નવી દિલ્હીઃ રાજ્યને વિવાદાસ્પદ વિશેષાધિકારો આપતી કલમ 370ની નાબૂદીના પાંચ વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત લોકતંત્ર ધબકતું થયું છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વખત રાજ્યમાં એક ધ્વજ - એક બંધારણ તળે વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી, જેમાં નેશનલ કોન્ફરન્સ (એનસી) અને કોંગ્રેસ યુતિએ સ્પષ્ટ બહુમતી મેળવી છે. કુલ 90 બેઠકો ધરાવતા વિધાનસભા ગૃહમાં ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સે (એનસી) 42, ભાજપે 29, કોંગ્રેસે 6, મહેબૂબા મુફ્તીની પીડીપીએ માત્ર 3 અને અપક્ષે 10 બેઠકો જીતી છે. કલમ 370ની નાબૂદી બાદ પહેલી વખત ચૂંટણી યોજાઇ રહી હોવાથી દુનિયાભરના શાસકોથી માંડીને રાજદ્વારી વિશ્લેષકો અને મીડિયાની જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પર નજર હતી.
રાજ્યમાંથી વિવાદાસ્પદ કલમ 370ની નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય કરનાર ભાજપ સત્તાથી વંચિત રહ્યો છે, પરંતુ તે 29 બેઠકો સાથે રાજ્યમાં બીજા ક્રમે સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે. ભાજપની નેતાગીરી જમ્મુ-કાશ્મીરની આ વખતની ચૂંટણી લિટમસ ટેસ્ટ સમાન હતી. પક્ષ ભલે રાજ્યમાં સત્તાથી વંચિત રહ્યો, પરંતુ 29 બેઠકો જીતીને બીજા ક્રમે સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે. આ દર્શાવે છે કે રાજ્યના મતદારોનો વિશાળ વર્ગ કલમ 370ની નાબૂદીને આવકારે છે. કલમ 370ની નાબૂદીએ રાજ્યમાં દસકાઓથી વસતાં હજારો લોકોને મતાધિકાર આપ્યો છે, સરકારી નોકરી મેળવવાની તક આપી છે, જમીન ખરીદવાનો હક આપ્યો છે.
હરિયાણામાં એક્ઝિટ પોલ ખોટા ઠર્યા
જમ્મુ-કાશ્મીરમાં સંતોષકજનક દેખાવ કરનાર ભાજપે હરિયાણામાં સ્પષ્ટ બહુમતી સાથે જ્વલંત વિજય મેળવ્યો છે. કોંગ્રેસના વિજયની આગાહી કરતા તમામ એક્ઝિટ પોલના તારણથી એકદમ વિપરિત રાજ્યમાં ફરી એક વખત કેસરિયો છવાયો છે. 90 વિધાનસભા બેઠકો ધરાવતા રાજ્યમાં શાસક ભાજપે 48 બેઠકો જીતીને વિજયની હેટ્રિક નોંધાવી છે. કોંગ્રેસે 37 બેઠકો સાથે બીજા ક્રમે રહી છે. તો પાંચ બેઠકો અન્યોના ફાળે ગઇ છે.
(વિશેષ અહેવાલ પાન-17)