જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લાના નેતૃત્વમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસની યુતિ સરકાર

Wednesday 09th October 2024 04:29 EDT
 
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનને 49 બેઠકો મળી છે. યુતિમાં સામેલ નેશનલ કોન્ફરન્સ (એનસી)ને સૌથી વધુ 42, કોંગ્રેસને 6 જ્યારે સીપીઆઇ (એમ)ને એક બેઠક મળી છે. કુલ 90 સભ્યોના વિધાનસભા ગૃહમાં સરકાર બનાવવા માટે 46 બેઠકો જરૂરી હતી.
રાજ્યમાંથી કલમ 370ને નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય કરનાર ભાજપે 29 બેઠકો જીતી છે. છેલ્લી ચૂંટણીની સરખામણીમાં પાર્ટીને ચાર બેઠકોનો ફાયદો થયો છે. જોકે, જમ્મુ અને કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિન્દર રૈના નૌશેરા સીટ પરથી નેશનલ કોન્ફરન્સ ઉમેદવાર સામે લગભગ8000 મતોથી હારી ગયા છે. આ પરાજય બાદ તેમણે પોતાનું રાજીનામું પાર્ટી હાઈકમાન્ડને મોકલી આપ્યું છે.
પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પાર્ટી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ને માત્ર 3 બેઠકો મળી છે. ગત ચૂંટણીમાં પાર્ટીને 28 બેઠકો મળી હતી. મહેબૂબાની પુત્રી ઇલ્તિજા મુફ્તી જે પહેલીવાર ચૂંટણી લડી રહી હતી, તે શ્રીગુફવારા બિજબેહરા બેઠક પરથી 9000 કરતાં વધુ મતોથી હારી ગઈ છે.
રાજ્યમાં ‘આપ’નો પહેલો વિજય
જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટીએ પહેલી વાર જીત નોંધાવી છે. ડોડા બેઠક પરથી મેહરાજ મલિકે ભાજપના ગજયસિંહ રાણાને 4500 કરતાં વધુ મતોથી હરાવ્યા. જ્યારે પીપલ્સ કોન્ફરન્સે એક સીટ જીતી. સાત બેઠક પર અપક્ષોનો વિજય થયો છે. સંસદ પર હુમલાના આરોપી અફઝલ ગુરુના ભાઈ એજાઝ ગુરુને સોપોર બેઠક પર માત્ર 129 મત મળ્યા હતા.
ઓમર બન્ને બેઠક પર જીત્યા
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના આગામી મુખ્ય પ્રધાન હશે. શપથ ગ્રહણ સમારોહ 11 કે 12 ઓક્ટોબરે થઈ શકે છે. ઓમર અબ્દુલ્લાએ બે બેઠકો (બડગામ અને ગાંદરબલ) પર ચૂંટણી લડી હતી અને બંને બેઠકો પર પીડીપીના ઉમેદવારોને હરાવ્યા હતા.
સરેરાશ 63.88 ટકા મતદાન
જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 3 તબક્કામાં 63.88 ટકા મતદાન થયું હતું. 10 વર્ષ પહેલા 2014માં યોજાયેલી ચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું. આ વખતે 1.12 ટકા ઓછું મતદાન થયું હતું. 5 ઓક્ટોબરે જાહેર કરાયેલા એક્ઝિટ પોલમાં 5 સર્વેએ નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ સરકારની આગાહી કરી હતી, જ્યારે પાંચ સર્વેમાં ત્રિશંકુ વિધાનસભાનો દાવો કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરના બે પ્રદેશઃ એકમાં ભાજપ, બીજામાં એનસીનું વર્ચસ્વ
• જમ્મુ પ્રદેશ: ભાજપે 43માંથી 29 બેઠકો જીતી છે, જોકે કાશ્મીરમાં ખાતું ન ખુલ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 43 બેઠકો છે અને 47 કાશ્મીરમાં છે. ભાજપે જમ્મુ ક્ષેત્રની તમામ 43 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 29 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપે કાશ્મીર ક્ષેત્રની 47 બેઠકો પર 20 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. અહીં ભાજપનું ખાતું પણ ખોલી શકાયું નથી. ગુરેઝ બેઠક પરથી અપેક્ષા હતી. ફકીર મોહમ્મદ ખાન અહીંથી ભાજપના ઉમેદવાર હતા. ફકીર મોહમ્મદ 28 વર્ષ પહેલા 1996માં ગુરેઝથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પછી તેઓ કોંગ્રેસમાં ગયા અને હારી ગયા. આ વખતે પણ તેઓ ભાજપથી હાર્યા છે.
• કાશ્મીર પ્રદેશ: કાશ્મીરમાં મજબૂત નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું જોડાણ પહેલેથી જ મજબૂત હતું. નેશનલ કોન્ફરન્સની 42 બેઠકોમાંથી કાશ્મીર ક્ષેત્રમાંથી 35થી વધુ બેઠકો જીતી છે. કોંગ્રેસે કાશ્મીર વિભાગમાંથી પણ 6 બેઠકો જીતી છે. 2014માં બંને પક્ષોએ 27 બેઠકો જીતી હતી. આ વખતે ગઠબંધનનો આંકડો બહુમતને પાર કરી ગયો છે. આ ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે 51 અને કોંગ્રેસે 32 સીટો પર ચૂંટણી લડી હતી.
7 બેઠકો પર મૈત્રીપૂર્ણ લડાઈ
નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો સાથે મળીને જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી લડ્યા હતા. જોકે, 7 બેઠકો એવી હતી જ્યાં બંને પક્ષો વચ્ચે મૈત્રીપૂર્ણ લડાઈ હતી. બંને પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
આ સાત બેઠકો બનિહાલ, ડોડા, ભદરવાહ, નગરોટા, સોપોર, બારામુલ્લા અને દેવસર હતી. આ સાત બેઠકોમાંથી એનસીને ચાર, ભાજપને બે અને આપને એક બેઠક મળી છે. કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી.
નેશનલ કોન્ફરન્સને અભિનંદન, ભાજપના પ્રદર્શન પર ગર્વઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિણામો જાહેર થયા બાદ કહ્યું હતું કે હું નેશનલ કોન્ફરન્સને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં જીત બદલ અભિનંદન આપું છું. જમ્મુ-કાશ્મીરમાં ભાજપના પ્રદર્શન પર મને ગર્વ છે. હું એ તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું જેમણે અમારી પાર્ટીને મત આપ્યો અને અમારામાં વિશ્વાસ મૂક્યો. હું લોકોને ખાતરી આપું છું કે અમે જમ્મુ-કાશ્મીરના કલ્યાણ માટે કામ કરવાનું ચાલુ રાખીશું. હું
અમારા કાર્યકરોના મહેનતુ પ્રયાસોની પણ પ્રશંસા કરું છું. અમિત શાહે કહ્યું ભાજપે જમ્મુ-કાશ્મીરમાં ટકાવારીમાં સૌથી વધુ મત મેળવ્યા છે.
કેન્દ્ર સરકારે પરિણામમાંથી બોધપાઠ લેવો જોઈએઃ મહેબૂબા
પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, કેન્દ્રએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના નિર્ણયમાંથી પાઠ શીખવો જોઈએ અને આવનારી નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ સરકારની બાબતોમાં દખલ ન કરવી જોઈએ. તેમણે નેશનલ કોન્ફરન્સના નેતૃત્વને જીત પર અભિનંદન આપ્યા અને કહ્યું કે તેમની પાર્ટી વિપક્ષની ભૂમિકા ભજવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter