મનીલાઃ ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં આસિયાન સંમેલનની સમાંતરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન મોદીએ ટ્રમ્પને જણાવ્યું હતું કે બંને દેશોના સંબધો દ્વિપક્ષીય સંબધોથી આગળ વધીને ઘણા ઘનિષ્ઠ થઇ ગયા છે. જ્યારે ટ્રમ્પે જણાવ્યું હતું કે જેન્ટલમેન મોદી મારા ખાસ મિત્ર છે, તેઓ બહુ સારુ કામ કરી રહ્યાં છે.
દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન બંને નેતાઓએ સંરક્ષણ અને સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાની વચ્ચે સંબધો મજબૂત થઇ રહ્યાં છે. મને લાગે છે કે બંને દેશોના સંબધો ફક્ત પરસ્પર હિત માટે નથી. આ સંબધો તેનાથી પણ આગળ છે. મોદીએ જણાવ્યું હતું કે અમે એશિયાના લાભ અને ભવિષ્ય તથા સમગ્ર વિશ્વમાં માનવતા માટે કાર્ય કરી રહ્યાં છે. મોદીએ ટ્રમ્પની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેમણે પોતાના એશિયાના પ્રવાસ દરમિયાન જયાં પણ તક મળી ત્યાં ભારતના વખાણ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે વિયેતનામના દાનંગ શહેરમાં એશિયા પેસિફિક ઇકોનોમિક કો-ઓપરેશન (એપેક) સમિટ અગાઉ સીઇઓને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇન્ડો-પેસિફિક રિજિયનમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે.
મોદીએ જણાવ્યું હતું કે તાજેતરમાં ટ્રમ્પ જ્યાં પણ ગયા ત્યાં ભારત અંગે બોલવાની તક મળી તો તેમણે ભારત અંગે હંમેશા સારો અભિપ્રાય જ આપ્યો છે. મોદીએ જણાવ્યું હતું કે હું તમને ખાતરી આપું છું કે વિશ્વ અને અમેરિકાની અમારા માટે જે અપેક્ષા છે તેને પૂર્ણ કરવા માટે ભારત હંમેશા પ્રયત્નશીલ રહેશે.
ટ્રમ્પે વડા પ્રધાન મોદીને પોતાના મિત્ર અને જોમદાર વ્યકિત ગણાવ્યા હતાં. અમેરિકાના પ્રમુખે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અહીં છે અને અમે પહેલા પણ મળી ચૂક્યા છીએ. તેઓ અમારા મિત્ર બની ગયા છે. તેઓ સારું કાર્ય કરી રહ્યાં છે. તેમણે અનેક સમસ્યા ઉકેલી છે અને અમે ભવિષ્યમાં પણ સાથે કાર્ય કરવાનું ચાલુ રાખીશું.
ભારતીયને મેદાન મળે તો કોઈ અટકાવી શકતું નથી
મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતીયોને એક વાર મોકળું મેદાન મળે પછી તેમને કોઈ અટકાવી શકતું નથી. વિશ્વયુદ્ધોમાં દેશો જીતવા માટે નહીં, પરંતુ વિશ્વશાંતિ માટે દોઢ લાખ ભારતીય સૈનિકોએ બલિદાન આપ્યાં હતાં. શાંતિ-રક્ષક દળોમાં યોગદાન આપતાં ભારતીયો માટે ગૌરવ છે.
દક્ષિણ એશિયા વિશ્વનું ડેવલપમેન્ટ એન્જિન
‘આસિયાન’ બિઝનેસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સમિટને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ‘આસિયાન’ દેશો વચ્ચે વ્યાપક સહકાર પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નજીકનાં ભવિષ્યમાં દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયા વિશ્વનાં ડેવલપમેન્ટ એન્જિન બની રહેશે. વ્યાપક સહકાર બંને પ્રદેશોની આર્થિક વૃદ્ધિ અને સર્વાંગી વિકાસને વેગ આપશે. ભારત સરકારની એક્ટ ઇસ્ટ પોલિસી આસિયાન દેશોને સંબંધોનાં કેન્દ્રસ્થાને લઈ આવી છે. મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં પરિવર્તન લાવવાનું કાર્ય અકલ્પનીય ઝડપથી આગળ વધી રહ્યું છે. હું ‘આસિયાન’ દેશોને ભારતની વિકાસગાથામાં ભાગીદાર થવાનું આમંત્રણ આપું છું.
મોદીએ જણાવ્યું હતું કે, મારી સરકારનો લક્ષ્યાંક ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવાં ભારત સરકારનાં પગલાં યુવાનોને નોકરી માગનારાં નહીં, પરંતુ નોકરી આપનારાં બનાવી રહ્યાં છે. નોટબંધીએ ભારતને લેસ-કેશ ઇકોનોમી ધરાવતો દેશ બનાવ્યો છે. તેમણે કહ્યું હતું કે જીએસટીથી દેશમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને મોટો વેગ મળ્યો છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સમાં ભારતે ૩૦ ક્રમ ઊંચે ચઢ્યું છે.
ભારત-અમેરિકા-જાપાન-ઓસ્ટ્રેલિયાનો સહયોગ
ચીને ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના ચતુર્ભુજ ગઠબંધનમાંથી પોતાની બાદબાકી પર સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે, આ ગઠબંધન ચીનનાં હિતો વિરોધી નહીં બને તેવી આશા છે. આ સહકારનો ઉપયોગ કોઈ ત્રીજા દેશને લક્ષ્યાંક બનાવવા નહીં થાય.
નેતાઓ રામાયણની રજૂઆતથી અભિભૂત
સમિટની ૫૦મી બેઠકના ઉદ્ઘાટનમાં મુખ્ય આકર્ષણ રામાયણ આધારિત નૃત્ય-નાટિકા હતી. નૃત્યનાટિકાથી ભારતના ફિલિપાઇન્સ સહિત ‘આસિયાન’ દેશો સાથેના સાંસ્કૃતિક જોડાણો પ્રતિબિંબિત થયાં હતાં. ઉદ્ઘાટન સમારંભમાં વડા પ્રધાન મોદી, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ, ચીનના વડા પ્રધાન લી કેકિવઆંગ, જાપાનના વડા પ્રધાન શિન્જો આબે સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રામાયણ પરની નૃત્યનાટિકાનું મંચન રામા હરિ નામની બેલે કંપનીએ કર્યું હતું.