જ્ઞાનવાપી પરિસરઃ મસ્જિદ છે? કે મંદિર હતું?

ત્રણ મુદ્દાના આધારે દાવો છે કે મસ્જિદની જગ્યાએ મંદિર હતું

Wednesday 18th May 2022 04:43 EDT
 
 

વારાણસીઃ છેલ્લા કેટલાય દિવસોથી મંદિર-મસ્જિદ મુદ્દે ચર્ચાનું કેન્દ્ર બનેલી જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાંથી શિવલિંગ મળ્યાના અહેવાલ સાથે જ દેશભરમાં ઉત્તેજનાનું મોજું ફરી વળ્યું છે તો આ મામલે કોર્ટમાં શરૂ થયેલા કાનૂની જંગમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. સ્થાનિક કોર્ટના આદેશથી શરૂ થયેલો તપાસનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે.
જ્ઞાનવાપી પરિસરમાંથી શિવલિંગ મળ્યાના અહેવાલો બાદ સોમવારે સ્થાનિક કોર્ટે આ સ્થળે યથાવત્ સ્થિતિ જાળવવાની સુચના સાથે આ સ્થળને સીલ કરવા આદેશ આપ્યો હતો. આ આદેશને અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ કમિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડાકારાયો હતો. અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે જે જગ્યાએથી શિવલિંગ મળ્યું હોવાનું કહેવાય છે તે સ્થળને સંરક્ષિત રાખવામાં આવે. જોકે આ સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે મુસ્લિમ પક્ષને ત્યાં નમાજ પઢતાં અટકાવવામાં ન આવે.
સ્થાનિક કોર્ટના આદેશથી મસ્જિદમાં સર્વે કરનાર પ્રતિનિધિમંડળના સભ્ય એવા હિંદુ પક્ષના વકીલોનો દાવો છે કે તપાસ દરમિયાન જાણવા મળે છે કે જ્ઞાનવાપી પરિસર વર્ષોપૂર્વે હિન્દુ ધર્મસ્થાન હતું અને મંદિર તોડીને આ મસ્જિદ બનાવવામાં આવી છે તેવું પુરવાર કરતાં કલ્પનાથી પણ વધુ પુરાવાઓ મળી આવ્યા છે.
આ દાવા સાથે એક પછી એક રાજકીય નિવેદનોનો દોર શરૂ થઇ ગયો છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યે ટ્વિટ કર્યું હતું કે તમે સત્યને ગમેતેટલું છુપાવો, તે એક દિવસ બહાર આવે જ છે. સત્ય હી શિવ હૈ... વિશ્વ હિન્દુ પરિષદે દાવો કર્યો હતો કે સર્વેનું તારણ પુરવાર કરે છે કે અગાઉ આ સ્થળે મંદિર હતું. આ પછી એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઔવેસીએ કહ્યું હતું કે બાબરી મસ્જિદ પછી મુસ્લિમો વધુ એક મસ્જિદ ગુમાવવા તૈયાર નથી. જ્યારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે કેન્દ્રની ભાજપ શાસિત સરકાર અમારી તમામ મસ્જિદો પચાવી પાડવા માગે છે. અમે જ્યાં પ્રાર્થના કરીએ છીએ ત્યાં જ અમારા ઇશ્વર હોય છે. તેમને મસ્જિદમાં જ ભગવાન મળે છે.

