નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારામને આઝાદીના અમૃતકાળનું પહેલું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કર્યું હતું, જેમાં ભારતના ઝડપી આર્થિક વિકાસ માટે ‘સપ્તઋષિ મંત્ર’ અપનાવવા પર ભાર મુકાયો હતો. સીતારામને કહ્યું કે ભારતની ઈકોનોમી વિશ્વમાં એક ચમકતો સિતારો છે.
નાણાપ્રધાનનું પાંચમું, દેશનું 75મું બજેટ
આઝાદીનાં અમૃતકાળનું પહેલું, નાણાપ્રધાન સીતારામનનું પાંચમું અને દેશનું 75મું બજેટ હતું. નાણાપ્રધાને તેમનાં 87 મિનિટના બજેટ ભાષણમાં મહિલાઓ, ખેડૂતો, યુવાનો, પછાતો, આદિવાસીઓ, પગારદારો, મધ્યમ વર્ગનાં લોકોનાં કલ્યાણ માટે લોકકેન્દ્રિત એજન્ડા ધરાવતું બજેટ રજૂ કર્યુ હતું, જેની મુખ્ય થીમ વસુધૈવ કુટુમ્બકમ્ હતી.
‘સપ્તઋષિ મંત્ર’
બજેટમાં આગામી 25 વર્ષની આર્થિક રૂપરેખા વ્યક્ત કરાઈ છે, જે ભારતની સ્વતંત્રતાના 100 વર્ષ સુધી અમલમાં રહેશે. વૈશ્વિક મંદી અને અનેક પ્રતિકુળતાઓ વચ્ચે ભારતની ઈકોનોમી ઝડપથી વિકાસ પામીને વિશ્વની મોટામાં મોટી પાંચમી ઈકોનોમી બની છે. બજેટમાં આર્થિક વિકાસ માટે સાત સેકટર પર ફોકસ કરાયું છે, જેને સપ્તઋષિ મંત્ર તરીકે ઓળખવામાં આવ્યા છે. મહત્ત્વનાં સાત ક્ષેત્રો માટે સમાવેશી વિકાસ, વંચિતોને પ્રાથમિકતા, ઈન્ફ્રા સેક્ટરનો વિકાસ અને રોકાણ, ક્ષમતા વિસ્તરણ, ગ્રીન ગ્રોથ, યુવા વિકાસ અને નાણાકીય ક્ષેત્રે સુધારાને આવરી લેવાયા હતા.
ગ્રીન ઊર્જા થકી ગ્રોથ
ગ્રીન ઊર્જા સાથે ગ્રીન ગ્રોથ હાંસલ કરાશે. જેમાં ગ્રીન હાઈડ્રોજન મિશન હાથ ધરવા અલગ રકમ ફાળવાઈ છે. 2070 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જન માટે કામગીરી કરાશે. ઊર્જા પરિવર્તન અને ઊર્જા સુરક્ષા માટે કામ કરાશે.
સર્વગ્રાહી વિકાસ પર ફોકસ
આ મંત્ર હેઠળ સબ કા સાથ સબ કા વિકાસ પર ફોકસ કરીને કિસાનો, મહિલાઓ, યુવાનો, વંચિતો, એસસી/એસટી, દિવ્યાંગો, આર્થિક રીતે પછાત લોકોનાં વિકાસ માટે કામ કરાશે. જેમાં ખાસ કરીને જમ્મુ કાશમીર, લદાખના વિકાસ પર ધ્યાન આપશે.
ઈન્ફ્રા સેક્ટરનો વિકાસ
ઈન્ફ્રા સેક્ટરનાં વિકાસ માટે રૂ. 10 લાખ કરોડનું રોકાણ નક્કી કરાયું છે. આ ઉપરાંત રોજગાર વૃદ્ધિ પર ફોકસ કરાશે. રાજ્ય સરકારોને મૂડીરોકાણ માટે સહાય કરાશે. રેલવે તેમજ શહેરી વિકાસ માટે નાણાં ફાળવાયાં છે.
તમામ ક્ષેત્રે ક્ષમતામાં ઉમેરો
સુશાસન દ્વારા સમાજનાં તમામ વર્ગના લોકોને લાભ મળે તે માટે કાર્યો કરવાનો સરકારનો મૂળ મંત્ર છે. લોકોનાં કલ્યાણ અને સુખાકારી માટે નવા કાર્યો, યોજનાઓ શરૂ કરીને પગલાં લેવાશે. જેમાં મિશન કર્મયોગી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ખાસ ધ્યાન અપાશે.
વંચિતોને પ્રાથમિકતા
ભૂતકાળમાં વાજપેયી સરકારે જનજાતિઓનાં વિકાસ માટે મંત્રાલય તેમજ વિકાસ વિભાગ શરૂ કર્યા હતા. સમાજનાં અંતિમ તબક્કાનાં લોકો સુધી પહોંચીને તેમનાં વિકાસ માટે યોજનાઓ અમલમાં મુકાશે. જેમાં આયુષ, મત્સ્યપાલન, પશુપાલન, ડેરી, કૌશલ્ય વિકાસ, સહકારિતા મંત્રાલય, જળ મંત્રાલય દ્વારા વિકાસનાં કાર્યો કરાશે.
યુવાવિકાસ માટે કૌશલ્ય યોજના
યુવાનોને સશક્ત અને મજબૂત કરવા અમૃત પેઢીનું સપનું સાકાર કરાશે. કૌશલ્ય વિકાસ માટે સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડી છે. સરકાર કૌશલ્ય વિકાસ મિશન 4.0 શરૂ કરશે. મોટા પાયે રોજગારી સર્જન કરીને નોકરીઓ અપાશે. પર્યટન ક્ષેત્રનો વિકાસ કરાશે.
નાણાકીય સેક્ટરનો વિકાસ
નવા પ્રોજેક્ટો હાથ ધરીને તેમને રોકાણ માટે લોન સહાય આપશે. જુદા જુદા ઉદ્યોગોનો બજારપ્રવેશ સરળ કરાશે. MSMEને એક ટકા ઓછા વ્યાજે લોન અપાશે. બેન્કિંગ ક્ષેત્રે સુધારા કરાશે. ડિજિટલ પેમેન્ટને પ્રધાન્ય અપાશે.
આઠ વર્ષ પછી વ્યક્તિગત આવકવેરામાં રાહત
નાણાપ્રધાન નિર્મલા સીતારામને વર્ષ 2023-24ના બજેટમાં 2024ની ચૂંટણી પહેલાં સમાજનાં તમામ વર્ગને રાજીનાં રેડ કરતી જાહેરાતો કરી છે. આમાં પગારદાર વર્ગનો પણ સમાવેશ થાય છે. સીધા કરવેરાનાં માળખાને વધુ આકર્ષક બનાવવા આઠ વર્ષ પછી વ્યક્તિગત આવકવેરામાં કેટલીક રાહતો અને પ્રોત્સાહનો અપાયા હતા. જેના કારણે પગારદારો તેમજ મધ્યમ વર્ગની આશા અને અપેક્ષાઓ સંતોષાઈ હતી. આવકવેરાનાં નવા માળખામાં રૂ. 7 લાખ સુધીની આવક કરમુક્ત જાહેર કરાઈ છે. આ ઉપરાંત ઈન્કમટેક્સ સ્લેબની સંખ્યા ઘટાડીને પાંચની કરાઈ હતી.