શ્રીનગરઃ પ્રખ્યાત ડલ તળાવમાં કિનારે સાંજનું દૃશ્ય ખૂબ જ મનમોહક હોય છે. પાણી પર શિકારા હળવેહળવે વહી રહ્યા છે અને બદલાઈ રહેલા કાશ્મીરની કહાણી કહી રહ્યા છે. 2019માં કલમ 370 દૂર કરી છે ત્યારથી સ્થાનિક લોકો આ પરિવર્તનને રાજકીય, આર્થિક અને સામાજિક રીતે અનુભવી રહ્યા છે. શિકારાના માલિક અનીસ અહેમદ કહે છે, ‘કલમ 370 દૂર કરાયા પછી પ્રવાસીઓની સંખ્યામાં સારોએવો વધારો થયો છે. સ્થિતિ સુધરી છે. લોકો ડર્યા વિના કાશ્મીર આવે છે.’ તળાવના કિનારે ચા વેચતા ઝુબૈર મીર કહે છે, ‘અહીં પહેલાં ભાજપ નહોતો પણ હવે છે.’ પણ શું ભાજપ જંગમાં છે? તેવા સવાલનો ફિરદોસ લોને જવાબ આપ્યો, ‘જંગ તો કોંગ્રેસ- એનસી જોડાણ અને પીડીપી વચ્ચે છે પરંતુ ભાજપ એ જંગ નબળી પાડી રહ્યો છે.
પણ કેવી રીતે? આ સવાજનો જવાબ આપતા એમ્પોરિયમ શોપ ચલાવનારા એક યુવાને કહ્યું, પહેલા તબક્કામાં કાશ્મીરની 24માંથી જે 16 બેઠક પર ચૂંટણી યોજાવાની છે, તેમાં 8 પરથી જ ભાજપ ચૂંટણી લડે છે. બાકી પર તે બીજાને લડાવે છે. પીડીપીનાં મહેબૂબા મુફ્તી અને એનસીના ઉંમર અબ્દુલ્લા ભાજપ પ્રેરિત ગણાય છે. એ અપક્ષ ઉમેદવારો તરફ આ યુવાનનો ઇશારો હતો. આ વખતે અપક્ષ ઉમેદવારો જૂની પાર્ટીઓનો ખેલ બગાડી શકે છે.
જમ્મુ યુનિવર્સિટીનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા રેખા ચૌધરી કહે છે ‘અહીં દરેક બેઠકનો મિજાજ નોખો છે. કોઈ એક પક્ષને બહુમત મળવાની આશા ઓછી છે. વધુ બેઠકો જીતીને પછી તોડજોડનું રાજકારણ રમીને સરકાર રચવાનું પક્ષોએ વિચારી રાખ્યું છે. એટલે જ એકેય પક્ષ મુખ્યમંત્રીનો દાવેદાર જાહેર કરી શક્યો નથી. સીમાંકને મોટા ભાગની બેઠકોની ભૂગોળ બદલી નાખી છે. એવામાં ચૂંટણીના ઈતિહાસ અને ટ્રેન્ડનું પણ બહુ મહત્ત્વ નથી રહેતું.’
કાશ્મીરની ખીણ અને કેન્દ્રીય તથા ઉત્તરના ભાગો પર એનસીનો ખાસ્સો પ્રભાવ છે. ગાંદરબલ, હઝરતબલ, ખાનયાર અને સોનાવારી જેવી બેઠકો એનસીનો ગઢ ગણાય છે. પીડીપી દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ, પુલવામા, શોપિયાં અને કુલગામમાં 2002 પછીથી મજબૂત છે.
જમ્મુ એ ભાજપના ગઢ ગણાય છે. જમ્મુ પશ્ચિમ, કઠુઆ, ઉધમપુર અને સાંબા ભાજપના મજબૂત વિસ્તારો છે. રાજૌરી-પૂંછમાં એસટી સમાજ અને મહત્ત્વની સ્વિંગ બેઠકો છે.
અનામતના નવા નિયમોમાં ગુજ્જર-બકરવાલ અને પહાડી સમાજોમાં પ્રતિસ્પર્ધા પરિણામોને અસર પહોંચાડી શકે છે. કાશ્મીરની અનેક બેઠકો પીડીપી અને એનસી વચ્ચે ફસાયેલી છે અને એટલે એ પરંપરાગત સ્વિંગ વિસ્તાર છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ છે.
કાશ્મીરમાં એનસી, પીડીપી અને કોંગ્રેસ મુસ્લિમ મતોને આકર્ષવા માટે તેમની સાંસ્કૃતિક અને ધાર્મિક સુરક્ષાને પ્રાથમિકતા આપી રહી છે. જમ્મુમાં ભાજપ અને અન્ય સ્થાનિક પક્ષો હિંદુ મતદારો માટે અલગતાવાદ અને આતંકવાદ મુદ્દે પ્રહાર કરી રહ્યા છે.
ચૂંટણીમાં 3 મોટાં પરિબળ
• નવું સીમાંકન જમ્મુ માટે તો લાભલાયી છે પરંતુ કાશ્મીરમાં રાજકીય અસ્થિરતા છે. • નવા અને યુવા મતદારોની વધતી 4 સંખ્યાએ ચૂંટણીનું ચિત્ર બદલ્યું. • રાજકીય યુતિ અને પક્ષોની રણનીતિ પણ ઘણોખરો મદાર.