નાનકડા કૂવામાં શિવલિંગ
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં એક નાનકડા કૂવામાંથી શિવલિંગ મળી આવ્યું છે. આ શિવલિંગની ઊંચાઈ ૩ ફૂટ હોવાનું મનાય છે. શિવલિંગવાળા સ્થળને તરત જ સીલ કરવા તેમજ સુરક્ષિત કરવા વારાણસી કોર્ટે ડીએમને આદેશ આપ્યો હતો. સાથે સાથે જ અહીં કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લાદવા ફરમાન કરાયું છે.
કોર્ટે ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર, સીઆરપીએફ કમાન્ડન્ટને આ સ્થળને સંપૂર્ણ સુરક્ષિત રાખવાની વ્યક્તિગત જવાબદારી સોંપી છે. સર્વેની માહિતી લીક કરનાર એક ટીમ મેમ્બરને ટીમમાંથી હટાવી દેવામાં આવ્યા છે. એવો દાવો પણ કરાયો છે કે મળી આવેલું શિવલિંગ બરાબર નદીની સામે જ છે.
હિન્દુ પક્ષકારો ડો. સોહનલાલે દાવો કર્યો હતો કે અંદર બાબા મળી ગયા છે. ખૂબ મહત્ત્વનો પુરાવો મળી ગયો છે. હવે પશ્ચિમની દીવાલ પાસે 75 ફૂટ લાંબા, 30 ફૂટ પહોળા અને 15 ફૂટ ઊંચા કાટમાળની સર્વે કરવા માગણી કરવામાં આવશે. જ્યાંથી શિવલિંગ મળી આવ્યું છે તે સ્થળની આસપાસ મુસ્લિમો દ્વારા વઝુ કરવામાં આવે છે તેથી આ વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવીને કોઈને વુઝુ નહીં કરવા પણ સ્થાનિક કોર્ટે આદેશ આપ્યો છે. ફક્ત 20 મુસ્લિમોને અહીં નમાજ અદા કરવાની છૂટ અપાઈ છે.

જ્ઞાનવાપી મસ્જિદમાં મંદિરના અનેક અવશેષ મળ્યા

ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી મસ્જિદને લઇને વિવાદ વધી રહ્યો છે. કોર્ટે આ મસ્જિદના સરવેની છૂટ આપી દીધી હતી, જે બાદ વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર મોટા ભાગના વિસ્તારની વીડિયોગ્રાફી કરી લેવાઇ છે. અત્યાર સુધી મસ્જિદ કમિટી દ્વારા વીડિયોગ્રાફીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જોકે અંતે કોર્ટના કડક આદેશનું પાલન કરાયું હતું.

