અમદાવાદ: જાપાન દ્વારા તૈયાર થયેલા અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના ભૂમિપૂજન કાર્યક્રમ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૩મી સપ્ટેમ્બર પુનઃ ગુજરાતની મુલાકાતે છે. આ પ્રોજેક્ટ માટે આશરે ૬૦ ટકાથી વધુ લોન ભારતને મળવાની છે. ભારતભરમાં હાઈસ્પીડ ટ્રેનનો આ પ્રથમ પ્રોજેક્ટ હોઈ, જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબે પણ પોતાનાં પત્ની સાથે ૧૩મીએ બપોરે ૩-૩૦ વાગ્યે અમદાવાદ એર પોર્ટ પર ઉતરાણ કરશે.
સચિવાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ આ બેે દિવસીય ભરચક કાર્યક્રમમાં ૧૩મીએ પ્રથમ દિવસે બપોરે જાપાનના વડા પ્રધાનનું મોદી અમદાવાદ એર પોર્ટ પર સ્વાગત કરશે. આ સમયે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે. એર પોર્ટથી બંને દેશનાં વડા પ્રધાન પોતાના કાફલા સાથે સાબરમતીમાં આવેલા ગાંધી આશ્રમમાં જશે. એર પોર્ટથી આશ્રમ વચ્ચે બંને મહાનુભાવોનો ભવ્ય રોડ શો યોજાશે. રસ્તામાં વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ઝાંખી માટે ૩૧ મંચ ઉભાં કરાયાં છે. લગભગ બે કલાકમાં બંને વડા પ્રધાન આશ્રમમાં પહોંચશે. આશ્રમની અંદર થોડો સમય સુધી રહેશે તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વંદન પણ કરશે. ત્યાર બાદ આશ્રમથી બંને વડા પ્રધાનનો કાફલો છૂટો પડશે. ભારતના વડા પ્રધાન અમદાવાદ સર્કિટ હાઉસ જશે. જ્યારે જાપાનના વડા પ્રધાન વસ્ત્રાપુરમાં આવેલી હોટેલ હયાતમાં ઉતરશે. સાંજે ૬-૩૦થી ૭ વચ્ચે બંને દેશના વડા પ્રધાન ફરીથી લાલ દરવાજા આવેલી ઐતિહાસિક સીદી સૈયદની જાળી પાસે ઉપસ્થિત રહેશે. આ સ્મારકની મુલાકાત લીધા બાદ બંને સ્મારકની સામે જ આવેલી હોટેલ અગાસીયામાં જશે. અહીં એબે તેમનાં પત્ની અને મોદી ગુજરાતી ભોજન લેશે. હોટેલમાં જ એબે-મોદી સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક થશે. રાત્રે ૯ વાગ્યાની આસપાસ તેઓ છૂટા પડશે.
મોદી ગાંધીનગરમાં રાજભવનમાં અને એબે હોટેલ હયાતમાં રાતવાસો કરશે. બીજે દિવસે સવારે ૯-૩૦ વાગ્યે સાબરમતી રેલવે સ્ટેશન નજીક આવેલા એથલેટીક ગ્રાઉન્ડમાં બંને ફરી ભેગા થશે અને અમદાવાદ - મુંબઈ વચ્ચે દોડનારી દેશની સૌ પ્રથમ બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાશે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન હાજર રહેશે. સાબરમતી રેલવે સ્ટેશનથી તેઓ ગાંધીનગર મહાત્મા મંદિર પહોંચશે. સવારે ૧૧ વાગ્યાની આસપાસ દાંડી કુટીરની મુલાકાત લેશે. ત્યારબાદ મહાત્મા મંદિરનાં મુખ્ય હોલમાં જશે જ્યાં બંને દેશોનાં ડેલિગેશન વચ્ચેની ચર્ચામાં ભાગ લેશે. બપોરે ૧-૩૦થી ૨-૩૦ દરમિયાન મહાત્મા મંદિરમાં જ બંને વડા પ્રધાન ભોજન લેશે. સાંજે ૪ વાગ્યે ભારત - જાપાન બિઝનેસ પ્લાનિંગ પર ચર્ચા અને એમઓયુ થશે. સાંજે ૬-૩૦ વાગ્યે અમદાવાદ આવ્યા બાદ મોદી - એબે સાયન્સ સિટી પહોંચશે. અહીં ભારત-જાપાનના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે. બંને નેતાઓ રાત્રીભોજન સાથે લેશે. એ પછી લગભગ ૯-૩૦ વાગ્યે અમદાવાદ એર પોર્ટથી જ એબે ટોકિયો જવા અને મોદી દિલ્હી જવા રવાના થશે.
ભવ્ય રોડ શો
અમદાવાદ એર પોર્ટથી સાબરમતી આશ્રમ આઠ કિલોમીટરના રોડ પર ૧૩મીએ મોદી અને એબે ‘રોડ શો’ યોજશે. આ રસ્તા ઉપર કુલ ૩૧ સ્ટેજ બનાવીને મહાનુભાવોને ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કરાવવામાં આવશે. આ ભવ્ય રોડ શો સુખરૂપ પાર પડે તે માટે શહેર પોલીસના આ ખાસ બંદોબસ્ત માટે એક એપ્લિકેશન પણ બનાવાઈ છે. આ સ્ટેજ ઉપર ભારતની સંસ્કૃતિનું સંદર્શન કરાશે. ૩૧ સ્ટેજ ઉપરથી ભારતીય સંસ્કૃતિ સાથે ગુજરાતની મહેમાનગતિના દૃશ્યો સર્જાય તે દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
સંભવિત મહત્ત્વના કરાર
• બંને દેશ વચ્ચે ઇલેક્ટ્રોનિક્સ, બેટરી સંચાલિત કાર, ઇલેક્ટ્રીક હેવી મેટલ, પરંપરાગત ઊર્જા સહિતના ક્ષેત્રે એમઓયુ થશે.
• બંને દેશના વિદ્યાર્થીઓ માટે ખાસ એજ્યુકેશનલ એક્સચેન્જ પ્રોગ્રામ અને દ્વિપક્ષીય સંધિઓ.
• બંને દેશોના કેટલાક ઉદ્યોગપતિઓને આમંત્રણ અપાયા છે. ભારતમાંથી રિલાયન્સ, અદાણી જૂથ, સુઝલોન, ટાટા, મહિન્દ્રા કોટક, આદિત્ય બિરલા, નિરમા, કેડીલા, સન ફાર્મા, સહિત ૧૦૦થી વધુ ટોચના ઉદ્યોગપતિ અને જૂથનો સમાવેશ થાય છે.
• ૧૫ જાપાની કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરશે તેવો નિર્ણય લેવાઇ ગયો હોવાનું અને જાપાનના વડા પ્રધાન સાથે ૫૫ કંપનીઓનું પ્રતિનિધિ મંડળ પણ ભારત પ્રવાસ કરશે તેવું સરકારના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
• મહાત્મા મંદિરમાં ૧૪મીએ બિઝનેસ ઇવેન્ટ યોજાશે. બંને દેશના વડા પ્રધાન, ઉચ્ચ અધિકારીઓ અને બિઝનેસ ડેલિગેશન સાથે એક પછી એક મિટિંગ થશે. જેમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવાશે.
•••
૭૦ હાઈ વે અને ૨૧ નદીઓ પાર કરશે બુલેટ ટ્રેન
૧૪મી સપ્ટેમ્બરે અમદાવાદથી મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું ભૂમિપૂજન થવાનું છે. આ બુલેટ ટ્રેન કુલ ૭૦ હાઈવે અને ૨૩૧ નદીઓને ક્રોસ કરીને મુંબઈ પહોંચશે. ટ્રેનની મહત્તમ સ્પીડ પ્રતિ કલાક ૩૫૦ કિ.મી.ની રહેશે. આ રૂટમાં ૨૫.૮૭ કિ.મીના ટનલિંગ વે બનશે. ૫૦૮ કિ.મી. લંબાઈમાં મહત્તમ ભાગ ગુજરાતમાં જ છે એટલે કે ૩૫૦.૫૩૦ કિ.મી. અને મહારાષ્ટ્રમાં ૧૫૫.૬૨ કિ.મીનો વિસ્તાર છે. રેલવેના માર્ગમાં અનેકવિધ સ્ટ્રક્ચર્સ તૈયાર થશે. જેમાં રેલવેના માર્ગમાં ૧૭૩ મોટા બ્રિજ અને ૨૦૧ પ્રમાણમાં નાના બ્રિજ તૈયાર થશે. આ રેલવે માટે ૪૬૦.૩૦ કિ.મી.નો માર્ગસેતુ બનાવાશે. ટ્રેનની ડિઝાઈન સ્પીડ ૩૫૦ કિ.મી. છે, પરંતુ મહત્તમ ૩૨૦ કિ.મી.ની ઝડપે દોડશે. આ ટ્રેન ત્રણ કલાકથી ઓછા સમયમાં અમદાવાદથી મુંબઈનું અંતર કાપશે. રૂટના તમામ ૧૨ સ્ટેશનો પર ટ્રેન ઊભી રહેશે. હાઈસ્પીડ રેલવે ટ્રેઈનિંગ સેન્ટર વડોદરામાં રહેશે. આ પ્રોજેક્ટ માટે ૩૦૦ અધિકારીઓને જાપાનમાં તાલીમ અપાશે. તેઓ અન્ય ૪૦૦૦ અધિકારીઓને તાલીમ માટે સહાયરૂપ બનશે.