપીને આત્મસમર્પણ કરશે. આ સમજૂતી પછી આસામ અને બોડો લોકોનું ભવિષ્ય સુવર્ણમય બનશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજનો દિવસ ભારત માટે મહત્ત્વનો છે. બોડો કરાર પછી હવે શાંતિ, સદ્ભાવ અને ભાઈચારાની નવી સવાર ઉગશે. બોડો સમુદાયના જીવનમાં મોટું પરિવર્તન આવશે, તેમની સંસ્કૃતિ જળવાશે.

ભૂતકાળમાં બે કરાર થયા છે

આ પહેલા ૧૯૯૩માં ઓલ બોડો સ્ટૂડન્ટ્સ યુનિયન અને ભારત સરકાર વચ્ચે પહેલા કરાર થયા હતા. આ પછી પણ માગણીઓનો કોઇ યોગ્ય નિકાલ ન આવતા ફરી ઉગ્રવાદી પ્રવૃત્તિ શરૂ થઇ હતી. આના દસ વર્ષ બાદ, ૨૦૦૩માં ઉગ્રવાદી સંગઠન બોડો લિબરલ ટાઇગર્સ સાથે સરકારે સમજૂતી કરી હતી. જેના ભાગરૂપે બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ (બીટીસી)નું ગઠન કરવામાં આવ્યું હતું. આ કાઉન્સિલ શિક્ષણ, સ્વાસ્થ્ય સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લે છે. હાલ જે સમજૂતી થઇ છે તેમાં ૧૫૦૦ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ ઉપરાંત વિધાનસભામાં વધુ પ્રતિનિધિત્વ આપવા જેવી માગોને પણ સ્વીકારાઇ છે. જોકે અગાઉ કરારો થયા તે સમયે પણ અલગતાવાદીઓએ હથિયાર નહીં ઉપાડીએ તેવી ખાતરી આપી હતી. પરંતુ બાદમાં સરકારો દ્વારા અપાતા વચન સાકાર ન થતાં તેમણે ફરી હથિયારો ઉઠાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter