નવી દિલ્હીઃ વર્ષોની કમાણીથી માંડીને માલમિલકત બધું ગુમાવી દીધું છે, પરંતુ જીવ બચી ગયો તે માટે નસીબદાર છીએ... અશાંત અફઘાનિસ્તાનથી ભારત સરકારની વિશેષ વિમાનસેવામાં વતન પહોંચી રહેલા ભારતીયોથી માંડીને અફઘાની હિન્દુઓના આવા શબ્દો થોડામાં ઘણું કહી જાય છે. અફઘાનિસ્તાનમાં તખતાપલટ બાદ ફેલાયેલી અશાંતિ - અરાજક્તામાંથી બહાર નીકળીને ભારત પહોંચેલા આ પ્રવાસીઓ માને છે કે તેમના જેવા ભાગ્યશાળી ભાગ્યે જ કોઇ હશે. તેઓ માને છે કે હવે ત્યાં બધું જ ખતમ થઇ ગયું છે. તેઓ પરમાત્માનો પાડ માનવાની સાથોસાથ ભારત સરકાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇન્ડિયન એરફોર્સનો આભાર માનવાનું ચૂકતા નથી. ભારત પહોંચી રહેલા લોકોમાં રોજગારી અર્થે અફઘાનિસ્તાન ગયેલા ભારતીયોથી માંડીને વર્ષોથી ત્યાં ઠરીઠામ થયેલા ભારતીય પરિવારોનો સમાવેશ થાય છે.
આમાં શીખ સમુદાયના લોકોની સંખ્યા સવિશેષ છે. શીખ બિરાદરો તેમની માલમિલકત ભલે છોડી આવ્યા હોય, પણ પવિત્ર ગુરુગ્રંથ સાહિબને પૂરા માનભેર માદરે વતન લેતા આવ્યા છે. મંગળવારે ભારતીય વાયુસેનાની વધુ બે ફ્લાઇટમાં કેટલાક બાળકો સહિત ૭૮ લોકો ભારત પહોંચ્યા હોવાનું સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાજીવ કુમારે જણાવ્યું હતું.
બધા ભારતીયોને પરત લાવવા વચનબદ્ધઃ ભારત
અફઘાનિસ્તાનમાં અમેરિકાનું પીઠબળ ધરાવતી અશરફ ગની સરકાર કાગળના મહેલની જેમ ધ્વસ્ત થઈ ગઈ અને તાલિબાનોએ સરળતાથી કાબુલ સુધી કબજો કરી લીધો એ પછી પરિસ્થિતિ વણસી રહી છે.
દરમિયાન ભારત સરકાર અફઘાનિસ્તાનથી પોતાના શીખ, હિન્દુ નાગરિકો તથા અફઘાનિસ્તાન છોડવા તત્પર અન્ય અફઘાનોને કાબુલથી બહાર લાવવા સતત ફ્લાઇટ્સ ઓપરેટ કરી રહી છે. અફઘાનિસ્તાનમાં ફસાઈ ગયેલા ભારતીયોને પાછા લાવવા માટે કાબુલથી રોજના બે વિમાન ઉડાડવાની પરવાનગી અમેરિકા તથા નાટો તરફથી ભારતને મળી છે.
અમેરિકા અને નાટોનાં દળોએ કાબુલના હમીદ કરઝાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કબજો જાળવી રાખ્યો છે. અત્યાર સુધીમાં ઈન્ડિયન એરફોર્સ, એર ઈન્ડિયા, વિસ્તારા વગેરેનાં છ વિમાનો કાબુલથી ઉડ્ડયન કરી ૭૦૦ લોકોને ભારત લઈ આવ્યા છે. વધુ બે વિમાનો ઉડ્ડયન ભરતાં જ અફઘાનિસ્તાનમાંથી લગભગ બધા ભારતીયોનું સલામત સ્થળાંતર થઈ જશે.
વિદેશ વિભાગે જણાવ્યું હતું કે ભારત સરકાર બધા જ ભારતીયોને સલામતી સાથે પાછા લાવવા વચનબદ્ધ છે. વિમાનોનાં ઉડ્ડયનમાં એકમાત્ર અડચણ કાબુલ એરપોર્ટની પરિસ્થિતિ છે, જે ગમે ત્યારે બદલાઈ શકે છે.
ત્યાં બધું ખતમ થઇ ગયું છેઃ શીખ સાંસદ
આ પૂર્વે વિશેષ ફ્લાઇટમાં ભારત આવી પહોંચેલા અફઘાન શીખ સાંસદ નરેન્દરસિંહ ખાલસાએ હિંદોન એરબેઝ પર કહ્યું હતુંઃ અફઘાનિસ્તાને છેલ્લા ૨૦ વર્ષમાં કરેલો બધો જ વિકાસ હવે ખતમ થઈ ગયો છે. હવે ત્યાં કશું જ બાકી રહ્યું નથી તેમ જણાવ્યું હતું.
