શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં 40 બેઠકો પર 65.58 ટકા મતદાન થયું છે. સાત જિલ્લાના 39 લાખથી વધુ મતદારોને આવરી લેતા ત્રીજા તબક્કામાં જમ્મુ વિભાગની 24 અને કાશ્મીર ખીણની 16 બેઠકોનો સમાવેશ થતો હતો. ભૂતકાળમાં આતંકવાદના ખોફથી જે મતદાન મથકો ખાલીખમ જોવા મળતાં હતા ત્યાં આ વખતે મતદારોની લાંબી કતારો જોવા મળતી હતી. કુલ 90 વિધાનસભા બેઠકો ધરાવતા રાજ્યમાં આઠમી ઓક્ટોબરે ચૂંટણી પરિણામો જાહેર થશે. રાજ્યને વિશેષાધિકારો આપતી વિવાદાસ્પદ કલમ 370ની નાબૂદીના પાંચ વર્ષ બાદ યોજાયેલી આ ચૂંટણી પર દુનિયાભરની નજર હતી અને પાક.પ્રેરિત આતંકવાદનો ખતરો પણ મંડરાતો હતો. જોકે ભારતીય ચૂંટણી પંચના સુચારુ આયોજને અને ભારતીય સુરક્ષા દળોના ચાંપતા બંદોબસ્તે આતંકીઓના મનસુબા પર પાણી ફેરવી દીધું છે.
આશંકાથી વિપરિત રાજ્યમાં ક્યાંય પણ કોઇ પણ સ્થળે અલગતાવાદી તત્વો કે આતંકવાદી પરિબળો ચૂંટણી પ્રક્રિયા ખોરવી શક્યા નથી કે તેમાં ખલેલ પાડી શક્યા નથી. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર 58 ટકા જ્યારે બીજા તબક્કામાં 26 બેઠકો પર 57 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કા દરમિયાન 15 દેશોના પ્રતિનિધિઓએ રાજ્યની મુલાકાત લઇને ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.
હજારો દલિત પરિવારોનું પ્રથમ વખત મતદાન
જમ્મુ-કાશ્મીરની િવધાનસભા ચૂંટણી આ વખતે ઘણી દૃષ્ટિએ અલગ છે. લદાખ હવે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, આર્ટિકલ 370 અને 35એ હવે ઇતિહાસનો ભાગ છે અને જમ્મુ-કાશ્મીર પણ હાલ એક પૂર્ણ રાજ્ય નથી. એટલું જ નહીં આ સિવાય એક મહત્ત્વની વાત એ છે કે પહેલી વખત એવા હજારો લોકોને મતદાન કરવાની તક મળશે જે અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં માત્ર મૂકદર્શક હતા.
આ લોકો અહીં 7 દાયકાથી વસેલા છે પરંતુ અત્યાર સુધી તે કોઈ ચૂંટણીનો ભાગ નહોતા. આ તે લોકો છે જે 1947માં ભારતના ભાગલા બાદ પાકિસ્તાનથી અહીં આવીને વસ્યા હતા.
આમાંથી મોટાભાગના લોકો જમ્મુ, કઠુઆ, રાજૌરી જેવા જમ્મુ-કાશ્મીરના જિલ્લામાં જઈને વસ્યા હતા. 1947માં આવેલા આ લોકોને અત્યાર સુધી નાગરિકતા જ મળી શકી નહોતી અને 5764 પરિવારોને કેમ્પમાં રહેવું પડતું હતું. સરકારી, ખાનગી નોકરી કે પછી કોઈ પણ સંગઠિત રોજગાર તે કરી શકતા નહોતા. ચૂંટણીમાં ભાગ લેવાનો તેમને અધિકાર નહોતો. તેથી કોઈ પણ પ્રકારનું દબાણ બનાવવાની સ્થિતિમાં પણ તે નહોતા. આર્ટિકલ 370 દૂર થતાં આ લોકો માટે આશાનું કિરણ ખીલ્યું. તેમને નાગરિકતા મળી, જમીન ખરીદવા, નોકરીનો અધિકાર મળ્યો અને તે લોકતંત્રનો ભાગ બન્યા.
સપ્ટેમ્બરમાં 14 આતંકી ઠાર
વિધાનસભા ચૂંટણી વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ભય ફેલાવવાનું આતંકવાદી ષડ્યંત્ર સેનાએ ફરીથી નિષ્ફળ કર્યું છે. કાશ્મીરના કુલગામ જિલ્લામાં અદિગામ ગામમાં શનિવારે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી, તેમાં બે આતંકી ઠાર કરાયા હતા, જ્યારે એક પોલીસ અધિકારી અને સેનાના 4 જવાન ઘવાયા હતા. આમ ચૂંટણીના સમયગાળાની કાર્યવાહી દરમિયાન કુલ 14 આતંકી ઠાર મરાયા છે.