મસ્જિદની તિજોરી બાદ ઉપરના ઢાંચાની પણ વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે આ પહેલા શનિવારે સર્વે દરમિયાન મળેલા નિશાનોના આધારે હિન્દુ પક્ષે કહ્યું છે કે અમારો પક્ષ વધુ મજબુત થયો છે. હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈને કહ્યું હતું કે અમે જે પણ દાવો કરી રહ્યા હતા તે જ પ્રકારના પુરાવા મળી રહ્યા છે.
હરિશંકરે જણાવ્યું હતું કે સર્વે દરમિયાન જે પણ કઇ મળી રહ્યું છે તે અમારા પક્ષમાં છે. સર્વેની કામગીરી દરમિયાન પશ્ચિમી દિવાલ, નમાઝ સ્થળ સહિતના કેટલાક સ્થળોએ ફરી વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે એક રૂમમાં પાણી અને કાટમાળ હોવાથી સર્વેની કામગીરી નહોતી થઇ શકી.
જ્ઞાાનવાપી મસ્જિદના અત્યાર સુધીના સર્વે દરમિયાન દિવાલો પર ત્રિશૂલ અને સ્વસ્તિકના નિશાન જોવા મળ્યા હતા. જ્યારે અંદર મગરમચ્છની મુર્તી પણ હતી. જ્ઞાનવાપી મસ્જિદ પ્રતિષ્ઠિત કાશી વિશ્વનાથ મંદિરની નજીક આવેલી છે. સ્થાનિક કોર્ટ મહિલાઓના એક સમૂહ દ્વારા મસ્જિદની દિવાલો પર દૈનિક દર્શન અને પ્રાર્થનાની અનુમતીની માગણી કરી હતી જેની કોર્ટ દ્વારા સુનાવણી ચાલી રહી છે.
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં અદાલતના સખ્ત આદેશ બાદ શનિવારે ફરીથી સર્વેની કામગીરી શરૂ કરાઇ હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટ કમિશનર અજય કુમાર મિશ્રા, વિશાલ સિંહ, અધિકારીઓ તેમજ બંને પક્ષોના ૫૨ લોકોની ટીમે જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં પ્રવેશ કર્યો હતો. આજે સર્વે ટીમે મસ્જિદના ભોંયરાના ચાર રૂમનો સર્વે પૂર્ણ કર્યો છે.
કલ્પના કરતાં પણ વધુ પુરાવા
ભોંયરામાં સાપ હોવાની આશંકાને કારણે મદારીને પણ સાથે રખાયા હતા. હિન્દુ પક્ષના વકીલે દાવો કર્યો છે કે પુરાવાઓ અમારા પક્ષમાં છે. અપેક્ષાથી વધુ પુરાવાઓ પ્રાપ્ત થયા છે. વિશ્વ વૈદિક સનાતન સંઘના વડા જિતેન્દ્ર સિંહ બિસેને સર્વેનો પ્રથમ દિવસ પૂર્ણ થયા બાદ કહ્યું હતું કે, કોર્ટે આ સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણપણે ગોપનીય રાખવાનો આદેશ આપ્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં અમે કોઇ જાણકારી ના આપી શકીએ. જોકે, તેઓએ ભારપૂર્વક કહ્યું હતું કે, ત્યાં જે કંઇ પણ હતું તે કલ્પનાથી પણ વધુ હતું.
પાંચ મહિલાઓની જ્ઞાનવાપી મસ્જિદની બાહ્ય દિવાલો પર બનેલા દેવી-દેવતાઓની પૂજાની અનુમતિ માંગવા માટેની અરજીના મામલામાં વારાણસીની કોર્ટે સર્વેનો આદેશ આપ્યો હતો. પરંતુ ગત સપ્તાહે મુસ્લિમ પક્ષોના વિરોધને કારણે સર્વેનું કામ અટક્યું હતું.
સ્ટેની માગ સુપ્રીમ કોર્ટે નકારી
આ બાદ ફરીથી અદાલતે કોઇ પણ રીતે સર્વે જારી રાખવા તેમજ ૧૭ મે સુધી સર્વે રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ સર્વે પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. સર્વે માટે મસ્જિદ પરિસરની આસપાસના ૧ કિલોમીટરના વિસ્તારમાં 1500થી વધુ પોલીસકર્મીઓ તેમજ PAC જવાનો તહેનાત હતા. રવિવારે પણ સર્વેની કામગીરી ચાલુ રહેશે.
ત્રણ રૂમના તાળાં તોડીને સર્વે
સર્વે ટીમે ભોંયરાના ચાર રૂમનો સર્વે પૂર્ણ કર્યો હતો. તેમાં ત્રણ રૂમ મુસ્લિમ પક્ષના કબ્જામાં જ્યારે એક રૂમ હિંદુ પક્ષના કબ્જામાં છે. ત્રણ રૂમમાં તાળા હતા. કેટલાકને ચાવી દ્વારા ખોલવામાં આવ્યા અને અમુક તાળા તોડવાની પણ નોબત આવી હતી. ચારેય રૂમનું નિરીક્ષણ કરાયું હતું. દીવાલોની બનાવટથી લઇને સ્તંભોની પણ વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. સર્વે બાદ ફરીથી દરેક રૂમને સીલ કરવામાં આવ્યા છે.
મસ્જિદના તમામ ખૂણાનો સર્વે કરવા આદેશ
જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં કોર્ટે આ પૂર્વે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદના દરેક ખૂણાનો ફરી વીડિયો સર્વે કરવા વારાણસી લોઅર કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટ કમિશનર અજય મિશ્રાને બદલવાની મુસ્લિમ પક્ષકારોની માગણી કોર્ટે ફગાવી છે અને તેની મદદ માટે વધુ બે સહાયક કમિશનરની નિયુક્ત કરવા આદેશ આપ્યો છે. કોર્ટે 17મી મે પહેલાં સર્વેની કામગીરી પૂરી કરવા અને રિપોર્ટ રજૂ કરવા ફરમાન કર્યું છે. જે લોકો વિરોધ કરે છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા કોર્ટે આદેશ આપ્યો છે. આમ કોર્ટના ચુકાદાથી મુસ્લિમ પક્ષકારોને ફટકો પડ્યો છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે મસ્જિદના ખૂણેખૂણાનો સર્વે કરવામાં આવે. કોર્ટે કમિશનર અજય મિશ્રાની મદદ માટે અન્ય બે સહાયક કમિશનર વિશાલસિંહ તેમજ અજય પ્રતાપસિંહની નિયુક્તિ કરી છે અને સર્વેમાં મદદ કરવા ફરમાન કર્યું છે. વિશાલસિંહ હાજર ન હોય ત્યારે અજય પ્રતાપસિંહ મદદ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter