નવી દિલ્હી: જ્ઞાનવાપી મસ્જિદની જેમ હવે મધ્ય પ્રદેશની ઇન્દોર હાઇ કોર્ટની બેન્ચે ધાર ભોજશાળાનો સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઈ)ને પાંચ નિષ્ણાતોની ટીમ બનાવવા જણાવ્યું છે. ટીમે છ અઠવાડિયામાં તેનો રિપોર્ટ આપવાનો રહેશે. હિંદુ પક્ષ તરફથી તેની એએસઆઈ સર્વે કરાવવાની માંગ કરાઇ હતી. હિંદુ પક્ષે અહીં થનારી નમાજને રોકવાની પણ માંગ કરી હતી. ભોજશાળા વિવાદ પર નજર નાખીએ તો ધાર ભોજશાળા રાજા ભોજે બનાવડાવી હતી. જિલ્લા વહીવટી તંત્રની વેબસાઇટ મુજબ આ એક યુનિવર્સિટી હતી. તેમા વાગ્દેવીની મૂર્તિ સ્થપાઇ હતી. મુસ્લિમ શાસકે તેને મસ્જિદમાં બદલી કાઢી હતી. તેના અવશેષ પ્રસિદ્ધ મૌલાના કમાલુદ્દીન મસ્જિદમાં જોઈ શકાય છે.
વાગ્દેવીની મૂર્તિ લંડન મ્યુઝિયમમાં
આ મસ્જિદ ભોજશાળાના કેમ્પસમાં છે. જ્યારે વાગ્દેવીની મૂર્તિ લંડનના મ્યુઝિયમમાં છે. ભોજશાળામાં મુસ્લિમ પક્ષને નમાઝ પઢવા માટે શુક્રવારે બપોરે એકથી ત્રણ પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે હિંદુઓને મંગળવારે પૂજા અર્ચના કરવાની છૂટ છે. બંને પક્ષને તેના માટે વિનામૂલ્યે પ્રવેશવાની છૂટ છે. બાકીના દિવસોમાં એક રૂપિયાની ટિકીટ લાગે છે. તેના ઉપરાંત વસંત પંચમી પર સરસ્વતી પૂજા માટે હિંદુ પક્ષને સમગ્ર દિવસ પૂજા અને હવન કરવાની છૂટ છે. હાઈ કોર્ટે સમગ્ર સરવેની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા જણાવ્યું છે. કોર્ટે જણાવ્યું હતું કે જીપીઆર-જીપીએસ દ્વારા એકદમ વૈજ્ઞાનિક સર્વે કરવામાં આવે. જીપીઆરનો અર્થ ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર થાય છે. તે જમીનની અંદરના જુદા- જુદા સ્તરોને ચકાસવાની પદ્ધતિ છે.
ભોજશાળાનો કબજો હિન્દુઓને સોંપવા માગ
હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસે 1-5-2022માં ઈન્દોર હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમા કહેવાયું હતું કે ભોજશાળાનું સંપૂર્ણ આધિપત્ય હિંદુઓને સોંપવું જોઈએ. દર મંગળવારે હિંદુ ભોજશાળામાં યજ્ઞ કરી તેને પવિત્ર કરે છે. જ્યારે શુક્રવારે મુસલમાન નમાઝ પઢીને યજ્ઞકુંડને અપવિત્ર કરે છે તેને રોકવું જોઈએ. તેમાં ભોજશાળાની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને ખોદકામ કરવાની માંગ કરવામાં આવી. હવે હાઈ કોર્ટે સરવેની માંગ સ્વીકારી લીધી છે.
આ સરવેમાં આસપાસના 50 મીટરના વિસ્તારને ચકાસવામાં આવશે. 2006, 2012 અને 2016માં વસંત પંચમી શુક્રવારે આવતા વિવાદ સર્જાયો હતો. હિંદુ પક્ષને પૂજા અને મુસ્લિમને નમાઝ માટે છૂટ છે. આ સ્થિતિમાં શુક્રવારે વસંત પંચમી આવે ત્યારે પૂજા અને નમાઝ બંને કરાવાય છે. હવે આવી સ્થિતિ 2026માં આવશે.