હરારેઃ ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેના સાડા ત્રણ દસકા જૂના એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. છેલ્લાં ૩૭ વર્ષથી દેશમાં તાનાશાહની જેમ શાસન કરીને ઝિમ્બાબ્વેની પ્રજાનું શોષણ કરી રહેલા મુગાબે સામે લશ્કરે બળવો કર્યો છે. ઝિમ્બાબ્વેની સેનાએ રાજધાની હરારે અને રાષ્ટ્રપતિ ભવન સહિતની તમામ મહત્ત્વની સરકારી ઓફિસો પર કબજો કરી લીધો છે અને સત્તાપલટો કરી નાંખ્યો છે. સાથોસાથ સેનાએ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબે અને તેમની મહત્વાકાંક્ષી પત્ની ગ્રેસની અટકાયત કરી છે. સરકારી પ્રસારણ સેવા પર પણ સેના દ્વારા કબજો કરી લેવાયો છે. લોકોમાં ભારે ગભરાટનો માહોલ પ્રવર્તે છે. આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહેલા ઝિમ્બાબ્વેમાં ઠેર ઠેર બેન્કમાંથી નાણાં ઉપાડવા માટે મોટી લાઈનો જોવા મળી રહી છે.
બુધવાર, ૧૫ નવેમ્બરના આ રાજકીય ઘટનાક્રમને સેનાએ સત્તાવાર તખ્તાપલટો ગણાવવાનો ઇન્કાર કર્યો છે. સેનાના જણાવ્યા પ્રમાણે મુગાબેની આસપાસના ગુનાખોરોનો ખાત્મો કર્યા પછી દેશમાં ફરી શાંતિ સ્થાપી દેવાશે. ઝિમ્બાબ્વેમાં મંગળવારે રાત્રે ભારે અરાજકતા ફેલાઈ હતી અને મુગાબે શાસનનો અંત આણવા સેના ચોતરફ ફરી વળી હતી. હરારેમાં ત્રણ પ્રચંડ વિસ્ફોટ પણ સંભળાયા હતા. વહેલી સવારે ૩૦થી ૪૦ રાઉન્ડ ફાયરિંગના અવાજ પણ સંભળાયા હતા. રોડ પર વાહનો વચ્ચે સેનાની ટેન્ક દોડતી જોવા મળતી હતી. સેનાનું સમર્થન કરનારા લોકોએ આ કામગીરીની પ્રશંસા કરી હતી.
દક્ષિણ આફ્રિકાના આ દેશમાં પ્રથમવાર સેનાએ ૯૩ વર્ષીય મુગાબે સામે બળવો કર્યો છે. મુગાબે વિશ્વના અન્ય કોઈ પણ દેશના વડા કરતાં સૌથી વૃદ્ધ અને સૌથી લાંબો સમય શાસન કરનારાઓ પૈકી એક છે. ૧૯૮૦માં ઝિમ્બાબ્વે સ્વતંત્ર થયું ત્યારથી તેઓ તેના વડા છે.
અમારું લક્ષ્ય ક્રિમિનલ્સનો સફાયોઃ આર્મી
મેજર જનરલ સિબુસિસો મોયોએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ, તેમનાં પત્ની તેમજ તેમનો પરિવાર આર્મીની કસ્ટડીમાં સુરક્ષિત છે. તેમની સુરક્ષાની આર્મી ખાતરી આપે છે. મેજર જનરલ સિબુસિસો મોયોએ એક નિવેદનમાં આ માહિતી આપી હતી, જે લોકો મુગાબેની નિકટ છે અને ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે તેમને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં છે. અમારું મિશન પૂરું થતાં જ સ્થિતિ સામાન્ય બનશે. સરકાર પાસેથી લશ્કરે સત્તાના સૂત્રો ખૂંચવી લેવાની આ ઘટના નથી તેમ મોયોએ કહ્યું હતું. ૧૯૮૦માં બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્ર થયા પછી રોબર્ટ મુગાબે ત્યાં સત્તા પર છે, હાલ તેમની ઉંમર ૯૩ વર્ષની છે. દરમિયાન સાઉથ આફ્રિકાના સંરક્ષણ પ્રધાન ઝિમ્બાબ્વે જઇ પહોંચ્યા છે. તેઓ મુગાબે અને લશ્કરના વડાને મળશે. મુગાબે તેમના ડેપ્યુટી અર્થાત્ ઉપરાષ્ટ્રપતિ ઈમર્સન મ્નાન્ગાગ્વાની અગાઉ જ હકાલપટ્ટી કરી ચૂક્યા છે.
વિખવાદના મૂળમાં ફર્સ્ટ લેડી
ઝિમ્બાબ્વેમાં શરૂ થયેલી સત્તા માટેની ખેંચતાણના મૂળમાં મુગાબેનાં પત્ની ગ્રેસ છે. જાહેરજીવનમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સક્રિય બનેલા ગ્રેસ પ્રેસિડેન્ટ મુગાબે કરતાં ૪૦-૪૨ વર્ષ નાનાં છે અને હાલ ત્યાંનાં ફર્સ્ટ લેડી છે. અત્યાર સુધી પરદા પાછળ રહીને દોરીસંચાર કરતાં રહેલાં ગ્રેસ છેલ્લા કેટલાક સમયથી સત્તાના સૂત્રો હસ્તગત કરવા સક્રિય બન્યાં છે. તેમને શિરે રાષ્ટ્રપતિનો તાજ મૂકવા થોડાંક મહિના પહેલાં મુગાબેએ ઉપરાષ્ટ્રપતિ મ્નાન્ગાગ્વાની હકાલપટ્ટી કરી હતી. આ પછી ગ્રેસ અને આર્મીના અધિકારીઓ વચ્ચે સત્તાનો સંગ્રામ ખેલાઈ રહ્યો હતો, જે હવે લશ્કરી બળવામાં પરિણમ્યો છે.
ગ્રેસ અગાઉ મુગાબેનાં પ્રાઇવેટ સેક્રેટરી હતાં તેમાં બંને વચ્ચે પ્રેમ થઈ જતાં મુગાબેએ તેમની સાથે લગ્ન કરી લીધાં હતાં. ઝિમ્બાબ્વેમાં અનેક કૌભાંડોમાં ગ્રેસનું નામ સંડોવાયેલું હોવાનું બહાર આવ્યું છે. જોકે એક યા બીજા કારણસર તેઓ દરેક વખતે હેમખેમ બહાર આવ્યાં છે.
સત્તાપલટામાં ક્રૂર ‘ક્રોકોડાઈલ’નો હાથ
ઝિમ્બાબ્વેમાં મિલિટરીએ રક્તવિહિન સત્તાપલટો કરીને રાષ્ટ્રપ્રમુખ મુગાબે અને તેમના પત્નીને નજરકેદ કર્યા છે. જોકે, સત્તાપલટાની આ ઘટનામાં ‘ક્રોકોડાઈલ’ નામથી ઓળખાતા બરતરફ કરાયેલા ઉપરાષ્ટ્રપતિ ઈમર્સન મ્નાન્ગાગ્વાનો જ હાથ હોવાનું મનાય છે. અગાઉ સિવિલ વોર વખતે ૨૦ હજાર લોકોની હત્યામાં સંડોવાયેલા પૂર્વ વાઈસ પ્રેસિડન્ટ મ્નાન્ગાગ્વાએ ૧૯૮૦ના દાયકામાં લડાકુઓનું ‘ક્રોકોડાઈલ ગ્રૂપ’ બનાવ્યું હતું. ત્યારથી જ તેમને આ ઉપનામ મળ્યું છે.
હવે સત્તાની ખેંચતાણ
તાજેતરમાં મુગાબેના સાથીદારો, પીઢ નેતાઓ તેમજ આર્મીની કેટલીક પાંખ વચ્ચે સત્તા માટે ખેંચતાણ ચાલી રહી હતી અને આ મામલો જાહેરમાં પણ આવ્યો હતો. ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ મ્નાન્ગાગ્વાને બરતરફ કરાયા પછી આર્મી ચીફ જનરલ કોન્સ્ટનટિનો ચિવેન્ગાએ મુગાબેની ટીકા કરી હતી. આ પછી શાસક પક્ષે આર્મી ચીફની આ હરકતને રાજદ્રોહ સમાન ગણાવી હતી. મ્નાન્ગાગ્વાને બરતરફ કરાયા પછી મુગાબેના બાવન વર્ષનાં પત્ની ગ્રેસ મુગાબે સત્તા સંભાળવા માટેનાં એકમાત્ર પ્રબળ દાવેદાર હતાં.
આર્મીના સિનિયર અધિકારીઓએ ગ્રેસને સત્તા સોંપવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ પછી સ્થિતિ વણસી હતી અને મંગળવારે રાત્રે મુગાબેનાં નિવાસનજીક ગનફાયરના શક્તિશાળી અવાજ સંભળાયા હતા. ચિવેન્ગાએ બળવાની શક્યતાને ધ્યાનમાં લઈને લોકોને તેમનાં ઘરમાં જ રહેવા ચેતવણી આપી હતી. અમેરિકાની એલચી કચેરીએ તેમના નાગરિકોને હાલની રાજકીય અસ્થિરતાને ધ્યાનમાં લઈને સલામત સ્થળે જ રહેવા આદેશ આપ્યો હતો.
મુગાબેના વફાદાર ગાર્ડ દ્વારા હિંસા
હરારેના માર્ગો પર આર્મીનાં વાહનો ફરતાં થયાં હોવાના અહેવાલો અંગે સરકારે જે રીતે મૌન સેવ્યું છે તે જોતાં પ્રેસિડેન્ટ મુગાબેએ સ્થિતિ પરનો કાબૂ ગુમાવ્યો હોવાનું પુરવાર થઈ રહ્યું છે. લશ્કરી બળવાને પગલે હવે ત્યાં કરફ્યુ લદાઈ શકે છે. મુગાબેના વફાદાર ગાર્ડ દ્વારા અનેક સ્થળે મોટા પાયે હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ છે. મુગાબેની કથળતી જતી તબિયતને કારણે સત્તાની ખેંચતાણને પગલે રાજકીય ઊથલપાથલ સર્જાઈ છે. મુગાબેનાં શાસનમાં લોકોમાં અસંતોષ વધ્યો છે, નાણાંકીય કટોકટી સર્જાઈ છે, લોકો સામૂહિક હિજરત કરી રહ્યાં છે. કાર્યકારી સંરક્ષણ પ્રધાન ચિમાનીકિરેએ કહ્યું હતું કે કોઈ દેશમાં લશ્કરી બળવો થાય તેમ ઇચ્છતું નથી, આને કારણે લોકશાહી ખતરામાં મુકાઈ છે.
૨૦૦૯માં ચલણ રદ કરવું પડયું
ઝિમ્બાબ્વેનું અર્થતંત્ર વર્ષ ૨૦૦૦માં જમીન કાયદામાં સુધારાઓ કર્યા પછી પડી ભાંગ્યું હતું અને ત્યાં હાઈપર ઇન્ફ્લેશનની સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે સરકારને યુએસ ડોલરની તરફેણમાં તેનું પોતાનું ચલણ રદ કરવું પડયું હતું. હાલ બળવાને ધ્યાનમાં લેતાં બેન્કોની બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે. લોકોને લિમિટેડ કેશ ઉપાડવાની મંજૂરી અપાઈ છે. દેશમાં બેકારીનો દર હાલ ૯૦ ટકા છે, જ્યાં મુગાબેને ફરી ચૂંટવા માટે આગામી વર્ષે ચૂંટણીઓ યોજાવાની છે.
તમામ ઇમિગ્રન્ટ્સ અને ભારતીયો સલામત
મંગળવારની રાત અને બુધવારની પરોઢ સુધી ચાલેલા અંધાધૂંધ ગોળીબાર છતાં લશ્કરી બળવા પછી ઝિમ્બાબ્વેમાં રહેતાં ૯,૪૦૦ ભારતીયો સંપૂર્ણ સલામત છે. ૪૦૦ જેટલાં ભારતીયો ત્યાં હાલ ઇમિગ્રન્ટ્સ તરીકે વસવાટ કરે છે તે પણ સલામત હોવાનું ભારતના ઝિમ્બાબ્વે ખાતેના રાજદૂત આર. મસાકુઈએ જણાવ્યું હતું. હાલ ત્યાં સ્થિતિ શાંત છે અને ઓફિસો અને બજારો રાબેતા મુજબ ચાલુ છે.