જાહેર જીવનમાં પ્રદાન અને પરોપકારિતાની ઉજવણી

ABPL ગ્રૂપ દ્વારા આયોજિત યુકે-ઈન્ડિયા ટ્રાયમ્ફ એવોર્ડ્સમાં પાંચ મહાનુભાવનું સન્માન

Wednesday 26th July 2023 02:17 EDT
 
 

લંડનઃ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા પ્રકાશનોની સુવર્ણજયંતી ઉજવાઈ રહી છે ત્યારે ABPL ગ્રૂપ દ્વારા 12 જુલાઈ 2023, બુધવારે યુકે-ઈન્ડિયા ટ્રાયમ્ફ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર જીવન, પરોપકારિતા, અને કોમ્યુનિટી સર્વિસીસ ક્ષેત્રોમાં અનન્ય યોગદાન આપનારા વિજેતાઓને હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે લોર્ડ રાજ લૂમ્બા CBE ના યજમાનપદ હેઠળ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.

એવોર્ડ્સ સમારોહના આરંભે ઉદ્ઘોષિકા સ્મિતા જોશીએ માનવંતા મહાનુભાવો અને પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે આ સમારંભનું યજમાનપદ સંભાળવા બદલ લોર્ડ રાજ લૂમ્બા પ્રતિ આભાર વ્યક્ત કરવા સાથે વિશેષ સ્વાગત કર્યું હતું. લોર્ડ રેમી રેન્જર અને લોર્ડ સ્વરાજ પોલને પણ ઉષ્માસભર આવકાર આપવા ઉપરાંત, લોર્ડ ડોલર પોપટ, વીરેંદ્ર શર્મા એમપી, માધવાણી ગ્રૂપના શ્રાય માધવાણી, અપર્ણા માધવાણીને આ સમારંભમાં ઉપસ્થિત રહી વિશેષ બનાવવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમારંભમાં ઈલિંગના મેયર કાઉન્સિલર હિતેશ ટેલર, યુગાન્ડાના યુકેસ્થિત હાઇ કમિશનર અને આયર્લેન્ડ ખાતેના એમ્બેસેડર હર એક્સલન્સી નિમિષા માધવાણી તેમજ ભારતીય હાઈકમીશનના શશિ ભૂષણની વિશેષ ઉપસ્થિતિને ઉષ્માપૂર્ણ આવકાર સાથે વધાવી લેવાઈ હતી.

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ પ્રકાશનોનાં એડિટર-ઈન-ચીફ અને પ્રકાશક શ્રી સી.બી. પટેલને ગત 51 વર્ષના સમયગાળામાં બ્રિટિશ એશિયન કોમ્યુનિટીને આપેલા અથાક અને વિશિષ્ટ પ્રદાન તેમજ આ વિશિષ્ટ એવોર્ડ્સની પ્રેરણા બની રહેવા બદલ કદર કરાઈ હતી અને ઓડિયન્સને સંબોધન કરવા મહાનુભાવોને વારાફરતી સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા.

             આપણે આપીએ છીએ ત્યારે વિશ્વ વધુ બહેતર બને છેઃ લોર્ડ રાજ લૂમ્બા

યુકે-ઈન્ડિયા ટ્રાયમ્ફ એવોર્ડ્સ સમારંભના સ્ટેજ પરથી લોર્ડ લૂમ્બાએ સમગ્ર વિશ્વમાં વિધવા સ્ત્રીઓ માટે પોતાના સખાવતી કાર્યોની વાત કરી દરેકને આ ઉદ્દેશમાં સાથ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘બે મહાન રાષ્ટ્ર- યુકે અને ભારત વચ્ચે મજબૂત બંધનની કદર કરવાની આ ઉજવણીનું યજમાનપદ સંભાળવાની મને ખુશી છે. ભારતીયો તરીકે, આપણે હંમેશાં ઋણ ચુકવવામાં અને તફાવત સર્જવાની તીવ્ર લાગણીઓ ધરાવીએ છીએ છીએ. આપણા મૂલ્યોએ શીખવ્યું છે કે ખુશી કશું હાસલ કરવાના પરિણામે જ નથી પ્રાપ્ત થતી પરંતુ, આપણે જે આપીએ છીએ તેમાંથી વધુ ખુશી મળે છે. આપણે કેટલું આપીએ છીએ તેના પર ધ્યાન આપ્યા વિના એક બાબત તો નિશ્ચિત છે કે આપણે બધા જ્યારે આપીએ છીએ ત્યારે વિશ્વ વધુ બહેતર બને છે.’

લોર્ડ લૂમ્બાએ જણાવ્યું હતું કે,‘ભારતમાં આશરે 46 મિલિયન વિધવા છે અને હું અત્રે ઉપસ્થિત તમામ લોકોને દર વર્ષે 23 જૂને ઈન્ટરનેશનલ વિડોઝ ડેને ઉજવવા તેમજ વિધવાઓની યાતના પ્રત્યે જાગરુકતા કેળવવા અનુરોધ કરું છું, વિશેષતઃ ગ્રામીણ ભારતમાં જ્યાં મોટા ભાગની વિધવાઓ અશિક્ષિત છે, નોકરી મેળવી શકતી નથી અને તેમના પરિવારના સભ્યોના આશરે રહેવું પડે છે જેઓ તેમનું શારીરિક, માનસિક અને આધુનિક ગુલામીની પ્રેક્ટિસ માફક જાતિય રીતે શોષણ કરતા રહે છે.’

કોમ્યુનિટીના મજબૂત સમર્થક સ્તંભ તરીકે શ્રી સી.બી. પટેલના પ્રયાસોની પ્રશંસા કરતા લોર્ડ લૂમ્બાએ કહ્યું હતું કે,‘તેઓ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ ન્યૂઝ પેપર્સના માધ્યમો થકી કોમ્યુનિટીમાં જાગરૂકતા અને જ્ઞાનનો પ્રકાશ પાથરી રહ્યા છે. ગત પાંચ દાયકાથી તેમના અખબારે ઘણી સારી કામગીરી બજાવી છે. હું કહી શકું છું કે સીબી પટેલ કોમ્યુનિટીની સેવા કરવાના મિશન પર છે. તેઓ હંમેશાં સામાન્ય લોકોની પડખે ઉભા રહે છે અને તેમના અધિકારો માટે લડે છે. સીબી અખબારો મારફત આપણા કોમ્યુનિટી કલ્ચર અને આપણા મૂલ્યોને મજબૂત બનાવવા કટિબદ્ધ છે.’

         ભારત અને યુકે વચ્ચે મજબૂત સંબંધસેતુની હિમાયત કરતા શ્રી સીબી પટેલ

ટ્રાયમ્ફ એવોર્ડ્સ સમારંભમાં માનવંતા મહેમાનો સમક્ષ શ્રી સીબી પટેલે જણાવ્યું હતું કે,‘વિશ્વમાં બે તેજસ્વી સ્થળ, ભારત અને યુકે છે. આ બંને દેશ દીર્ઘ પરંપરાઓ ધરાવે છે. આજે તમારામાંથી મોટા ભાગના લોકો ભારતથી આવેલા છે અને અમે જે કરી રહ્યા છીએ, અમારા ગ્રૂપ એડિટર શ્રી મહેશ લિલોરિયા જે કરી રહ્યા છે તેઆ બંને દેશોને સાથે લાવવાનું કાર્ય છે. આ પ્રકારની બાબતો માટે હાઉસ ઓફ લોર્ડ્સમાં આ સ્થળ સૌથી પ્રતિષ્ઠિત છે. પહેલાના સમયમાં તેઓ ભારતને કેવી રીતે સંસ્થાન બનાવવું અને કેવી રીતે તેનું શોષણ કરવું તેની ચર્ચાઓ કરતા હતા. પરંતુ, હવે વિશ્વ બદલાઈ ગયું છે. તમે સહુ જુઓ છો તેમ, ભારત અને યુકે લગભગ એક જ સ્તરે છે. ભારત તેની વિશાળ વસ્તી અને બહેતર ગર્ભિત ક્ષમતાઓ સાથે થોડી વધુ સારી સ્થિતિમાં છે. આપણે, માત્ર ભારતીયો, એશિયનો અથવા આફ્રો કેરેબિયન્સ જ નહિ, બધા જ આ અદ્ભૂત દેશ માટે અહીં યોગદાન આપી રહ્યા છીએ. વિશ્વમાં અન્ય કોઈ દેશ આટલું વિશાળ હૃદય ધરાવતો નથી. આથી જ, અહીં બધા જ ઈન્વેસ્ટ કરવા ઈચ્છે છે. દરેક લોકો અહીં રહેવા ઈચ્છે છે. પરંતુ, માત્ર રહેવા કે રોકાણ કરવાથી પણ વધુ તો આપણે નવા બીકનનું સર્જન કરી રહ્યા છીએ. અહીં મારી સાથે જોડાવા બદલ આપ સહુનો આભારી છું.’

             કર્મભૂમિનું ઋણ ઉતારવા લોર્ડ સ્વરાજ પૌલનો ડાયસ્પોરાને અનુરોધ

લોર્ડ સ્વરાજ પૌલે કહ્યું હતું કે, ‘સીબી, માનવંતા મહેમાનો, મને અહીં આવવાના આમંત્રણ બદલ ઘણો આભાર. તમે આટલા બધા વર્ષોથી ભારતીય સમુદાયને જે પ્રકારની સેવા આપી રહ્યા છો તેનાથી અમને તમારા માટે ગર્વ થાય છે. તમે દીર્ઘાયુષી થાવ કારણકે અમારે તમારી જરૂર છે. થોડા સમય પહેલા હું બીબીસી સાથે એક મુલાકાત કરી રહ્યો હતો ત્યારે ઈન્ટરવ્યૂ લેનારે મને હું કેટલા ટકા બ્રિટિશ અને કેટલા ટકા ભારતીય તેવો પ્રશ્ન કર્યો હતો. મેં ઉત્તર વાળ્યો કે હું 100 ટકા ભારતીય અને 100 ટકા બ્રિટિશ છું. જો તમે ગણતરી ના કરી શકો તો તમારી સમસ્યા છે અને હું તેવી જ લાગણી અનુભવું છું. આપણે આ દેશમાં રહીએ છીએ અને આપણા પર તેનું ઘણી બાબતોનું ઋણ છે.

લોર્ડ પૌલે લંડન ઝૂ લગભગ બંધ પડી જવાના આરે હતું ત્યારે તેને મદદ કરી હતી. તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલસ (UCLA) અને યુનિવર્સિટી ઓફ લંડન સહિતની અનેક સંસ્થાઓને પણ મદદનો હાથ લંબાવ્યો છે. તેઓ હંમેશાં કહે છે કે,‘જો લોકોને મદદ મળતી હોય તો આપવું હંમેશાં સારી બાબત છે. મારા માટે નોર્થવિક પાર્ક હોસ્પિટલને મદદ કરવા પાછળ આ જ પ્રેરણા હતી. આપણે આ દેશને પાછું આપીએ અને તેના પર બોજો ના બની રહીએ તેની ચોકસાઈ કોમ્યુનિટી દ્વારા કરાય તે જ યોગ્ય છે.’

મહાનુભાવો દ્વારા ઓડિયન્સને સંબોધનો કરાયા પછી અતિથિવિશેષ મહાનુભાવોને એવોર્ડ્સ એનાયત કરવાનો સમય આવ્યો હતો.

                      અતિથિવિશેષ મહાનુભાવો વિશે થોડી જાણકારી

ડો. યોગેન્દ્ર અને ડો. અંજુ કોઠારી

ડો. યોગેન્દ્ર કોઠારી કાર્ડિયોલોજિસ્ટ છે. એક કાર્ડિયોલોજિસ્ટ, ફીઝિીશિયન અને અનુયોગ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના સ્થાપક અને ચેરમેન તરીકે તેઓ ‘આરોગ્ય પ્રત્યેક માનવીનો મૂળભૂત અધિકાર’ હોવાના મુદ્રાલેખ સાથે લોકોને મદદ કરવામાં માને છે. કોવિડ મહામારી દરમિયાન તેઓ પોતાના ડિસ્ટ્રિક્ટમાં ક્રિટિકલ કેર શરૂ કરનારા અને સેંકડો લોકોના જીવન બચાવનારા સૌપ્રથમ ડોક્ટર હતા. જ્યારે કોઈ પણ ડોક્ટર પોતાની સેવા આપી રહ્યા ન હતા ત્યારે તેઓ રોડસાઈડ ઉભા રહીને પેશન્ટ્સને તપાસતા હતા. મહામારી દરમિયાન ભારતમાં ડેકેર કોવિડ સેન્ટર્સ વિકસાવનારા સૌપ્રથમ ડોક્ટર્સમાં એક તરીકે સન્માનિત કરાયા હતા. આના પરિણામે, તેમના દર્દીઓમાં મૃત્યુદર સૌથી ઓછો રહ્યો હતો. તેઓ કચડાયેલા વર્ગના લોકો માટે નિઃશુલ્ક ક્લિનિક્સ પણ ચલાવી રહ્યા છે.

અનુયોગ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર્સના મેનેજિંગ ડાયરેક્ટર ડો. અંજુ કોઠારી ભારતના મધ્યપ્રદેશના છે અને હેલ્થકેર ઈન્ડસ્ટ્રીમાં સૌથી યુવાન મહિલા એન્ટ્રેપ્રીન્યોર્સમાં એક છે. તેઓ યુવાન હોવાં છતાં, વિશાળ અનુભવ ધરાવે છે. તેમણે હોસ્પિટલ અને ફાર્માસ્યુટિકલ્સ ચેઈન્સ તેમજ અન્ય કંપનીઓના સંચાલનનો અનુભવ મેળવ્યો છે. 2000થી વધુ લોકોને રોજગાર આપવા ઉપરાંત, તેઓ યુવા ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણાદાયી અને અનુકરણીય આદર્શ બની રહ્યાં છે.

તેમનું આગામી લક્ષ્ય ગ્રામીણ ભારતમાં વિશ્વસ્તરીય નિષ્ણાત સેવા પૂરી પાડવા યુકેના હેલ્થકેર એન્ટ્રેપ્રીન્યોર્સ સાથે સહયોગ સ્થાપિત કરવાનું છે. તેઓ હોસ્પિટલોની ચેઈન્સ, હેલ્થકેર સેન્ટર્સ અને એપ્સ મારફતે આ સહયોગનું આયોજન કરવા માગે છે.

લોર્ડ રાજ લૂમ્બા અને શ્રી સીબી પટેલ દ્વારા કોઠારી દંપતીનું એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

એવોર્ડને સ્વીકારતા શ્રી કોઠારીએ કહ્યું હતું કે,‘ મને અહીં આમંત્રિત કરાયો અને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માન કરાયું તે બદલ હું સીબી સાહેબ, શ્રી મહેશ અને આપ સહુનો અંતરના ઊંડાણથી આભારી છું. એવોર્ડથી પણ વિશેષ તો એવી લાગણી છે કે અમે કશું કરી શક્યાં છીએ.’

હાઈ કમિશનર નિમિષા માધવાણીઃ ગુજરાત સમાચારે ખરેખર યુગાન્ડાના એશિયનોની મદદ કરી

યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર શ્રીમતી નિમિષા માધવાણી ત્રણ દાયકા કરતાં વધુ સમયથી વરિષ્ઠ રાજદ્વારી સેવામાં કાર્યરત છે. શ્રીમતી નિમિષા માધવાણીને લોર્ડ રેમી રેન્જર અને શ્રી સીબી પટેલના હાથે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. લોર્ડ રેન્જરે ઉષ્માપૂર્ણ, પ્રામાણિક અને વિશ્વસનીય તેમજ ભારત અને યુગાન્ડા, બંને માટે ગૌરવરૂપ વ્યક્તિને એવોર્ડ એનાયત કરવામાં પોતાને વિશેષાધિકારી ગણાવ્યા હતા.

એવોર્ડને સ્વીકારતાં શ્રીમતી નિમિષા માધવાણીએ કહ્યું હતું કે,‘આપ સહુનો ઘણો આભાર, હું ખરેખર સન્માનિત બની છું. ગુજરાત સમાચારે ખરેખર યુગાન્ડાના એશિયનોની મદદ કરી છે. આપણે સહુએ યાદ રાખવું જોઈશે કે અમે બધાં હવે યુકેમાં તમારો જ હિસ્સો છીએ. બ્રિટિશ સરકારે જે બધું જ કર્યું તેના માટે હું સરકારનો આભાર માનવા ઈચ્છું છું. અમે ભારત, યુગાન્ડા, અને યુનાઈટેડ કિંગ્ડમ અને આયર્લેન્ડ વચ્ચે મજબૂત સંબંધોનું નિર્માણ કરવાનું ચાલુ રાખીશું.’

        મનીષ મારૂઃ ડાયાલિસિસ સેન્ટર્સ અને પ્રિઝન્સને સહાય થકી વંચિતોની સેવા

મનીષ મારૂ અખિલ ભારતીય જૈન દિવાકર નવયુવક સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ છે. તેઓ સૌથી ઝડપે વિકાસ પામતી ઈલેક્ટ્રોનિક્સ અને ફર્નિચર રીટેઈલ ચેઈન ધરાવતા સૌથી યુવાન ઉદ્યોગસાહસિક છે. તેમના સખાવતી કાર્યોમાં ભારતીય જેલોને LED TVનું દાન આપવાનો સમાવેશ થાય છે. સખાવતી કાર્યોની સાથે તેઓ જૈન સમુદાયની યુવા પાંખના નેશનલ પ્રેસિડેન્ટ છે. કચડાયેલા લોકોને જીવનમાં મૂલ્યવાન શરૂઆત કરાવનારી તેમની ચેરિટેબલ સ્કૂલના કારણે સેંકડો બાળકોને નોંધપાત્ર અસર પહોંચી છે. તેઓ સ્થાનિક ગામડાંઓમાં નિઃશુલ્ક હેલ્થ કેમ્પ્સ યોજે છે તેમજ કિડનીના રોગમાં રાહત આપવા ડાયાલિસિસ સેન્ટર્સ પણ પૂરાં પાડે છે. સ્થાનિક ગામડાંઓમાં વંચિત મહિલાઓ માટે તેઓ કોમ્પ્યુટર અને એકાઉન્ટિંગ ટ્રેનિંગ સહિત નિઃશુલ્ક તાલીમ પૂરી પાડે છે. સમાજમાં આ સેવા સતત વૃદ્ધિ સાથે ચાલતી રહે તે માટે તેઓ યુકેમાં હેલ્થકેર અને એજ્યુકેશન ક્ષેત્રો સાથે જોડાણ કરવા ઉપરાંત, બ્રિટિશ જેલોમાં તેમની સેવા વિસ્તારવા ઈચ્છે છે.

શ્રી સીબી પટેલ અને લોર્ડ રેમી રેન્જરના હાથે શ્રી મનીષ મારૂને એવોર્ડ એનાયત કરાયો હતો. લોર્ડ રેન્જરે કહ્યું હતું કે એવોર્ડ્સ સમારંભમાં જૈનોનું પ્રભુત્વ જણાઈ રહ્યું છે. શ્રી સીબી પટેલે જણાવ્યું હતું કે,‘ પારસીઓની માફક જ જૈન કોમ્યુનિટી ઘણો નાનો સમુદાય છે જેની ભારતીય સમાજ પર સૌથી વધુ અસર દેખાય છે. જૈનો માત્ર એન્ટ્રેપ્રીન્યોર્સ, પરોપકારી, રાજદ્વારીઓ અને પોલીસ અધિકારીઓ જ નથી, તેઓ અદ્ભૂત વિદ્વાનો-કેળવણીકાર પણ છે.’

એવોર્ડ સ્વીકારતા સંબોધનમાં શ્રી મારૂએ કહ્યું હતું કે,‘આપ સહુનો આભાર, તમને કહેવાયું છે કે હું શું કરી રહ્યો છું અને તે કદાચ પ્રેરણાદાયી હશે પરંતુ, હું હવે જે કરવા માગું છું તેની સાથે સહુને જોડવા ઈચ્છું છું. ભારતમાં મોટા ભાગના લોકોના મૃત્યુ થાય છે કારણકે એક વખત તમે ડાયાલિસિસ સાથે બંધાઈ જાઓ છો તે પછી કોઈ સારવાર કે ઉપચાર રહેતો નથી અને તેનાથી બચતો ઝડપથી ખર્ચાતી જાય છે. અમે 1000 મશીન્સ આપવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. અમે પ્રિઝન્સની પણ સહાય કરવા માગીએ છીએ કારણકે તેમના માટે કોઈ વિચારતું નથી. અમે તેમને પુનઃ સમાજ સાથે જોડવા માગીએ છીએ.’

રાજયોગ ધ્યાનની સહજ માર્ગ પદ્ધતિમાં ચોથા આધ્યાત્મિક માર્ગદર્શક પ્રતિષ્ઠિત ગુરુ ડો. કમલેશ પટેલ વીડિયો રેકોર્ડિંગ માફક ઉપસ્થિત રહ્યા હતા.

હજુ ઘણાં કાર્ય અને કિર્તીમાન સ્થાપિત કરવાના છેઃ મહેશ લિલોરિયા

કોમ્યુનિટીના સન્માનીય સભ્યોને એવોર્ડ્સથી વિભૂષિત કરાયા પછી ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના ગ્રૂપ એડિટર શ્રી મહેશ લિલોરિયાએ આભારવિધિ કરી હતી. તેમણે આ સાંજને આનંદપૂર્ણ બનાવવા બદલ લોર્ડ પૌલ, લોર્ડ લૂમ્બા, મેડમ માધવાણી તેમજ સર્વ મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘આપ સહુની ઉપસ્થિતિથી અમે ઘણા ઉપકૃત બન્યા છીએ. ગુજરાત સમાચારના સુવર્ણજયંતી વર્ષમાં આપ સહુની ઉપસ્થિતિએ શ્રી સી.બી.પટેલ દ્વારા કોમ્યુનિટીની સેવા અર્થે કાર્યરત કરાયેલાં પ્રકાશનોને નવી ઊંચાઈ આપી છે. સી.બી. સાહેબ હંમેશાં કહેતા આવ્યા છે તેમ આ માત્ર પ્રકાશન નથી, આ તો સેવા યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ છે જેનો અર્થ કોમ્યુનિટીની સેવા જ થાય છે. અહી ઘણા મહેમાનો ઉપસ્થિત છે, હું સહુનો પુનઃ આભાર વ્યક્ત કરું છું. આ તો માત્ર શુભારંભ છે. સી.બી પટેલ જેવા સ્વપ્નસેવી નેતાની આગેવાની હેઠળ હજી ઘણી વિશિષ્ટ જયંતીઓ ઉજવવાની છે. યુકે અને ભારત વચ્ચે સર્વાસામાન્ય જોડાણને પીછાણવા, આપણી સામુદાયિક સંસ્કૃતિને મજબૂત બનાવવા અને આપણી માતૃભૂમિનું ગૌરવ કરવાને હજુ ઘણા કાર્ય કરવાના છે અને ઘણા કિર્તીમાન-માનદંડ સ્થાપિત કરવાના છે. આપ સહુનો આભાર.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter