જો હું સૂકાભઠ્ઠ બીડ જિલ્લાની તસવીર બદલી શકું તો આખા ભારતની તસવીર બદલી શકુંઃ મયંક ગાંધી

એક્સક્લુઝિવ મુલાકાત

- પાર્થ પંડ્યા Tuesday 09th July 2024 10:47 EDT
 
 

“જો હું મહારાષ્ટ્રના સૌથી અસરગ્રસ્ત ગણાતાં બીડ જિલ્લાની તસવીર બદલી શકું, તો હું આખા ભારતની તસવીર બદલી શકું,” આ શબ્દો મહારાષ્ટ્રના મરાઠવાડાના બીડમાં કામ કરી રહેલા મયંક ગાંધીના છે. મયંક ગાંધીને લોકો અણ્ણા હઝારેના ભ્રષ્ટાચારીવિરોધી આંદોલન ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય તરીકે ઓળખે છે. જોકે આંદોલનની રાજનીતિમાં જોડાયા એ પહેલાં મયંક ગાંધી ઇન્ટરનેશનલ અર્બન પ્લાનર હતા અને 2015માં આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ તેમણે સૂકાભઠ્ઠ ગણાતા મરાઠવાડાના ખેડૂતો માટે કામ કરવાના ઉદ્દેશ સાથે ગ્લોબલ વિકાસ ટ્રસ્ટની સ્થાપના કરી. ઉલ્લેખનીય છે કે બીડ જિલ્લો ખેડૂતોની આત્મહત્યા માટે સતત ચર્ચામાં રહે છે, મરાઠવાડામાં દર વર્ષે હજારેક ખેડૂત પોતાનો જીવ આપી દે છે અને છેલ્લાં આઠ વર્ષમાં છ દુકાળ પડ્યા છે. મયંક ગાંધી આ જિલ્લાનાં 4,200 ગામના ખેડૂતોની આવક વધારવાની સાથે ક્લાઇમેટ ચેન્જના સંકટ સામે લડી રહ્યા છે અને ખેડૂતોને ચળવળના માર્ગે પણ લઈ જઈ રહ્યા છે. આ વિશે જ વાત કરવા માટે તેઓ ડેનહામમાં અનુપમ મિશન ખાતે યોજાયેલા હિંદુ ઇકોનોમિક ફોરમ દ્વારા યોજાયેલી હિંદુ ઇકોનોમિક મીટમાં મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. આ અવસરે તેમણે ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceને એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ આપ્યો હતો.

પ્રશ્ન: બીડ જિલ્લાના ખેડૂતો સૌથી વધારે અસરગ્રસ્ત છે અને ત્યાં તમારી અને ગ્લોબલ વિકાસ ટ્રસ્ટની કામગીરી નોંધનીય છે. તમારા રૂરલ ટ્રાન્સફોર્મેશન મિશન શું છે અને તેનું લક્ષ્ય શું છે?
જવાબ: અમારું અંતિમ લક્ષ્ય આખા ભારતમાં પરિવર્તન આણવાનું છે. અને હું સમજું છું કે આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રે કામ થઈ રહ્યું છે, તેનાથી બાળકો ભણશે પણ જો તમારે ભારતની કાયાપલટ કરવી હોય તો તેનો એક જ રસ્તો છે અને એ છે સસ્ટેનેબલ એગ્રિકલ્ચર એટ સ્કેલ. કાયાપલટ માટે તમારે ખેડૂતોની આવક વધારવી પડશે. આ કામ કરવા માટે અમે એવો જિલ્લો પસંદ કર્યો કે જ્યાં સૌથી વધારે ખેડૂતોની આત્મહત્યા થાય છે. મને થયું કે જો હું મહારાષ્ટ્રના બીડ જિલ્લાની તસવીર બદલી શકું, તો હું આખા ભારતની તસવીર બદલી શકું. આજે અમે 4,200 ગામમાં કામ કરી રહ્યા છીએ.
પ્રશ્ન: તમામ વાચકો બીડ જિલ્લાની પરિસ્થિતિથી અવગત નહીં હોય, તો બીડ જિલ્લાના ખેડૂતોની કેવી પરિસ્થિતિ છે અને તમે આ ગામોમાં ગયા, ત્યારે તમે શું જોયું?
જવાબ: અહીં એવી દશા હતી કે પૂરતું પાણી નહોતું, બાળકોએ દૂધનો સ્વાદ ચાખ્યો ન હતો, ત્યાં હજી દુષ્કાળ પડે છે, ખેડૂતોની આવક ખૂબ ઓછી હતી અને આત્મહત્યાનો દર વધારે હતો. બીડ જિલ્લાના પરલી તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી, ત્યાંનાં ગામોમાં બંદૂકો અને તલવારો હતી એથી પરલીમાં કામ શરૂ કરવાનું વિચાર્યું. હું ઇન્ટરનેશનલ અર્બન પ્લાનર હતો, ગામનું જીવન નજીકથી મેં કદી જોયું ન હતું, મને મરાઠી ભાષા પણ આવડતી ન હતી. હું એ ગામોની કાયાપલટ કરવાના વિચાર સાથે ગયો હતો પણ મને જલદી જ સમજાઈ ગયું કે હું ભારતને કે એના ગ્રામ્યજીવનને જાણતો સમજતો નથી. થોડાં વર્ષોમાં હું ગામડાઓમાં વસતા ભારતને સમજ્યો અને એમની સમસ્યાઓનો પણ મને ખ્યાલ આવ્યો. હું એવા પરિવારો સાથે રહ્યો, જેમના પરિવારજનોએ આત્મહત્યા કરી હોય અને ત્યારે મને સમજાયું કે આ ગામોનો પ્રશ્ન આરોગ્ય-શિક્ષણ આપવાથી હલ થાય એમ નથી, આ આખો મામલો આર્થિક છે અને ખેડૂતોની આત્મહત્યા અટકાવવા માટે એની પર કામ કરવું પડશે.
પ્રશ્ન: આ પરિસ્થિતિ વચ્ચે કઈ રીતે તમે કામગીરી શરૂ કરી અને એનાથી ખેડૂતોની જિંદગી કઈ રીતે બદલાઈ?
જવાબ: શરૂમાં અમે દારૂની લતની સામે લોકચળવળ ઊભી કરી. ત્યાં દેશી પદ્ધતિથી દારૂ બને છે, જેની ઝેરી અસરથી લોકોનાં મૃત્યુ પણ થતાં હોય છે. એ પછી અમે દહેજપ્રથાની વિરુદ્ધ ચળવળ ઊભી કરી, કેમ કે દીકરીનાં લગ્નમાં દહેજ માટે ત્યાંના વ્યાજખોરો પાસે ખેડૂતો પોતાનાં ખેતર ગીરવે મૂકી દે અને પછી પૂરતો વરસાદ ન પડે કે પાક નિષ્ફળ જાય, તો વ્યાજ ચૂકવી ન શકે અને એ પરિસ્થિતિમાં ખેડૂતો આત્મહત્યા કરી બેસે છે. એ પછી અમે જળસ્રોતો વિકસાવવા માટેની ચળવળ આરંભી. અમે પાપાનાશી નદીને ઊંડી અને પહોળી કરવા માટે 70 કિલોમીટર જેટલી જગ્યામાં કામ કર્યું. સાથે જ અમે 164 ખેતતલાવડી અને 62 ચેકડેમ બનાવ્યાં; જેના કારણે 2.22 બિલિયન લિટર જેટલું જળસંચય અહીં કરી શક્યા છીએ. એ પછી અમે ખેડૂતોને પાક લેવાની પદ્ધતિમાં ફેરફાર કરવાનું સૂચવ્યું, કપાસ અને સોયાના બદલે ફળોની ખેતી કરવાનાં સૂચનો કર્યાં. કેટલાક ખેડૂતો અમારાં સૂચનો પ્રમાણે ચાલ્યા અને અમે પહેલા વર્ષે 2019માં 1.185 મિલિયન છોડ રોપ્યા અને અત્યાર સુધીમાં 50 મિલિયન કરતાં વધારે છોડ રોપી શક્યા છીએ. આ ફેરફારોના કારણે, અમે આપેલી તાલીમના કારણે અને માર્કેટિંગના કારણે ત્યાંના ખેડૂતોની આવકમાં વધારો થયો છે.
પ્રશ્ન: એના આંકડા આપી શકો?
જવાબ: હા. અમે ખેડૂતોને કહેતા હતા કે એક એકર દીઠ 30-35 હજાર રૂપિયા પ્રતિ વર્ષની આવકથી વધારીને તમારી આવક એક લાખ રૂપિયા કરવા માગીએ છીએ. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના થર્ટપાર્ટી ઇમ્પેક્ટ એસેસમેન્ટના ફેબ્રુઆરી 2024માં આવેલા રિપોર્ટનું તારણ એવું છે કે 63.9 ટકા ખેડૂતોની વર્ષે 25 હજાર રૂપિયા કરતાં ઓછી આવક હતી, જ્યારે 21.8 ટકા ખેડૂતોની વાર્ષિક આવક 25થી 50 હજારની વચ્ચે હતી. એટલે કે ખેડૂતોની સરેરાશ આવક 38,700 રૂપિયાની આસપાસ હતી, જેને 2024 સુધીમાં વધારીને 3,93,986 રૂપિયા કરવામાં અમે સફળ થયા છીએ. એટલે કે ખેડૂતોની સરેરાશ આવક દસગણી થઈ છે. એના કારણે આત્મહત્યાનું પ્રમાણ પણ ઘટ્યું છે.
પ્રશ્ન: તમારી વાત પરથી મને સમજાય છે કે લોકચળવળ અને લોકભાગીદારી એ તમારી કામગીરીનાં મુખ્ય પાસાં છે. તમારી નજરે એની ભૂમિકા શું છે અને શું તેની પ્રેરણા તમને ગાંધીજીના ગ્રામસ્વરાજમાંથી લીધી છે?
જવાબ: શહેરોના લોકો જે રીતે ગ્રામ્યજીવનને સમજ્યા વગર ગામડાઓમાં લોકોને ‘સુધારવાના ઇરાદે’ જાય છે, એની સામે ગામના લોકોને મોટો વાંધો છે. મને પણ લાગ્યું કે તેમના જીવનને સમજ્યા વગર તેમને સૂચનો આપવા એ અયોગ્ય ગણાશે. તેમનો વિશ્વાસ જીતવા માટે તેમની સાથે કામ કરવાની અને લોકચળવળ ઊભી કરવાની જરૂર મને વર્તાતી હતી. લોકચળવળનો મને ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન વખતથી અનુભવ હતો. લોકચળવળ એ લોકોનાં દિલ સુધી પહોંચવાનો અમારી માટે એકમાત્ર રસ્તો હતો અને એમાં અમે સફળ થયા છીએ. અમે ગ્રામલોકોને કહેતા હતા કે આ તમારી જિંદગી છે અને અમે તો ખાલી ખભેથી ખભો મિલાવી શકીએ, છેવટે તમારા માટે તમારે જાતે જ લડવું પડશે. લોકચળવળથી જ અમે તેમનો ભરોસો જીતી શક્યા છીએ. લોકચળવળથી જ આ કામગીરીનો દરવાજો ખૂલી શક્યો, એના વગર એ શક્ય ન બન્યું હોત. અમે પરંપરાની ક્રેડિટ આપીએ જ છીએ પણ અમે પરંપરા અને ટેકનોલોજીને સાથે લઈને ચાલ્યા છીએ.
પ્રશ્ન: ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે, એ વિશે થોડી વાત કરશો?
જવાબ: અમે ટેકનોલોજીની મદદથી મેપિંગ કરી દીધું છે, એકેએક ઝાડ મેપ કરેલું છે. ખેતરમાં અમે ડ્રોનની મદદથી અમે ચેકિંગ કરીએ છીએ, જેના આધારે અમે ખેડૂતને માર્ગદર્શન આપી શકીએ છીએ. સોઇલ ટેસ્ટિંગની પણ મદદ લેવાઈ રહી છે. અમે યુનિવર્સિટી સાથે નોલેજ પાર્ટનરશિપ કરી છે, એમની પણ મદદ મળી રહી છે. અમે ખેડૂતોને કેમિકલથી દૂર રહીને ઓર્ગેનિક ખેતી કરવાની સલાહ આપીએ છીએ અને એ માટે મદદ કરીએ છીએ. હવે ખેડૂતો પણ ટેકનોલોજીને સ્વીકારી રહ્યા છે. અમે હવે ક્લસ્ટર પર કામ કરી રહ્યા છીએ, વેપારીને ત્યારે માલ લેવામાં રસ પડે છે જ્યારે તેમને મોટો જથ્થો એકસાથે મળી રહે. અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડેટા એકઠો કરીએ છીએ અને એ વેપારીઓ સુધી પહોંચાડીએ છીએ. 2019માં 1,46,000 પપૈયાનાં રોપાં કર્યાં, એ આખા મહારાષ્ટ્રની તુલનામાં નાનો આંકડો છે પણ એકસાથે આટલા મોટા પ્રમાણમાં તેનો ઉછેર થતો હતો એટલે દિલ્હી, કોલકાતા, મૈસૂરથી વેપારીઓ આવ્યા અને ફાર્મગેટથી સારા ભાવે પપૈયા લઈ ગયા.
પ્રશ્ન: માત્ર બીડ જિલ્લો જ નહીં પણ મરાઠવાડા અને વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યાનો પ્રશ્ન ઊભો જ છે. 2023ના રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્રમાં 2800 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું નોંધાયું છે. હજી પણ આ પ્રશ્નનું સમાધાન કેમ નથી આવી શકતું? સરકાર, તંત્ર અને સમાજ હજી ક્યાં પાછા પડે છે?
જવાબ: ત્યાં જતા પહેલાં આ વિષય પર ઘણા બધા એકેડમિક પેપર્સ વાંચ્યા હતા, પછી ત્યાં જઈને ખબર પડી કે આપણે લોકો સમજી જ નથી શક્યા કે આત્મહત્યા કેમ થાય છે. એના મૂળમાં ગરીબી તો છે જ પણ મારી દૃષ્ટિએ આ બાબત સામાજિક પણ છે. આ ગામોમાં દહેજપ્રથાનું ચલણ છે. દહેજ માટે જમીનો મહિનાના પાંચ-સાત ટકા વ્યાજે ગીરવે મૂકી હોય અને પછી આઠ વર્ષમાં છ વખત દુષ્કાળ પડે એટલે વ્યાજ અને મૂડી ચૂકવી ન શકે, એથી વ્યાજખોરો ઉઘરાણી કરવા માટે આવે. આ ઉપરાંત સરકાર આત્મહત્યા કરનાર ખેડૂતોના પરિવારને દોઢથી ત્રણ લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવે છે. એના કારણે પણ ખેડૂતો આત્મહત્યા કરવા માટે પ્રેરાયા હોય એવા કિસ્સા છે. સરકારની સહાય કેટલાક ખેડૂતોને આત્મહત્યા કરવા માટે પ્રેરી પણ રહી છે. ખેડૂત આત્મહત્યા એક દિવસમાં નથી કરતો, કેટલાય દિવસોથી તે તેના મનમાં આત્મહત્યા જ કરતો હોય છે. એક ખેડૂત આત્મહત્યા કરે છે, ત્યારે બીજા હજાર ખેડૂતો આત્મહત્યા કરવા માટે તૈયાર જ હોય છે. આપણે આત્મહત્યા કરનાર ત્રણ હજાર ખેડૂતોને જોઈએ છીએ પણ આત્મહત્યા કરવા તૈયાર બેઠેલે ત્રણ લાખ ખેડૂતોને જોતા નથી. ક્યારેક ક્યારેક સામાજિક મોભો અને જ્ઞાતિગત બાબતો પણ કારણ હોય છે.
પ્રશ્ન: તમારા કારકિર્દી વિશે વાત કરીએ તો ઇન્ટરનેશનલ અર્બન પ્લાનર, પછી અણ્ણા હઝારે આંદોલન, એ પછી આમ આદમી પાર્ટીની સ્થાપનામાં તમારી ભૂમિકા, અને હવે સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે તમે અત્યારે કામ કરી રહ્યા છો. તો આને તમે કઈ રીતે જુઓ છો અને એનાં કારણો કયાં છે?
જવાબ: દુર્યોધન અને ભીમની લડાઈ 15 દિવસ સુધી ચાલી હતી અને હજી ચાલુ રહી હોત જો કૃષ્ણએ ભીમને ઉરુભંગ માટેનો સ્પોટ ન બતાવ્યો હતો. તો મારી પણ એવી જ દશા છે, હું પણ એ સ્પોટ શોધી રહ્યો છું. હું ભારતની કાયાપલટ માટેનો સ્પોટ શોધું છું. પહેલાં મને થયું કે પોલિસી ચેન્જ કરવાથી એ શક્ય બનશે તો રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI Act 2005) માટે કામ કર્યું, જેથી મુઠ્ઠીભર લોકોના બદલે લોકોના હાથમાં પાવર આવી શકે. એ દિશામાં દેશને બદલી શકાય પણ ઘણો લાંબો સમય લાગી જશે. તો મને થયું કે આખી પોલિટિકલ સિસ્ટમ પર દબાણ ઊભું કરવું પડશે, તો અમે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનનું આંદોલન શરૂ કર્યું. પછી થયું કે આ આંદોલનથી દેશ નહીં બદલાય તો હવે સિસ્ટમની અંદર જઈને દેશને બદલીએ, એટલે આમ આદમી પાર્ટીની શરૂઆત કરી. એ પછી અરવિંદ કેજરીવાલે પાર્ટીને હાઇજેક કરીને દિશા બદલી કાઢી, એટલે એ પણ છોડી દીધી. છેવટે મને થયું કે આ બધું કરવા કરતાં લોકો વચ્ચે જઈએ અને એમની ચળવળ ઊભી કરીએ.
પ્રશ્ન: તમે આમ આદમી પાર્ટી છોડી ચૂક્યા છો, એ વિશે તમે પુસ્તક પણ લખ્યું છે પણ તમે અત્યારે આમ આદમી પાર્ટીને કઈ રીતે જુઓ છો? ઈડી સામે પાર્ટીના નેતાઓના ઘણા આરોપો છો, તમે એને કઈ રીતે જુઓ છો?
જવાબ: મને એ જોઈને બહું જ દુખ થાય છે, આખો દેશ તેમને ટેકો આપવા માટે રસ્તા પર આવ્યો હતો અને એ લોકો ત્યાંથી ઘણા આગળ જઈ શક્યા હોત. જેના બદલે આમ આદમી પાર્ટી બીજી રાજકીય પાર્ટીઓ જેવી વધુ એક પાર્ટી બનીને રહી ગઈ. એવું થયું મૂલ્યોની જગ્યા સત્તાએ લઈ લીધી. તેઓ દેશની રાજનીતી બદલવા આવ્યા હતા પણ સત્તા એવી ઝેરી ચીજ છે કે તેઓ ફરી સત્તામાં આવવા માટે પગલાં લેવા લાગ્યાં. જેની કિંમત અત્યારે આમ આદમી પાર્ટી ચૂકવી રહી છે.
પ્રશ્ન: ભારતનાં કેટલાંક રાજ્યોમાં રણીકરણનો પ્રશ્ન જટીલ છે અને મહારાષ્ટ્રમાં પણ અસરગ્રસ્ત રાજ્ય છે. તો રણીકરણ અને ક્લાઇમેટ ચેન્જ કઈ રીતે લડી રહ્યા છો?
જવાબ: અમે જળસંચય માટે કામ કરી રહ્યા છીએ અને જળસ્રોતોને ઊભા કરવાની દિશામાં ઘણું કામ કરી શક્યા છીએ. આ ઉપરાંત અમે ખેતીલાયક જમીનની ગુણવત્તા વધારવા પર પણ કામ કરી રહ્યા છીએ. આ ઉપરાંત અમે વૃક્ષો ઉગાડવાનું કામ મુખ્યરૂપે કરી રહ્યા છીએ.
પ્રશ્ન: હવે આ ચળવળની આગળ વધારવાની તમારી યોજના શું છે?
જવાબ: અમને થયું કે 4,200 ગામમાં કામ કરી રહ્યા છીએ પણ ભારતના લાખો ગામો સુધી ક્યારે પહોંચી રહીશું, એટલે અમે બીડ જિલ્લામાં વર્લ્ડ ક્લાસ ફાર્મર્સ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરી રહ્યા છીએ, જ્યાં આખા દેશમાંથી ખેડૂતો આવી શકશે અને ત્યાં રહીને જોશે કે અમે શું કામગીરી કરી રહ્યા છીએ, અને એમાંથી એ લોકો શીખી પણ શકશે. આ ઉપરાંત અમે ખેડૂતો માટે એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર) પણ બનાવી છે. અહીં 200 ખેડૂતો રહી શકે, એ માટે વ્યવસ્થા કરાઈ છે. એમાં 22 પ્લોટમાં જુદાં-જુદાં ફળોનું વાવેતર કર્યું છે. આ ટ્રેનિંગ સેન્ટર હમણાં જ તૈયાર થયું છે અને અમે ધારીએ છીએ કે જલદી જ અહીં ખેડૂતોને તાલીમ આપવાનું શરૂ કરીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter