રાંચી, નવી દિલ્હીઃ જૈન સમુદાયના દેશભરમાં પ્રચંડ વિરોધને પગલે ભારત સરકારે આખરે ધર્મસ્થળ સમેત શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરવાનો નિર્ણય રદ કર્યો છે. હવે ત્યાં ઈકો ટૂરિઝમ પર પ્રતિબંધ ફરમાવાયો છે. જૈનોનાં ભારે વિરોધ પ્રદર્શન અને દેખાવો પછી સરકારે જૈનોની માગણી સ્વીકારવાનું મહત્ત્વનું પગલું લીધું છે અને ત્યાં ઈકો ટૂરિઝમ એક્ટિવિટી પર રોક લગાવી છે અને ત્રણ વર્ષ પહેલા જાહેર કરેલો આદેશ રદ કર્યો છે. ઈકો સેન્સિટિવ ઝોનની દેખરેખ માટે સરકાર દ્વારા સમિતિ રચવામાં આવી છે.
‘જૈન સમાજની જીત’
ભારત સરકારના નિર્ણય બાદ આનંદ વ્યક્ત કરતા મુનિશ્રી ૧૦૮ પ્રમાણસાગરજી મહારાજે કહ્યું હતું કે આ સમાજની જીત છે. રાજ્ય સરકારે પણ આશ્વાસન આપ્યું છે કે તેઓ તેને ધર્મમસ્થળ જ રહેવા દેશે. પ્રવાસન સ્થળ નહીં બનાવે. કેન્દ્ર અને રાજ્ય સરકારને ધન્યવાદ. હવે અમે આ આંદોલન પૂરું કરીશું.
નવું નોટિફિકેશન જાહેર
કેન્દ્રના પર્યાવરણ મંત્રાલય દ્વારા પાંચમી જાન્યુઆરીએ નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ઝારખંડ સરકારને સમેત શિખરજી ખાતે તમામ પ્રકારની પર્યટન તેમજ ઈકો ટુરિઝમ પ્રવૃત્તિઓ કરવા સામે રોક લગાવવા આદેશ અપાયો છે. કેન્દ્રએ ઈકો સેન્સિટિવ ઝોનની દેખરેખ માટે એક સમિતિ બનાવી છે, જેમાં જૈન સમુદાયના બે અને સ્થાનિક જનજાતિ સમુદાયના એક સભ્યને કાયમી ધોરણે સ્થાન આપવા રાજ્ય સરકારને આદેશ અપાયો છે.
ગિરિડીહના ડીસીએ કહ્યું કે, શિખરજીના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. તેમને આશ્વાસન અપાયું હતું કે સ્થાનની પવિત્રતા જળવાશે. કોઈ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવશે.
હવે કઇ વાતે પ્રતિબંધ?
સરકારે હવે આ સમેતશિખર પર્વત પર કેટલાક પ્રતિબંધો લાગુ કર્યા છે, જેમાં શરાબ, ડ્રગ્સ અને અન્ય તમામ નશીલા પદાર્થોનું વેચાણ, મોટેથી મ્યુઝિક વગાડવું કે લાઉડ સ્પીકર વગાડવું, પાળતું જાનવરો સાથે અનધિકૃત રીતે કેમ્પિંગ અને ટ્રેકિંગ કરવું, માંસાહારી ખાધ પદાર્થોનું વેચાણ તેના જેવી પ્રવૃત્તિ સામે પ્રતિબંધ જાહેર કર્યા છે. આ ઉપરાંત પાણીના સ્ત્રોતો, ચટ્ટાનો, ગુફાઓ કે મંદિરોને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિ સામે મનાઇ ફરમાવાઇ છે.
નવા વિવાદના મંડાણ? આદિવાસી સમાજે કહ્યું કે પહાડ અમારા દેવતા, ખાલી કરાવો..
ભારત સરકારે જૈન સમુદાયની માગણી સ્વીકારી લીધી છે, તો આ પહાડની આસપાસ રહેતા સંથાલ આદિવાસી સમાજના લોકોએ દાવો કર્યો છે કે સરકાર જૈન સમાજના લોકોને અહીંથી હટાવે કારણ કે આ પહાડ સદીઓથી અમારા દેવતા ‘મારંગ બુરુ’ છે. આ અમારી આસ્થાનું કેન્દ્ર છે. બહારના લોકોએ અહીં આવીને કબજો કરી લીધો. અમે તેને ખાલી કરાવીને જ રહીશું.