બર્લિન, લંડનઃ કોરોના વાઈરસના કારણે જર્મનીમાં મૃત્યુદર અત્યાર સુધી ઘણો નીચો હતો પરંતુ, સતત બીજા દિવસે નવા ૧૪૯ મોતના કારણે સૌપ્રથમ વખત મૃત્યુદર ૦.૯ ટકાથી વધીને ૧ ટકાથી ઉપર ગયો છે, જે એક સપ્તાહ અગાઉ માત્ર ૦.૪ ટકા અને ૨૦ માર્ચે ૦.૨ ટકા હતો. જોકે, મોટા ભાગના યુરોપીય દેશોની સરખામણીએ જર્મનીનો મૃત્યુદર હજુ નીચો છે. ચાન્સેલર એન્જેલા મર્કેલ ત્રીજી વખત ટેસ્ટ નેગેટિવ આવ્યા છે પરંતુ, ઘરમાં એકાંતવાસમાં જ રહે છે.
બીજી તરફ, બુધવાર પહેલી એપ્રિલે કુલ મોતની સંખ્યા ૭૩૨ થઈ હતી અને એક જ દિવસમાં ચેપગ્રસ્તોની સંખ્યા ૫,૪૫૩ વધીને ૬૭,૩૬૬ થઈ હતી. અગાઉ મંગળવાર ૩૧ માર્ચે મૃતકોની સંખ્યામાં ૧૨૮ અને ચેપગ્રસ્તોની સંખ્યામાં ૪,૬૧૫નો વધારો થયો હતો. ઈટાલીની સરહદ નજીક આવેલા દક્ષિણના બાવેરિયા અને હેડન-વુઅર્ટમબર્ગ રાજ્યોમાં સૌથી વધુ ૪૨૨ મોત નોંધાયાં હતાં. રાજધાની બર્લિનમાં ૨૭૫૪ લોકોને વાઈરસનો ચેપ લાગ્યો છે. વોલ્ફ્સબર્ગના નિવૃત્તિગૃહમાં ૧૭ વૃદ્ધોના મોતનો અહેવાલ છે.
જર્મનીમાં મૃત્યુદર ૧.૧ ટકા છે તેની સરખામણીએ સ્પેન (૮.૭ ટકા), ઈટાલી (૧૧.૭ ટકા), બ્રિટન (૭.૧૧ ટકા) અને ફ્રાન્સ (૬.૮ ટકા) મૃત્યુદર ધરાવે છે. જર્મનીમાં નીચા મૃત્યુદરને વ્યાપક પરીક્ષણો સાથે સાંકળવામાં આવે છે. જર્મની તેના ઘણા પડોશીઓની સરખામણીએ વધુ ઈન્ટેન્સિવ કેર સુવિધાઓ ધરાવે છે. જર્મની રોજના ૨૦૦,૦૦૦ પરીક્ષણો કરવાનું આયોજન ધરાવે છે અને મહામારીને ધીમી પાડવામાં દક્ષિણ કોરિયાની સફળતા ધ્યાનમાં રાખી ફોન ટ્રેકિંગ વિશે પણ વિચારે છે. ૮૩ મિલિયનની વસ્તી સાથેના જર્મનીમાં ફ્રાન્સ અને ઈટાલી જેવા અન્ય યુરોપીય દેશોની સરખામણીએ લોકડાઉન જોગવાઈઓ પ્રમાણમાં હળવી છે પરંતુ, જર્મન મેગેઝિન ફોક્સમાં જણાવાયું હતું કે સરકાર સોશિયલ ડિસ્ટન્સિંગ પગલાને ૧૨ એપ્રિલની ઈસ્ટરની તારીખથી આગળ વધારવા ઈચ્છે છે.