શ્રીનગર: વડા પ્રધાન મોદી સાથે દિલ્હીમાં બેઠક બાદ જમ્મુ-કાશ્મીર પાછા ફરેલા રાજ્યના નેતાઓએ શનિવારે પત્રકારો સાથે ચર્ચા કરી હતી. જેમાં નેશનલ કોન્ફરન્સ(એનસી)ના પ્રમુખ ફારુક અબ્દુલ્લાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકોમાં અવિશ્વાસ વ્યાપી ગયો છે અને તેને દૂર કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે.
એનસી નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાહે પણ ચૂંટણીથી પહેલા રાજ્યનો દરજ્જો પાછો માગ્યો છે. ઓમરે કહ્યું કે અમે સીમાંકન અને ચૂંટણીને લઇને કેન્દ્રની ટાઈમલાઈન સાથે સંમત નથી. કેન્દ્ર સરકાર પહેલા જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપે. તેના પછી જ ચૂંટણી યોજાય. તેમણે કહ્યું કે અમે હજુ કલમ ૩૭૦ અને ૩૫એ બહાલ કરવાની માગ છોડી નથી. પણ કેન્દ્રમાં હાલ જે સરકાર છે તેનાથી આશા રાખવી મુર્ખામી ગણાશે. અમે સીમાંકન અને રાજ્યનો દરજ્જો અને પછી ચૂંટણી ઈચ્છીએ છીએ.
પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ પણ કહ્યું કે હું જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ બહાલ નહીં થાય ત્યાં સુધી ચૂંટણી નહીં લડું. આ નેતાઓએ એ અટકળોને ફગાવી હતી કે મોદી સાથે બેઠક બાદ પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન ખતમ થઇ ગયું છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન સાથેની બેઠક પહેલાં નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ મહેબૂબાના નિવેદનથી છેડો ફાડતા કહ્યું હતું કે, અમે અમારી વાત વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સમક્ષ રજૂ કરીશું. આ બેઠક અંગે કોઈ એજન્ડા નથી. અમારી ઈચ્છાનો કોઈ સવાલ નથી. અમે તો આકાશ ઈચ્છીએ છીએ. પરંતુ પહેલા અમે વડા પ્રધાન મોદી સાથે વાત કરીશું.
પાક. અંગે મહેબૂબાના નિવેદનથી છેડો ફાડતાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે આ તેમનો એજન્ડા છે. અમે અલગ પક્ષ છીએ. અમે અમારા વતનની વાત કરીએ છીએ અને હું પાકિસ્તાન વગેરેની વાત નથી કરતો. અબ્દુલ્લાના નિવેદનથી ગુપકર સંગઠનમાં ભંગાણના સંકેતો મળે છે.
નહેરુના વાયદાની યાદ અપાવી
ફારુક અબ્દુલ્લાહે કહ્યું કે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ જમ્મુ-કાશ્મીરના લોકોને જનમત સંગ્રહનો વાયદો કર્યો હતો. તત્કાલીન વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવે ૧૯૯૬ની ચૂંટણી પહેલા લોકસભામાં જમ્મુ-કાશ્મીરને સ્વાયત્તતાનો વાયદો કર્યો હતો. ફારુકે કહ્યું કે ચૂંટણી પહેલા નરસિંહ રાવજીએ અમને સ્વાયત્તતાનો વાયદો કરતા કહ્યું હતું કે આકાશ સરહદ છે પણ સ્વતંત્રતા નથી. અમે કહ્યું કે અમે ક્યારેય સ્વતંત્રતા માગી નથી, અમે સ્વાયત્તતા માગી છે. તેમણે અમને ગૃહના પટલમાં વાયદો કર્યો હતો. તેનું શું થયું?
