ઝારખંડમાં સતત બીજી વખત સોરેન સરકાર સત્તા સંભાળશે

Wednesday 27th November 2024 04:23 EST
 
 

રાંચીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં અકલ્પનીય દેખાવ કરીને ભાજપે તેના વડપણ હેઠળની મહાયુતિને મહાવિજય અપાવ્યો હતો, જ્યારે ઝારખંડમાં હેમંત સોરેનના જેએમએમ (ઝારખંડ મુક્તિ મોરચા)ના અદભૂત પ્રદર્શનને પગલે ‘ઇન્ડિયા’ બ્લોકની સત્તામાં વાપસી થઈ છે. ઝારખંડમાં જેએમએમની આગેવાની હેઠળનું ગઠબંધન 81 સભ્યોની વિધાનસભામાં 56 બેઠકો જીતીને સતત બીજી મુદત માટે સત્તા પરત આવ્યું હતું.
વિધાનસભામાં બહુમતીનો આંકડો 41 છે. આક્રમક ઝુંબેશ પછી રાજ્યમાં તેની જીતની સંભાવનાઓ વિશે આત્મવિશ્વાસ ધરાવતા ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ 24 બેઠકો મળી હતી.
જેએમએમએ 43 બેઠકોમાંથી 34 બેઠકો પર જીત મેળવી હતી, કોંગ્રેસે 30માંથી 16 બેઠકો પર, આરજેડીએ છ બેઠકોમાંથી ચાર બેઠકો જીતી હતી, જ્યારે સીપીઆઇ (એમએલ) લિબરેશને ચારમાંથી બે બેઠકો જીતી છે.
બળવાખોરોમાંથી 19 હાર્યા
ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), ભાજપ, ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (આજસુ), બહુજન સમાજ પાર્ટી (બસપા), સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે 27 બળવાખોરોને ટિકિટ આપી હતી. જેમાંથી 19ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જેએમએમમાં સામેલ થનારા 7 ઉમેદવારમાંથી ત્રણની હાર થઈ છે. બીજી તરફ, ભાજપનો હાથ પકડનાર 8 પક્ષપલટુને ટિકિટ આપવામાં આવી હતી જેમાં પાંચ ઉમેદવાર હાર્યા છે. આજસુ, સમાજ પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીમાં જોડાયેલા તમામ ઉમેદવારોની હાર થઈ છે. જ્યારે કોંગ્રેસે પણ બે બળવાખોરોને ટિકિટ આપી હતી જેમાં એક ઉમેદવારની હાર થઈ છે.
ઝારખંડમાં બીજી વખત જેએમએમની વાપસી
ઝારખંડમાં 24 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત જેએમએમ ફરી સરકાર બનાવશે. ચૂંટણીમાં ‘ઈન્ડિયા’ ગઠબંધનને બહુમત મળ્યો છે. ઝારખંડમાં જેએમએમના નેજા હેઠળના ગઠબંધનમાં કોંગ્રેસ-આરજેડી પણ સામેલ છે. હેમંત સોરેન ગુરુવારે બીજી મુદત માટે મુખ્યમંત્રીપદના શપથ લેશે.
આરજેડી મજબૂત, 4 ઉમેદવારની જીત
આ ચૂંટણી પરિણામ આરજેડી માટે ફળદાયી નીવડ્યાં છે. આરજેડીએ કુલ 6 ઉમેદવાર ઉતાર્યા હતા જેમાંથી ચારની જીત થઈ. દેવઘરથી સુરેશ પાસવાન, ગોઠ્ઠાથી સંજય પ્રસાદ યાદવ, બિશ્રામપુરથી નરેશ સિંહ અને હુસેનાબાદથી સંજયકુમાર સિંહ યાદવને સફળતા મળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter