શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ૧૨મી ફેબ્રુઆરીએ પાછો મોટો આતંકવાદી હુમલો થયો હતો. ત્રણ દિવસમાં બીજી વખત આવો હુમલો થયો છે. પહેલો હુમલો ૧૦મી ફેબ્રુઆરી, શનિવારે જમ્મુના સુંજુવાનમાં આવેલા આર્મી કેમ્પ ઉપર થયો હતો. સુંજુવાનમાં આતંકીઓન માટેનું સર્ચ ઓપરેશન ચાલુ હતું ત્યાં સોમવારે શ્રીનગરના સીઆરપીએફ કેમ્પ ઉપર આતંકવાદીઓએ બીજો હુમલો કર્યો હતો. સુંજુવાન હુમલા બાદ શ્રીનગરમાં થયેલા હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાએ લીધી છે. જોકે શ્રીનગરમાં જવાનોએ આતંકીઓને કેમ્પમાં ઘૂસતાં રોકતાં બંને આતંકીઓ એક મકાનમાં ઘૂસી ગયા હતા. આ અથડામણમાં એક જવાન શહીદ થયો હતો. જવાનો આતંકીઓ સામે લડી રહ્યા હતા ત્યારે દેશના સૈનિકોને સ્થાનિકોના પથ્થરમારો પણ સહન કરવો પડ્યો હતો.
સંજુવાનમાં પાંચ જવાન શહીદ
શનિવારે સુંજુવાન કેમ્પ પરના હુમલામાં ભારતના ૫ જવાન શહીદ થયાં હતાં. જ્યારે ૪ આતંકીઓને ઠાર મરાયા હતા. ભારતીય સેનાએ જણાવ્યું છે કે પાકિસ્તાનની શેહ વગર આવા હુમલા શક્ય નથી. સુંજુવાનમાં માર્યા ગયેલા આતંકીઓ પાસેથી અસોલ્ટ રાઈફલ, યૂબીજીએલ અને ગ્રેનેડ મળી આવ્યાં હતાં. જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વૈધના જણાવ્યા પ્રમાણે સુરક્ષા એજન્સીઓને આતંકવાદીઓની વાતચીત ટેપ કરવામાં સફળતા મળી હતી. આ તમામ બાબતો જૈશ-એ-મહમ્મદ તરફ ઈશારો કરતી હતી. પાકિસ્તાને ભારતના આરોપોને ફગાવી દીધા છે.
પાકિસ્તાનનો આરોપ
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય કહે છે કે, ભારત હંમેશાં યોગ્ય તપાસ વગર બિનજવાબદારીપૂર્વકનું નિવેદન આપે છે. અમને વિશ્વાસ છે કે કાશ્મીરમાં અત્યાચાર અને માનવાધિકારોનું ઉલ્લંઘન રોકવા આંતરરાષ્ટ્રિય સમુદાય ભારત પર દબાણ વધારશે. પાકિસ્તાને ઉપરથી ભારત પર આરોપ લગાવ્યો છે કે કાશ્મીરમાં ચાલતા સશસ્ત્ર વિદ્રોહને નિયંત્રિત કરવાના આચરવામાં આવતી ક્રૂરતા તરફથી ધ્યાન હટાવવા માટે ભારત આમ કરી રહ્યું છે. ઉપરાંત પાકિસ્તાને એલઓસી પાર કરી કોઈ પણ પ્રકારની વળતી કાર્યવાહીને લઈને પણ ભારતને ચેતવ્યું છે.
સુબેદાર શસ્ત્ર વગર લડ્યો
જમ્મુ કાશ્મીરમાં આધુનિક શસ્ત્રો સાથે ઘૂસી ગયેલા આતંકીઓને જોઇને સુબેદાર મદનલાલ ચૌધરીએ તેમને ખાલી હાથે પડકાર્યા હતા અને આતંકીઓને પરસેવો લાવી દીધો હતો. આતંકીઓ વધુ ખુવારી કરે તે પહેલા જ તેમને ઘેરી લેવામાં સેનાના જવાનોને તેમણે મદદ કરી હતી.
૫૦ વર્ષે પણ એક યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે મદનલાલ પોતાના પરિવારને બચાવવા આતંકીઓને પડકારીને તેમની સામે પહોંચી ગયા હતા. તેમણે આતંકીઓના એકે-૪૭માંથી નીકળેલી અનેક ગોળીઓ પોતાની છાતીમાં ઝીલી લીધી હતી અને શહીદ થયા હતા. આ તેમની બહાદુરી અને સૂઝ હતી કે તેમણે આતંકીઓને પોતાના પરિવાર સુધી પહોંચવા દીધા ન હતા અને પાછલા બારણેથી સભ્યોને બહાર કાઢીને પ્રવેશદ્વાર બંધ કરીને આતંકીઓને રોકી રાખ્યા હતા. જોકે ચૌધરીની ૨૦ વર્ષની પુત્રીને પગમાં ગોળી વાગી હતી, તેમના ભાભી પરમજીતને નજીવી ઇજા થઇ હતી.
પાક. સજા ભોગવશેઃ સીતારામન
ભારતના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને હુમલાઓ અંગે જણાવ્યું છે કે પાકિસ્તાન પાપની સજા ભોગવશે. હવે ગમે ત્યારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાશે. આ માટે કાશ્મીર સરકાર સાથે પણ વાતચીત કરવામાં આવશે. અગાઉ ગૃહ પ્રધાન રાજનાથ સિંહે પણ કહ્યું હતું કે એક પણ ભારતીયનું માથું ઝૂકવા નહીં દઈએ. જોકે, તેમના આ નિવેદનના બીજા જ દિવસે કાશ્મીરમાં આતંકીઓએ ફરી હુમલો કર્યો છે. નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં બેઠેલો અઝહર મસુદ આ બધા હુમલા કરાવી રહ્યો છે.