અમદાવાદઃ ભગવાન જગન્નાથ ૧૪મી જુલાઈએ મોટાભાઈ બલરામ અને નાની બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજીને અમદાવાદ શહેરમાંથી પસાર થયા ત્યારે ‘જય રણછોડ માખણચોર’ના ગગનભેદી નારા સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું. ૧૪મી જુલાઈ, શનિવારે સવારે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરેથી ૧૪૧મી રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથજી રજવાડી વેશ ધારણ કરીને બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રા શરૂ થાય તે પહેલાં સવારે સાત વાગ્યે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પરંપરાગત રીતે પહિંદવિધિ કરી હતી એટલે કે સોનાની સાવરણીથી રથના રસ્તાની સફાઈ કરી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.
ભગવાનના આશીર્વાદ રહેશે
મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને સતત બીજા વર્ષે પહિંદ વિધિ કરાવી હતી. વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે ભગવાનની કૃપા સમગ્ર ગુજરાત અને સમાજ જીવન પર વરસતી રહે. સુખ સમૃદ્ધિ, સલામતી અને પ્રગતિ થતી રહે. વરસાદ પણ સર્વત્ર સારો થાય તેવા આશીર્વાદ મળતા રહે. ગુજરાતની વિકાસ યાત્રા અવિરત ચાલતી રહે તેવી આપણે સૌ આકાંક્ષા રાખીએ છીએ.
મંગળામાં અમિત શાહ
સવારે પાંચ વાગ્યે ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવાની વિધિ પછી મંગળા આરતી થઈ અને ખીચડીનો ભોગ ભગવાનને ધરાવાયો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વહેલી સવારે મંગળા આરતીના કાર્યક્રમમાં જોડાયા હતા. એ પછી મંદિરના દરવાજા ખૂલ્યા એ સમયે ભક્તોએ મંદિર તરફ દોડ લગાવી હતી.
હેરિટેજ ઝાંખી
ટ્રક અને અખાડાની ટુકડીઓના કરતબો સાથે જમાલપુર દરવાજાથી ભગવાનની સવારી નવ વાગ્યે નીકળી હતી. અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે રથયાત્રામાં ઐતિહાસિક ધરોહર સમાન સિદી સઈદની જાળી, અડાલજની વાવ, ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ વગેરેના ટેબ્લો હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન માટે વહેલી સવારથી જ જમાલપુરમાં માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું. રથયાત્રામાં અમીછાંટણા થતાં ભક્તોએ ‘નંદ ગેર આનંદ ભયો ’ના નારા લાગ્યા હતા.
મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત
લોખંડી પોલીસ સુરક્ષામાં નીકળેલી રથયાત્રા પરંપરાગત માર્ગો પર ફરી હતી. જેમાં ઠેર ઠેર મુસ્લિમ બિરાદરોએ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી તેમજ ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું હતું. જમાલપુરથી નીકળેલી રથયાત્રા તેના પરંપરાગત માર્ગો ખમાસા, મ્યુનિ. કોર્પોરેશન, રાયપુર ચકલા થઈને બપોરે એક વાગ્યે ભગવાનના મોસાળ સરસપુર પહોંચી હતી.
અમી છાંટણા ફુવારાથી ઠંડક
મોસાળમાં આવી પહોંચેલા ભાણેજને આવકારવા પહેલી વખત સરસપુર ચારરસ્તા પર ફુવારા મૂકવામાં આવ્યા હતા. રથ ઊભા રહે છે ત્યાં ભગવાન પર ફુવારાથી ઠંડક કરવામાં આવી હતી. અત્યાર સુધી મોસાળિયા ડોલથી પાણીનો છંટકાવ કરતા હતા. આ વર્ષે જામનગરના બે ભાઈઓએ ૬૪ નાના-નાના ફુવારા મૂક્યા હતા. લગભગ બે કલાક સુધી ભગવાન-ભક્તો પર પાણીનો છંટકાવ થયો હતો. ૬૪ નાના ફુવારાથી છંટકાવ થતાં મોસાળિયા ડોલથી છંટકાવ કરવાના પરિશ્રમમાંથી મુક્ત થયા. બફારાથી ત્રસ્ત ભક્તોને પણ નવી પરંપરાથી રાહત મળી હતી.
એક તરફ ફુવારા દ્વારા કૃત્રિમ વરસાદ કરાયો હતો ત્યારે પણ આભમાંથી અમી છાંટણા વરસી રહ્યાં હતાં જે ઝાપટામાં ફેરવાઈ જતાં એ જોતાં પ્રશ્ન ઊભો થયો હતો કે ૨ લાખ જેટલા લોકોની ભોજન વ્યવસ્થા સાચવીશું કઈ રીતે? જોકે, સરસપુરના મોસાળ પક્ષે ઝડપથી પોતાના ઘરના દરવાજા ખુલ્લા મૂકી અને ભક્તો માટે જમવાની વ્યવસ્થા કરી હતી. જોકે થોડીવારમાં જ વરસાદ બંધ થતાં ૨ લાખ ભક્તોને ૧૭ પોળમાં પંગતમાં પ્રસાદી અપાઈ હતી. મોસાળિયા ધીરૂભાઈ બારોટના પરિવારે કરેલા મામેરામાં ભગવાનને પેચવર્કવાળા પીળા રંગના વાઘા પહેરાવીને આભૂષણો ચઢાવવામાં આવ્યા હતા. અહીં દર્શનાર્થીઓનો ધસારો એટલો બધો હતો કે, એક મહિલા પોલીસ કર્મચારી અને બાળકો સહિત કેટલાક લોકો બેભાન થઈ જતાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને બોલાવાઈ હતી.
પોલીસ કરતાં ભક્તો વધુ!
મોસાળમાંથી નીકળતી વખતે ભાઈ બલરામના રથનો એક બોલ્ટ ઢીલો પડી જતાં તેને ફિટ કરાયો અને કાલુપુર સર્કલ થઈને રથયાત્રા પ્રેમદરવાજા પહોંચી ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું. સામાન્ય રીતે રથયાત્રા પ્રેમ દરવાજાથી અંદર આવે એટલે પોલીસના શ્વાસ અદ્ધર થઈ જાય. પ્રેમ દરવાજાથી તંબુ ચોકી સુધી બંને તરફ પોલીસનો ખડકલો હોય, પણ આ વખતે સ્થિતિ કંઈક જુદી જ હતી. આ વિસ્તારમાં વર્ષો પછી પહેલીવાર ભગવાન જગન્નાથને આવકારવા માર્ગની બંને બાજુ જાતપાતનો ભેદ ભૂલીને ભક્તો ઉમટ્યા હતા. શરૂઆતમાં ડીજે પર દેશભક્તિના ગીતો વાગતા હતા પછી બોલિવૂડના ગીતો શરૂ થઈ ગયા અને લોકો મુક્તપણે નાચવા માડ્યા હતા.
જોર્ડન રોડ થઈ રથયાત્રા શાહપુર પાસે પહોંચી ત્યારે એક રથનું પૈડું ડગમગતા પોલીસને ચિંતા થવા માંડી હતી. જો કે, સ્થાનિક અગ્રણીઓએ પૈડું રિપેર કરવાની તમામ તૈયારીઓ કરી રાખી હતી. શાહપુર પાસે મેટ્રોનું કામ ચાલતું હોવાથી કેટલીક ટ્રકવાળા અને અખાડાવાળાઓ જાતે જ સમજીને રથયાત્રામાંથી એટલો સમય
અલગ થઈ ગયા હતા. જેને કારણે ભીડ થઈ ન હતી. અંતે શાંતિપૂર્ણ વાતાવરણમાં શાહપુર, ઘીકાંટા, પાનકોરનાકા, માણેકચોક બાદ ૯ વાગ્યે ભગવાનની યાત્રા નિજ મંદિરે સંપન્ન થઈ હતી.
રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર
• ૧૮ શણગારેલા ગજરાજ • ૧૮ ભજન મંડળીઓ • ૩૦ અખાડા-અંગ કસરતના પ્રયોગ • ૧૦૧ ઝગમગતા ટ્રક • ૧૨૦૦ જેટલા રથ ખેંચતા ખલાસીઓ • ૩૦ હજાર કિલો મગ પ્રસાદમાં • ૫૦૦ કિલો જાંબુ • ૩૦૦ કિલો કેરી.