પાંચમી ઓગસ્ટનો નિર્ણય નથી માનતા, પૂર્ણ રાજ્યનો દરજ્જો મળેઃ ઓમર
જમ્મુ-કાશ્મીરના લોકો અને કેન્દ્ર સરકાર વચ્ચે સૌથી પહેલા વિશ્વાસ બેસવો જોઈએ. અમે ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના નિર્ણયને નથી માનતા. સાથે જ જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવો જોઈએ તેમ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આવાસે યોજાયેલી બેઠકમાંથી બહાર આવ્યા પછી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, ‘૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ જે પણ કંઈ થયું, તેનો અમે સ્વીકાર કરવા માટે તૈયાર નથી, પરંતુ અમે કાયદો તોડીશું નહીં. અમે તેની સામે કાયદાકીય રીતે લડીશું. અમે વડા પ્રધાનને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે વિશ્વાસ દૂર થઈ ગયો છે. કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો લોકોને પસંદ નથી. તેઓ પૂર્ણ રાજ્યનો દરજ્જો ઈચ્છે છે. જેકે કેડર ફરી શરૂ થવી જોઈએ. નવા સીમાંકને અનેક શંકાઓ પેદા કરી છે, તેથી તેના પર ફરીથી કામ કરવાની જરૂર છે.'
પાકિસ્તાન સાથે ચર્ચા કાશ્મીરીઓને સંતોષ આપે છેઃ મહેબૂબા મુફ્તી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક પછી પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ ફરીથી કલમ ૩૭૦નો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે સરકારે પાકિસ્તાન સાથે પણ વાત કરવી જોઈએ. પાકિસ્તાન સાથે ચર્ચા થાય ત્યારે કાશ્મીરીઓને સંતોષ થાય છે. બેઠક પહેલાં પણ પીડીપી પ્રમુખે પાકિસ્તાન સાથે વાતચીત કરવા પર ભાર મૂક્યો હતો.
વડા પ્રધાન સાથેની બેઠક સારા વાતાવરણમાં યોજાઈ હતી તેમ કહીને મહેબૂબાએ ઉમેર્યું હતું કે મારી દૃષ્ટિએ પાકિસ્તાન સાથે શસ્ત્રવિરામ થઈ શકે તો અન્ય મુદ્દાઓ પણ વાતચીત થવી જોઈએ. બેઠક પહેલાં તેમણે કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પણ એક પક્ષકાર છે અને તેની સાથે વાતચીત થવી જોઈએ. જોકે, મહેબૂબાના આ નિવેદન પછી જમ્મુમાં લોકો તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મહેબૂબા મુફ્તીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરતાં દેખાવો કર્યા હતા.
પૂર્ણ રાજ્ય, વિધાનસભા ચૂંટણી, રોજગારીની માગ કરીઃ આઝાદ
વડા પ્રધાન મોદી સાથે બેઠક પછી કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, તેમના તરફથી વડા પ્રધાન સમક્ષ પાંચ માગણી કરવામાં આવી છે, જેમાં તુરંત પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાથી લઈને વિધાનસભા ચૂંટણીનો સમાવેશ થાય છે. આઝાદે કહ્યું કે હવે જમ્મુ-કાશ્મીરને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો જોઈએ. હવે કાશ્મીર ખીણમાં સ્થિતિ અનુકૂળ છે. સરહદે શાંતિ છે. એવામાં હવે આ પગલું લઈ લેવું જોઈએ. તેમણે કાશ્મીરી પંડિતોનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે કાશ્મીરી પંડિતોનું કાશ્મીરમાં પુનર્વસન થાય તે બધા જ નેતાઓની મૌલિક જવાબદારી છે. તેઓ માને છે કે હજી પણ એવા અનેક કાશ્મીરી પંડિતો છે, જે જમ્મુ-કાશ્મીરથી બહાર રહે છે. એવામાં હવે તેમની ઘરવાપસી થવી જોઈએ. આ સિવાય કોંગ્રેસ તરફથી કેન્દ્રે કાશ્મીરમાં યુવાનોને રોજગારીની ગેરેન્ટી પણ આપવી જોઈએ.