અફઘાન શીખ સાંસદ નરેન્દર ખાલસા અને સેનેટર અનારકલિ હોનારયાર તેમજ તેમના પરિવારના સભ્યો ભારતીય હવાઈદળના વિમાન સી-૧૭માં કાબુલથી હિન્દોન એરબેઝ પર પહોંચ્યા હતા.
એરબેઝ પર ભાવુક થઈ ગયેલા અફઘાન સાંસદે તેમને અને તેમના પરિવારને બચાવવા બદલ ભારત સરકાર, વડા પ્રધાન મોદી અને ભારતીય હવાઈદળનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે ભારત અમારું બીજું ઘર છે. અમે અફઘાનિસ્તાનમાં રહેતા હતા અને અફઘાની હોવા છતાં ત્યાં લોકો અમને હિન્દુસ્તાની કહીને બોલાવતા હતા.
અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અંગે આંખોમાં આંસુ સાથે ભાવુક થઈ જતાં તેમણે જણાવ્યું કે તેમને પોતાનો દેશ છોડવાનું ખૂબ જ દુઃખ છે. અમેરિકા પર ૯/૧૧ના હુમલા પછી અફઘાનિસ્તાનમાંથી તાલિબાની શાસન દૂર કર્યા પછી અમે જે પણ સિદ્ધિઓ હાંસલ કરી હતી અને વિકાસ કર્યો હતો તે બધું જ હવે ખતમ થઈ ગયું. અમે આવી પરિસ્થિતિ પહેલાં ક્યારેય જોઈ નહોતી. તાલિબાનોએ કાબુલ કબજે કર્યા પછી છેલ્લા સાત દિવસનો તેમનો અનુભવ જણાવતાં તેમણે કહ્યું કે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ફસાયેલા હિન્દુઓ અને શીખોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ભારત સરકારે તેમને બચાવવા તમામ પ્રયાસો કરવા જોઈએ.
‘અમે શ્રી ગુરુગ્રંથ સાહિબ ના છોડી શકીએ’
શ્રી ગુરુગ્રંથ સાહિબને માથા પર મૂકીને જતા ત્રણ શીખની કાબુલ એરપોર્ટની તસવીર દુનિયાભરમાં પ્રસિદ્ધ થઇ છે. અહીંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં વ્યસ્ત ભારતીય સુરક્ષાદળોએ ૪૬ અફઘાનો અને શીખ, હિન્દુઓને પણ એરપોર્ટની અંદર પહોંચાડ્યા છે.
આ અંગે એક શીખ યુવકે કહ્યું કે કાબુલમાં રહેતા તમામ શીખ પરિવાર પોતાના ઘર છોડી ચૂક્યા છે એટલે ત્રણ શ્રી ગુરુગ્રંથ સાહિબ પણ અમે સાથે લાવ્યા છીએ. કાબુલમાં છેલ્લાં ૫૦૦ વર્ષથી શીખોની વસતી હતી, જે સંભવત: આગામી થોડા દિવસમાં શૂન્ય થઈ જશે. કારણ કે, તાલિબાન રાજમાં કોઈ પણ બિન-મુસ્લિમ અફઘાનિસ્તાનમાં પોતાને સુરક્ષિત નથી માનતા. આથી જ ૧૯૯૦માં તાલિબાન રાજ પહેલાં અહીં શીખોની વસતી આશરે બે લાખ હતી, જે હવે ૨૦૦ પણ નથી રહી.
કાબુલથી પાછા ફરેલા સુરજે કહ્યું...
અફઘાનિસ્તાનથી પરત ફરનારામાં ઉત્તર પ્રદેશના ચંદોલીના સુરજ કુમાર ચૌહાણ પણ સામેલ છે. વ્યવસાયે વેલ્ડર સુરજ કુમાર કહે છે કે હું આ વર્ષે સ્ટિલ કંપનીમાં કામ કરવા કાબુલ ગયો હતો. તાલિબાનોનો કબજો થતાં જ કંપની માલિક ફરાર થઇ ગયો તેની કંપનીઓ અનેક લોકો ફસાઇ ગયા દરેક ક્ષણે લાગતું હતું કે, ક્યાંકથી ગોળી ના આવી જાય. કંપનીમાંથી રસ્તા પર આવ્યા ત્યારે અમારો જીવ હથેળીમાં હતો.
અફઘાન નાગરિકો માટે નવી ઇ-વિઝા કેટેગરી
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ વણસેલી પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં ભારત આવવા ઇચ્છતા અફઘાન નાગરિકોની વિઝા અરજીઓના ઝડપથી નિકાલ માટે ભારત સરકારે નવી કેટેગરી ઇ-ઇમર્જન્સી એક્સ-મિસેલેનિયસ વિઝાનો પ્રારંભ કર્યો છે. આ પહેલાં અફઘાન નાગરિકોને ભારતના વિઝા માટે ઇ-વિઝા કેટેગરીમાં સામેલ કરાયા નહોતા અને તેમણે ભારતનો વિઝા હાંસલ કરવા માટે ભારતીય દૂતાવાસમાં રૂબરૂ હાજર થવું પડતું હતું. જોકે હવે કાબુલમાં ભારતીય દૂતાવાસ બંધ થઇ જતાં કેન્દ્ર સરકારે અફઘાન નાગરિકોને ઇ-વિઝા જારી કરવાનો નિર્ણય લીધો છે.
નવી ઇ-વિઝા જોગવાઇ અંતર્ગત હવે અફઘાનિસ્તાનનો કોઇ પણ નાગરિક ધર્મની પ્રાથમિકતા વિના ભારતના વિઝા માટે ઓનલાઇન અરજી કરી શકશે. આ વિઝા અરજીઓની ચકાસણી અને તેના પરનો નિર્ણય દિલ્હી ખાતે કરાશે. શરૂઆતમાં કોઇ પણ અફઘાન નાગરિકને ૬ મહિનાનો વિઝા જારી કરાશે. આ માટે અફઘાન નાગરિકોએ ટૂંક સમયમાં શરૂ થનારા પોર્ટલ પર પોતાના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ભારત સરકારે શરૂ કરેલી નવી વિઝા કેટેગરીનો હિંદુ અને શીખ સમુદાયના લોકોને મોટો લાભ થશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક અધિકારીએ મંગળવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, નવા ઇ-વિઝા ભારતમાં પ્રવેશ માટેની વિઝા અરજીઓના ઝડપથી નિકાલ માટે શરૂ કરાયા છે.
પુતિન-મર્કેલ સાથે વડા પ્રધાન મોદીની ચર્ચા
બીજી તરફ સોમવારે રાત્રે વડા પ્રધાન મોદીએ અફઘાનિસ્તાન મુદ્દે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે ચર્ચા કરી હતી. તો મંગળવારે રશિયાના વડા પ્રધાન પુતિન સાથે ચર્ચા કરી હતી. આ બન્ને નેતાઓ સાથે વડા પ્રધાન ભારતીય અને વિદેશી નાગરિકોની સુરક્ષા, રેસ્ક્યૂ અને સ્થાનિકને મદદ પહોંચાડવા મુદ્દે ચર્ચા કરી હોવાનું મનાય છે.
અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને લઈને ભારત અને રશિયાના રાષ્ટ્ર પ્રમુખો વચ્ચે વાતચીત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બપોરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી આશરે ૪૫ મિનિટ સુધી ચર્ચા કરી છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, બંને નેતાએ આ ચર્ચામાં અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ અને બંને દેશોના સહયોગને લઈને ચર્ચા કરી હતી.
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ ચર્ચાની જાણકારી આપી છે. તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ પર પોતાના મિત્ર રાષ્ટ્રપતિ પુતિન સાથે વિસ્તૃત અને ઉપયોગી વિચારોનું આદાન-પ્રદાન કર્યું. અમે દ્વિપક્ષીય મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરી, જેમાં કોવિડ-૧૯ વિરુદ્ધ ભારત-રશિયા સહયોગ સામેલ છે. અમે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર પરામર્શ ચાલુ રાખવા પર સહમત થયા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલાં જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે પણ અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા કરી હતી. હાલ દરેક દેશ અફઘાનિસ્તાનના સંકટ પર નજર રાખીને બેઠા છે, સાથે જ કાબુલ એરપોર્ટથી ચાલુ રેસ્ક્યૂ-ઓપરેશનને લઈને પણ દરેક દેશ વચ્ચે સહયોગ ચાલુ છે.
તાલિબાની શાસનને માન્યતા મોટો પ્રશ્ન
વિશ્વના તમામ દેશો માટે હાલ તાલિબાનની સરકારને માન્યતા આપવી કે નહીં એ મોટો પ્રશ્ન છે. કેટલાક દેશોએ તાલિબાનનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે અને કેટલાક દેશોએ તાલિબાનને સમર્થન પણ આપ્યું છે. એવા પણ સમાચાર આવ્યા હતા કે તાલિબાનની ચીન અને પાકિસ્તાનના વરિષ્ઠ મંત્રીઓ સાથે અલગ-અલગ બેઠક પણ થઈ છે.