જેટલીનું ગરીબ-ગ્રામ્યલક્ષી બજેટઃ દસ કરોડ પરિવારો માટે હેલ્થ સ્કીમ

Friday 02nd February 2018 05:21 EST
 
 

નવી દિલ્હીઃ નાણાંપ્રધાન અરુણ જેટલીએ ગુરુવારે સંસદમાં આધુનિક ભારતનું સપનું સાકાર કરતું વિકાસલક્ષી બજેટ રજૂ કરીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું છે. બજેટમાં ખેડૂતો, ગરીબો, ગ્રામીણ ગરીબો, શિક્ષણ, આરોગ્ય, સામાજિક સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં અર્થંતંત્રનાં મહત્ત્વનાં ચાલકબળ સમાન ક્ષેત્રોના વિકાસનો ઇરાદો કેન્દ્રસ્થાને જોવા મળે છે. 

જોકે જેટલીના બજેટમાં સૌથી મહત્ત્વની હેલ્થકેર સ્કીમ છે. સૂચિત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ દેશના ૧૦ કરોડ ગરીબ પરિવારને વાર્ષિક રૂ. ૫,૦૦,૦૦૦નો આરોગ્ય વીમો આપવામાં આવશે. ચૂંટણી પહેલાનાં અંતિમ બજેટમાં જેટલીએ માસ્ટર સ્ટ્રોક મારીને આરોગ્ય ક્ષેત્રે અગત્યનું પગલું ભર્યું છે. આયુષ્માન ભારત નામની આ યોજના દુનિયાની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના છે. જેને મોદીકેર નામ આપી શકાય.
આગામી વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે ત્યારે સમગ્ર બજેટને ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ દેશભરના કરોડો લાભાર્થીઓને વાર્ષિક લાભ થશે. જોકે, નાણાંપ્રધાને પગારદારોને એક હાથે રાહત આપીને સિફતપૂર્વક બીજા હાથે તે લાભ લીધો છે. નાણાંપ્રધાને પગારદારોને ઇન્કમટેક્સમાં કોઈ રાહત આપી ન હતી. તેમણે આવકવેરામાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની જોગવાઈ ફરી દાખલ કરીને સ્ટાન્ડર્ડ ડિડકશનનો રૂ. ૪૦,૦૦૦નો લાભ આપ્યો છે. જોકે સામે મેડિકલ રિએમ્બર્સમેન્ટ અને ટ્રાવેલિંગ એલાઉન્સની છૂટ રદ કરી છે. આમ સરવાળે અમુક વર્ગના પગારદારોને ફક્ત રૂ. ૫,૮૦૦નો લાભ જ મળ્યો હતો. આ જોગવાઈને કારણે સરકારને રૂ. ૮,૦૦૦ કરોડની આવક ગુમાવવી પડશે પણ બીજી તરફ હેલ્થ અને એજ્યુકેશન સેસમાં ૧ ટકાનો વધારો કરીને આ સેસ ૪ ટકા કરી નાખી છે. આ રીતે સરકારી તિજોરીમાં રૂ. ૧૧,૦૦૦ કરોડ આવશે. લોકોનું જીવનધોરણ સુધરે તે માટે ઈઝ ઓર લિવિંગ પર ખાસ ભાર મુકાયો છે.

સિનિયર સિટીઝનને ડિપોઝિટનાં વ્યાજ પરની ટેક્સ માફી વર્ષે રૂ. ૧૦,૦૦૦થી વધારીને રૂ. ૫૦,૦૦૦ કરાઈ છે. ગંભીર માંદગી માટે ટેક્સ ડિડકશનના લાભ રૂ. ૧ લાખ સુધી કરાયા છે. આમ સિનિયર સિટીઝનને ઇન્કમટેક્સમાં વિશેષ રાહત અપાઈ છે. વ્યાજની આવક રૂ. ૧૦,૦૦૦થી વધીને રૂ. ૪૦,૦૦૦ થાય ત્યાં સુધી તેમને ટીડીએસ કપાશે નહીં. એફડીમાં પણ વ્યાજની આવકને આ માફી મળશે. મેડિકલ ખર્ચનો લાભ વધારીને રૂ. ૧ લાખ સુધીનો કરાશે. ફિક્સ્ડ ડિપોઝિટ અને અન્ય વ્યાજ પર ટેક્સમાં માફી અપાઈ છે. મેડિકલ બિલમાં રૂ. ૪૦,૦૦૦ સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શનની છૂટ અપાઈ છે. એલઆઈસીમાં રોકાણમર્યાદા વધારીને રૂ. ૧૫ લાખ કરાઈ છે.

કોને શું મળ્યું ?

• કૃષિજગત, ખેડૂતોઃ ખેડૂતોની આવક બમણી કરાશે. ટેકાના લઘુતમ ભાવ દોઢ ગણા અપાય છે. ૨૨,૦૦૦ કૃષિ હબ્સ અને માર્કેટ શરૂ કરાશે. બટાટાં, ટામેટાં અને ડુંગળી માટે રૂ. ૫૦૦ કરોડની ફાળવણી કરાઈ છે. ખેતીલોન અપાશે.

• મહિલાઃ નોકરિયાત મહિલાઓના પગારમાંથી પીએફની કપાત ફક્ત ૮ ટકા કરાશે. પીએફમાં સરકારનો હિસ્સો ૮.૩૩ ટકાથી વધારીને ૧૨ ટકા કરાયો. ૮ કરોડ ગરીબ મહિલાઓને મફત ગેસકનેક્શન અપાશે.
• હેલ્થઃ વિશ્વમાં સૌથી મોટી હેલ્થ સ્કીમ. આ યોજના હેઠળ ૧૦ કરોડ ગરીબ પરિવારનાં ૫૦ કરોડ લોકોને હેલ્થ પ્રોટેક્શન સ્કીમ હેઠળ દર વર્ષે રૂ. ૫ લાખ સુધીની આરોગ્ય સહાય અપાશે. પાંચ લાખ આરોગ્ય કેન્દ્રો મફત અને સસ્તા દરે દવાઓ આપશે.
• ગરીબ વર્ગઃ સૌભાગ્ય યોજના હેઠળ દરેક ગરીબનાં ઘરમાં વીજળીનાં જોડાણો અપાશે. ૨૦૨૨ સુધીમાં દરેક ગરીબોને ઘર અપાશે. ગ્રામીણ વિસ્તારોમાં વધુ ૫૧ લાખ ઘર બનાવાશે. શહેરોમાં વધુ ૩૭ લાખ ઘર બનાવાશે.
• કોર્પોરેટ જગતઃ રૂ. ૨૫૦ કરોડ સુધીનો ટર્નઓવર ધરાવતી કંપનીઓએ ૨૦૧૮-૧૯માં ૨૫ ટકા ટેક્સ ચૂકવવો પડશે. રૂ. ૧૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી ફાર્મર પ્રોડયૂસર કંપનીઓએ કોર્પોરેટ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

બજેટ - આંકડાઓમાં
• રૂ. ૨૧.૫૭ લાખ કરોડ કુલ ખર્ચ
• રૂ. ૧૫.૧૬ લાખ કરોડ, કુલ આવક
• રૂ. ૧૨.૨૭ લાખ કરોડ કરવેરાની આવક
• રૂ. ૨.૮૮ લાખ કરોડ કરવેરા સિવાયની આવક
• રૂ. ૪.૩૮ લાખ કરોડ મહેસૂલી ખાધ
• રૂ. ૫.૯૫ લાખ કરોડ, રાજકોષીય ખાધ
• રૂ. ૧.૪૮ લાખ કરોડ, રેલવે માટે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter