મહાન ગાયિકા લતા મંગેશકરને અત્યારે ભલે સ્વરસામ્રાજ્ઞી તરીકે ઓળખવામાં આવે, પરંતુ સૌપ્રથમ ૧૯૫૯માં જગપ્રસિદ્ધ ટાઈમ મેગેઝિને પ્રથમવાર તેમને વોઈસ ક્વીન એટલે કે સ્વરસામ્રાજ્ઞી કહ્યા હતાં. પોતાની સંગીત કારકિર્દીના ૧૬ વર્ષ થયા હતા ત્યારે ટાઈમ મેગેઝિનમાં તેમના વિશે માહિતી પ્રગટ થઈ હતી જેમાં લખવામાં આવ્યું હતું કે આ ગાયિકા છેલ્લા ૧૬ વર્ષથી ખુલ્લા પગે સાઉન્ડ ટ્રેક પર જીવ રેડી રહી છે. માત્ર ૨૯ વર્ષની આ ગાયિકા ભારતના પાર્શ્વગાયકોમાં સ્વરસામ્રાજ્ઞી છે એમાં શંકા નથી. તે દર સપ્તાહે ૩૬૦ જેટલાં ગીતોનું રેકોર્ડિંગ કરે છે, જે દુનિયાના કોઈપણ ગાયકની તુલનામાં સૌથી વધારે છે. લતા પોતાના નરમ કોમળ સ્વર અને ઝુકાવ શૈલીને બદલતા નથી. લતા સાત વર્ષના હતા ત્યારે પોતાના પિતા સાથે નાટક મંડળીમાં જોડાયા હતા. ૧૩ વર્ષની ઉંમરે તેને પ્રથમવાર ગાવાની તક મળી હતી. ગ્રામીણ વિસ્તારના લોકો પણ ગ્રામોફોન પર તેને સાંભળવા ટોળે વળે છે. લતા વર્ષે ૧૭૫૦૦૦ રૂપિયા (૩૭૦૦૦) ડોલર કમાય છે જે ભારતની કામકાજી મહિલા માટે ખૂબ મોટી આવક છે.