જ્યાં જ્યાં ચરણ પડ્યાં રઘુવરનાં... દશાનનના દેશ શ્રીલંકામાં શ્રી રામ સર્કિટ રચાશે

Saturday 08th April 2023 05:59 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય મહાકાવ્ય રામાયણ સાથે શ્રીલંકાનો એક સમૃદ્ધ અને ઐતિહાસિક સંબંધ છે. શ્રીલંકાના રાજા રાવણ દ્વારા સીતાહરણ અને ભગવાન શ્રીરામની લંકાવિજયની કથાથી કોણ અજાણ છે? હવે શ્રીલંકા પણ રામાયણ સર્કિટ બનાવી રહ્યું હોવાના અહેવાલો છે. આ એ જ સ્થાન છે જ્યાં જ્યાં શ્રી રામના ચરણો પડયા હતાં. યાત્રાળુઓ માટે સીતા સર્કિટ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાસ નોંધનીય બાબત એ પણ છે કે, ભારતીય પર્યટકો આસાનીથી આર્થિક વ્યવહાર કરી શકે તે માટે ભારતીય કરન્સી રૂપિયાને અનુમતી આપવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે.

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે અયોધ્યાથી હજારો કિલોમીટર દૂર દક્ષિણમાં રાવણના દેશમાં પણ ભગવાન શ્રી રામનો મહિમા થશે. ખાસ કરીને ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે જ શ્રીલંકામાં રામાયણ સર્કિટનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

રામાયણમાં એવું વર્ણન છે કે આજે શ્રીલંકા તરીકે ઓળખાતા લંકાના રાજા દશાનન એટલે કે રાવણે સીતા મૈયાનું અપહરણ કર્યું હતું ત્યારે ભગવાન રામે હનુમાન અને વાનર સેનાની મદદથી સીતાને બચાવવા માટે લંકામાં એક મહાન યુદ્ધ લડયું હતું. ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. રાવણ એક મહાન વિદ્વાન હતો. રામાયણમાં એવું પણ વર્ણન છે કે ભગવાન રામે પોતે લક્ષ્મણને કહ્યું હતું કે રાવણ પાસેથી જ્ઞાનની વાતો ગ્રહણ કરે. શ્રીલંકાએ ભગવાન રામ સાથે સંકળાયેલા આ રોચક ઇતિહાસને આધારે જ રામાયણ સર્કિટને વિકસાવવાની યોજના હાથ ધરી છે અને તેમાં એક અલગ સીતા સર્કિટનો પણ સમાવેશ થાય છે.

રામાયણ કાળ સાથે જોડાયેલા સ્થાનો
શ્રીલંકામાં એવા ઘણા સ્થાનો છે જે પૌરાણિક રામાયણ કાળ સાથે જોડાયેલાં છે. શ્રીલંકાના કેટલાક લોકપ્રિય રામાયણ ટ્રેલ્સમાં સિગિરિયા પણ સામેલ છે. અહીં પથ્થરોથી બનેલો એક પ્રાચીન કિલ્લો છે જેને રાજા રાવણનો મહેલ માનવામાં આવે છે. કહેવાય છે કે રાવણે સીતા માતાને સિગિરિયા રોક પાસે એક ગુફામાં બંદી બનાવીને રાખ્યા હતાં. શ્રીલંકામાં આવતાં પ્રવાસીઓ માટે આ કિલ્લો પ્રથમ પસંદગી છે. નુવારા એલિયા શહેરમાં આવેલી અશોક વાટિકા પણ આવું જ એક અન્ય લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ સ્થાન પર જ્યારે સીતામાતાને રાખવામાં આવ્યા હતાં ત્યારે હનુમાનજી તેમને અહીં મળ્યા હતાં અને તેમને ભગવાન રામની અંગૂઠી આપી હતી.

સીતામાતાની અગ્નિપરીક્ષાના સ્થાનનું પણ આગવું આકર્ષણ
શ્રીલંકાના લોકપ્રિય સ્થાનોમાં રાવણ એલા જળપ્રપાત પણ છે. માનવામાં આવે છે કે એલા શહેરમાં આ ઝરણું એક એવું સ્થાન છે જ્યાં રાવણે સીતાજીને અપહરણ બાદ પહેલાં ત્યાં છુપાવ્યા હતાં. દિવુરુમપોલા મંદિર, બંદરવાલા શહેરની પાસે એક મંદિર છે. આ સ્થાન માટે એવી માન્યતા છે કે સીતામાતાએ પોતાની પવિત્રતા સ્થાપિત કરવા માટે અહીં અગ્નિપરીક્ષા આપી હતી.

રામાયણ સર્કિટમાં આ સ્થાનોનો પણ સમાવાશે
ત્રિન્કોમાલી શહેરમાં ઘણા પ્રસિદ્ધ મંદિરો આવ્યા છે, કે જેઓ એક યા બીજા પ્રકારે રામાયણ કાળ સાથે સંકળાયેલાં છે. કોનેશ્વરમ્ મંદિર એક એવું જ મંદિર છે. માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ ભગવાન રામે શિવજીના સન્માનમાં કરાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter