જમ્મુ અને કાશ્મીર મુદ્દે મોદીના બંધારણીય નિર્ણયો

કર્નલ તેજ કુમાર ટિકુ (નિવૃત્ત), પીએચડી Wednesday 07th August 2019 03:57 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સરકારે શીર્ષસ્થ રાજ્ય જમ્મુ અને કાશ્મીર સંબંધે મહત્ત્વપૂર્ણ અને હિંમતભર્યા પગલાં લીધાં છે. લાંબા સમયની રાહ પછી લેવાયેલાં પગલાં સમગ્ર ઉપખંડ અને વિશેષતઃ ભારત અને પાકિસ્તાન માટે દૂરગામી અસરો ઉપજાવનારા છે.

ભારતના બંધારણમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫ એને દૂર કરવાની બાબત ભાજપ માટે હંમેશા આસ્થા કે શ્રદ્ધાનો વિષય રહ્યો છે. જમ્મુ અને કાશ્મીર પ્રોવિન્સને (વિધાનસભા સાથે) અને લદાખ વિસ્તારને (વિધાનસભા વિના) કેન્દ્રશાસિત પ્રદેશો જાહેર કરવાના લેવાયેલા નિર્ણયો ખરેખર અભૂતપૂર્વ છે. થોડા સમય અગાઉની સામાન્ય ચૂંટણીઓમાં મોટા જનાદેશ સાથે પુનઃ સત્તા પર આવેલી ભાજપ સરકારે ‘પહેલો ઘા રાણાનો’ ધોરણે નિર્ણય લેવામાં ઝાઝો સમય બગાડ્યો નથી.

અહીં એક બાબતનો ઉલ્લેખ અવશ્ય કરવો જોઈશે કે બ્રિટને નવરચિત અથવા તો વિભાજિત ભારત અને પાકિસ્તાનને સ્વતંત્રતા બક્ષી તેના થોડા જ સમયમાં ભારતની બંધારણસભાએ સ્વતંત્ર ભારતના બંધારણનો મુસદ્દો ઘડ્યો તેમાં આર્ટિકલ ૩૭૦નો સમાવેશ ભારતીય બંધારણના હિસ્સા તરીકે કરી લેવાયો હતો. તે સમયે આ આર્ટિકલના સ્વરુપ તેમજ પ્રવર્તમાન સંજોગો- પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય બંધારણના ઘડવૈયાઓએ આ અનુચ્છેદને બંધારણનાં ‘અસ્થાયી અને હંગામી જોગવાઈઓ’ના વર્ગમાં મૂક્યો હતો. જોકે, સમયાંતરે આ કામચલાઉ અનુચ્છેદ રાજકીય લાભ હાંસલ કરવાના હિમાયતીઓ માટે રાજકીય સાધન જ બની ગયો. આ સમગ્ર પ્રક્રિયામાં હંગામી હેતુ તરીકે કામ આપવાના સાધન તરીકે રખાયેલી હંગામી જોગવાઈને દેશ માટે ગંભીર પરિણામો લાવી શકે તેમ હોવાં છતાં. લગભગ કાયમી દરજ્જો પ્રાપ્ત થાય તે દિશામાં આગળ વધવા દેવાઈ હતી.

એક તરફ, કાશ્મીરી રાજકારણીઓએ કાશ્મિરિયત કે કાશ્મીરી ઓળખ જાળવી રાખવા માટે અનુચ્છેદ ૩૭૦ આવશ્યક હોવાનું જાહેર કરતા રહી તેનો ઉપયોગ લોકલાગણીને ઉશ્કેરવામાં કર્યો તો બીજી તરફ, આ જ જોગવાઈનો ઉપયોગ તેમણે રાજકીય સત્તા મેળવવા અને જાળવવા માટે પણ કર્યો હતો. તેમણે મોટા ભાગે આ સત્તાનો ઉપયોગ રાજ્યના સર્વાંગી વિકાસ માટેના બણગાં ફૂંકતા રહીને પોતાની તિજોરીઓ ભરવા જ કર્યો હતો.

ગત ૭૦થી વધુ વર્ષના સમયગાળામાં આ જોગવાઈએ કાશ્મીરીઓમાં અલગાવવાદી માનસિકતાના નિર્માણમાં જ મદદ કરી છે અને દેશના બાકીના વિસ્તારો સાથે કાશ્મીરના સંપૂર્ણ ઐક્ય (માનસિક અને ભૌગોલિક)ને અટકાવ્યું છે. આના પરિણામે, રાજ્યમાં અવારનવાર રાજકીય અશાંતિ અને અસ્થિરતાનો અનુભવ થતો રહ્યો છે. પાકિસ્તાને આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી ૧૯૮૯-૯૦માં હિંસક બળવાખોરીને ઉત્તેજન આપ્યું હતું, જે દાવાનળ અત્યારે પણ ભભૂકે છે. પાકિસ્તાને ધીરે ધીરે કાશ્મીરમાં સશસ્ત્ર બળવાખોરીનો દોર કટ્ટરવાદી ઈસ્લામવાદીઓના હાથમાં સોંપી દીધો, જેમણે આ બંડખોરીને જેહાદમાં પલટાવી દીધી હતી. જેહાદીઓએ પોતાની ફિલોસોફી અનુસાર કાશ્મીર ખીણનું ઈસ્લામીકરણ કરવા નિર્ણય કર્યો હોવાથી આ સશસ્ત્ર બળવાખોરીની સૌથી વિપરીત અસર કાશ્મીરની મૂળ નિવાસી વસ્તી, કાશ્મીરી પંડિતોએ સહન કરવી પડી છે.

બીજી તરફ, આર્ટિકલ ૩૫એને પાર્લામેન્ટમાં કોઈ પ્રકારની ચર્ચા વિના, કેબિનેટમાં વિચારણા વિના અને માત્ર રાષ્ટ્રપતિના અધ્યાદેશ થકી બંધારણમાં છાની રીતે સ્થાન આપી દેવાયું હતું. આ જોગવાઈમાં રાજ્યના કાયમી નિવાસીના દરજ્જા તેમજ તેમના વિશેષાધિકારોની વ્યાખ્યા કરવામાં આવી હતી.

આ રાજ્યનો નાગરિક ન હોય તેવા કોઈને અહીં સંપત્તિના માલિક બનવાનો અધિકાર મળ્યો ન હોવાથી જમ્મુ અને કાશ્મીરમાં કોઈ પ્રકારના રોકાણો થતાં ન હતાં. અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એના કારણે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, સામાજિક વિકાસ, રોજગારી, ઉદ્યોગો સહિત વિકાસના તમામ પરિબળો પર વિપરીત અસરો પડી હતી. ખુદ કાશ્મીરીઓએ આર્ટિકલ ૩૭૦ના કારણે સહન કરવું પડ્યું હતું. ભારતના ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે,‘અનુચ્છેદ નાબૂદ કરાયાથી રાજ્ય વિકાસના માર્ગે આગળ વધશે અને ટુંકા સમયમાં જમ્મુ અને કાશ્મીર ભારતનું સૌથી વધુ વિકસિત રાજ્ય બનશે.’

અહીં એ બાબતનો ઉલ્લેખ કરવો પણ જરૂરી ગણાશે કે આર્ટિકલ ૩૭૦ રદ કરવાનો વિરોધ કરનારાઓ રાજ્યના ભૌગોલિક વિસ્તારના માત્ર ૧૬ ટકા વિસ્તારમાં વસે છે અને કુલ વસ્તીનો માત્ર ૪૦ ટકા હિસ્સો છે. આ સિવાયના અન્ય લોકો તરફથી તેને ભારે સમર્થન પ્રાપ્ત થયું જ છે. જમ્મુ અને કાશ્મીર સંબંધિત આ બિલમાં અન્ય જોગવાઈ દરેક વિસ્તારની આગવી અને વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્યનું વિભાજન કરવા સંબંધિત હતી. કાશ્મીર અને જમ્મુ હવે રાજ્ય વિધાનસભા ધરાવનારા કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. આ જ રીતે લડાખ પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે પરંતુ, તેમાં રાજ્ય વિધાનસભા નહિ રહે. ઘણા લાંબા સમયથી લડાખ પ્રદેશના લોકો, મુખ્યત્વે બૌદ્ધ અને મુસ્લિમોની ગંભીર ફરિયાદ એ રહી હતી કે તેમના પર કાશ્મીરી રાજકારણીઓ લાદી દેવાય છે, જેઓના હાથમાં હંમેશાં સત્તા રહે છે. નાના મુદ્દાઓના ઉકેલ માટે પણ તેમણે રાજધાની શ્રીનગર/જમ્મુ, જો ઉનાળો હોય તો રાજધાની શ્રીનગરમાં અને શિયાળો હોય તો જમ્મુમાં જવાની ફરજ પડે છે. લેહ અને શ્રીનગર વચ્ચેનો માર્ગ વર્ષમાં લગભગ છ મહિના સુધી કામમાં રહેતો ન હોવાથી લડાખવાસીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળવાથી તેમના મોટા ભાગના મુદ્દા-પ્રશ્નો સ્થાનિક રીતે જ ઉકેલાઈ શકશે. આ ઉપરાંત, દિલ્હી સાથે સીધો સંપર્ક રહેવાના કારણે લડાખનો વિકાસ પણ ઝડપી બનશે.

મારા મત અનુસાર તો મોદી સરકાર દ્વારા લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયો ઘણા સમય અગાઉ જ લેવાઈ જવા જોઈતા હતા. તેના દ્વારા રાજ્યમાં શાંતિની પુનઃ સ્થાપનાને તેમજ વિકાસની ઝડપી ગતિના માર્ગ પર આગેકૂચ કરવામાં મદદ મળશે.

(કર્નલ તેજ કુમાર ટિકુ (નિવૃત્ત), પીએચડી, કાશ્મીર તેમજ સંરક્ષણ બાબતોના નિષ્ણાત હોવા સાથે ઓલ ઈન્ડિયા કાશ્મીરી સમાજના પ્રમુખ છે. તેઓ કાશ્મીરી પંડિતોની દુર્દશાના દસ્તાવેજ સમાન પુસ્તક ‘Kashmir: Its Aboriginees and their Exodus’ના લેખક છે. ૧૯૫૦માં શ્રીનગરમાં જન્મેલા ટિકુ શાળા અને કોલેજના અભ્યાસ પછી ભારતીય આર્મીમાં જોડાયા હતા. તેમણે બાંગ્લાદેશને આઝાદ કરાવતા ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. તેમણે પોતાની ૩૪ વર્ષની લશ્કરી સેવાનો મોટો હિસ્સો જમ્મુ અને કાશ્મીરની લાઈન ઓફ કંટ્રોલ પર અથવા વિદ્રોહ સામે લડવામાં ગાળ્યો છે. કર્નલ ટિકુ પ્રતિષ્ઠિત ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજના સ્નાતક છે અને આર્મી વોર કોલેજમાં ઈન્સ્ટ્રક્ટર રહી ચુક્યા છે. મદ્રાસ યુનિવર્સિટીમાંથી ડિફેન્સ સ્ટડીઝમાં એમ.એસસી અને પીએચડી કર્નલ ટિકુ ૨૦૦૪માં નિવૃત્ત થયા છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter