લંડનઃ ભારત હવે રેડમાંથી એમ્બર લિસ્ટમાં આવી ગયું છે ત્યારે વિમાનસેવાની ટિકિટના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે અને RT-PCR ટેસ્ટિંગના ૧૫૦ પાઉન્ડ લેવાય છે. મહિનાઓ સુધી વાઈરસ સામે જીવલેણ સંઘર્ષ અને થાક્યા વિના કોમ્યુનિટીની સેવા પછી ઘણા ડોક્ટર્સ ભારે ખર્ચ કરીને અને ઘણા હેલ્થ પ્રોફેશનલ્સ તો કપાતા પગારે પણ પરિવાર અને મિત્રોને મળવા ભારતના ટુંકા પ્રવાસે જઈ રહ્યા છે. ઊંચા પ્રવાસખર્ચ, પ્રોટોકોલ્સ પ્રમાણે અનેક કોવિડ ટેસ્ટ્સ પછી પણ ડોક્ટર્સ પાસે ભારતમાં પરિવાર સાથે રહેવા ઘણો ઓછો સમય રહેશે. મહામારીના કારણે પરિવારથી અલગ રહેલા ભારતીયો સાથે‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ની વાતચીતમાં તેમના અથવા તેમના ભારતસ્થિત પરિવાર સાથે મેળમિલાપની યોજના વિશે ઘણી માહિતી મળી છે.
કુણાલ મહાજન બે વર્ષ પછી માતાને મળવાના છે. કુણાલે જુલાઈ-ઓગસ્ટ ૨૦૧૯માં ૬૯ વર્ષીય માતાની ભારતમાં મુલાકાત લીધી હતી. કુણાલે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે તેની માતા ગયા વર્ષે જ યુકે આવવાની હતી પરંતુ, મહામારી ત્રાટકી અને હવાઈમાર્ગો બંધ કરી દેવાયા હતા. આ સમય કુણાલની દિલ્હીમાં એકલી જ રહેતી માતા માટે પીડા અને તણાવસભર હતો. જોકે, કુણાલ કહે છે કે,‘અમે વીડિયો મારફત વાતચીત કરતા હતા અને મારી પત્ની અને બાળકો પણ તેમના સંપર્કમાં રહી શક્યા હતા. દિલ્હીમાં લોકડાઉનમાં કોઈની સાથે મળી શકાતું ન હોવાથી તેના માટે આ એકલતાનો સમય રહ્યો હતો.’ કુણાલની બહેન માતાના ઘરથી માત્ર એક કિલોમીટરના અંતરે રહેતી હોવા છતાં મુલાકાતો શક્ય બનતી ન હતી. ભારતમાં પ્રથમ લોકડાઉન લદાયાના આઠ મહિના પછી દિવાળીના સમયે તે માતાને મળી હતી. કુણાલની માતાએ કોવિડ-૧૯ સામે એસ્ટ્રેઝેનેકા-કોવિશિલ્ડના બંને ડોઝ લીધેલાં છે. તેમમે બીજો ડોઝ લીધો તે જ સપ્તાહમાં ભારતને રેડ લિસ્ટમાં મૂકી દેવાયું હતું. તેમની પાસે યુકેના વિઝિટર વિઝા છે પરંતુ, મહામારીના કારણે પેપરવર્ક ઘણુ વધી ગયું છે. કુણાલ કહે છે કે ‘ટિકિટના ભાવ રિટર્ન ટિકિટના સામાન્ય ભાવ કરતાં લગભગ બમણા છે. આમ છતાં, તેઓ અમારી અને ગ્રાન્ડચિલ્ડ્રન સાથે ક્વોલિટી ટાઈમ વીતાવે અને તેમની એકલતા સરભર થઈ જાય તેનું મહત્ત્વ છે.’
બેકેનહામમાં રહેતા સૌરભ દાસ ઓક્ટોબર ૨૦૧૯ પછી પેરન્ટ્સને મળ્યા નથી. દાસ કહે છે કે,‘મારા પેરન્ટ્સને ૧૮ મહિના મુશ્કેલ એકલતામાં ગાળવા પડ્યા હતા. તેમણે યુકેની બે સમર વિઝિટ અને અમારી એક ક્રિસમસની ભારત મુલાકાત ગુમાવી છે. ભારતમાં કોરોનાની બીજી લહેર મારા માટે ભારે ચિંતા લઈને આવી હતી. મેં તાજેતરમાં પરિવારના દૂરના સંબંધીઓ ગુમાવ્યા હોવાથી જીવનને જોખમ કડવું હતું.’ કુણાલની માફક જ સૌરભ દાસ માટે વિમાન ટિકિટના ભાવ બોમ્બ જેવા હતા. ‘ભારતના નવા એમ્બર સ્ટેટસ પછી ટિકિટોના ભાવ આસમાને છે. ભારતના એમ્બર સ્ટેટસની જાહેરાતના બીજા જ દિવસે મહામારી અગાઉ હતા તેના કરતાં ટિકિટના ભાવ દોઢ ગણાથી વધુ હતા. ભારતમાં પણ વિઝા એપોઈન્ટમેન્ટ મેળવવામાં મુશ્કેલી અને ટિકિટ્સના ઊંચા ભાવ વિશે પણ મિત્રો પાસેથી સાંભળ્યું હતું.’ દાસના વિસ્તારમાં RT PCR ટેસ્ટની કિંમત ૩૯થી ૧૩૦ પાઉન્ડની વચ્ચે છે. જોકે, સૌરભ દાસ ભારત અને યુકે બંનેમાં ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ભારતનો પ્રવાસ ખેડવા માગતા નથી.
હેલ્થ કેર પ્રોફેશનલ વિજુ રવિન્દ્રને ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે તેમણે છેલ્લે ઓક્ટોબર ૨૦૧૯માં તેમના પરિવારને ભારતમાં જોયો હતો અને ૨૦૨૨માં ફરી તેમને જોવાની આશા છે. તેઓ પણ ટિકિટના ભાવ ઊંચા હોવા બાબતે સહમત છે. ‘મારો ભાઈ મારા પિતાની કાળજી રાખે છે. મને તેમની યાદ આવે છે! યુકે ભારતીય વેક્સિનને માન્યતા ન આપે ત્યાં સુધી તેઓ અહીં આવી શકે તેમ લાગતું નથી. જો હું તેમની મુલાકાત લઉં તો મારી પાસે સેલ્ફ આઈસોલેટ થવા પૂરતી વાર્ષિક રજાઓ હોય તે જરૂરી છે.’ ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ દ્વારા તેમના એમ્પ્લોયર્સ સહકાર આપી જોઈતી રજાઓ આપશે કે કેમ તેવો પ્રશ્ન પૂછાતાં તેમણે હકારમનાં જવાબ આપ્યો હતો. તેમના વિસ્તારમાં RT PCR ટેસ્ટની કિંમત ૮૦થી ૧૨૦ પાઉન્ડની વચ્ચે છે.
હેલ્થ કેર સંસ્થાઓ અને NHS મહામારી દરમિયાન દેશની જે સેવા કરી છે તેવા હેલ્થ કેર વોરિયર્સ અને ખાસ કરીને વંશીય લઘુમતી સાથે સંકળાયેલાને રજા આપવામાં સહકાર દર્શાવશે કે નહિ તે આપણે જાણતા નથી પરંતુ, કન્સલ્ટન્ટ રહ્યુમેટોલોજિસ્ટ મુદિતાએ તેમની માતાને મળવા ભારત જવા બે મહિનાની કપાત પગારે રજા લીધી હતી. મુદિતાના માતા જાન્યુઆરી ૨૦૨૦થી એકલાં જ રહેતાં હતાં, મુદિતાએ રજા મેળવતા પહેલા તેમની ગેરહાજરીમાં ક્લિનિક્સ અને શિફ્ટ્સ સંભાળી શકે તેવા અવેજી ડોક્ટરની વ્યવસ્થા કરવી પડી હતી. તેઓ ૨૭ જૂને ભારત આવ્યાં હતાં અને હવે માતા સાથે યુકે જઈ રહ્યાં છે. તેમની ભારતીય નાગરિક માતા ૧૦ વર્ષના વિઝા ધરાવે છે અને વેક્સિનના બંને ડોઝ લીધેલાં છે.
બેડફોર્ડમાં રહેતા NHS વર્કર આમિર તારિકનો પરિવાર દિલ્હી રહે છે. અન્ય ઘણા લોકોની માફક આમિર પણે છેલ્લે ઓક્ટોબર ૨૦૨૯માં પરિવારને મળ્યા હતા અને હવે ૨૦૨૧ના શિયાળામાં મળવાની આશા રાખે છે. તેમણે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે, ‘હું લગભગ દર સપ્તાહે ફ્લાઈટ્સ અને ટિકિટના ભાવ પર નજર રાખતો રહું છું. મારો નાનો ભાઈ પિતા સાથે રહે છે પરંતુ, ઘેરથી વહેલો નીકળી છેક રાત્રે આવે છે. મારા ૧૩ વર્ષના દીકરાને વેક્સિન અપાયું ન હોવાથી મારે એકલા જ ભારત જવું પડશે. મારે પાછા ફરવા સમયે ક્યાં ક્વોરેન્ટાઈન થવાનું રહેશે તેના પર પણ ધ્યાન આપું છું.’
ICUના મેડિક રાધા સુંદરમ પણ ટુંક સમયમાં માતાપિતાને મળવાં ભારત જવાનાં છે. તેઓ પણ મહામારી પહેલાના સમયની સરખામણીએ વિમાનપ્રવાસની ટિકિટ મોંઘી થઈ હોવાનું કહે છે. RTPCR ટેસ્ટના પણ ૧૫૦ પાઉન્ડ થવાના છે. આ ઉપરાંત, જતાં અને આવતાં પહેલા અને પછીના ટેસ્ટિંગનો ખર્ચ અલગ થશે. રાધાના પેરન્ટ્સે વેક્સિનના બંને ડોઝ મેળવી લીધા છે. તેમણે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,‘મારા પેરન્ટ્સને પ્રવાસમાં વાંધો નથી પરંતુ, ઘણું પેપરવર્ક, ફેસ શિલ્ડ અને માસ્ક પહેરીને લાંબી ફ્લાઈટ તેમજ ટ્રાન્ઝીટ એરપોર્ટ્સમાં પણ વધુ પેપરવર્ક, આ બધું વિચારણા માગી લે છે. જાહેર ભોજનસ્થળો કે ભીડવાળી જ્ગ્યાઓએ જઈશ નહિ. સગાંસંબંધીઓને પણ ખૂલ્લી જગ્યાએ અને ભેટ્યાં વિના જ મળવાં માગું છું!’
ડો. પાર્થ કાર પણ માતાપિતાને મળવા ભારત જવાની તૈયારી કરે છે. ડો. કારની માતા તો એક વર્ષ પછી મળતા દીકરાને અનેકવિધ વાનગીઓ બનાવીને તૃપ્ત કરવા માગે છે. લાગણી અને રોમાંચ અનુભવતા ડો. કારે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘મારા માતા અને પિતાની વય ૮૦ વર્ષથી વધુ છે અને એકલા રહે છે. તેમના અને ખાસ કરીને મારી માતા માટે વધુ મુશ્કેલ સમય છે. ભારત એમ્બર લિસ્ટમાં મૂકાયાની સાથે જ મેં પ્રવાસની તક ઝ઼પી લીધી છે. હું ત્યાં સાતેક દિવસ રહેવા માગું છું.’ હવાઈ પ્રવાસના ભાવ અને અચોક્કસતા વિશે ડો. કારે કહ્યું હતું કે,‘ ટિકિટના ભાવમાં જબ્બર ઉછાળો છે તેમાં કોઈ સવાલ નથી. તમારી પાસે એર ઈન્ડિયા કે એમિરેટ્સના વિકલ્પો છે પરંતુ, એર ઈન્ડિયામાં કોઈ આગાહી કરી શકાય નહિ કે ફ્લાઈટ જશે કે નહિ. મેં ટિકિટ બૂક કરી પરંતુ, બીજા જ દિવસે એરલાઈને તે કેન્સલ કરી નાખી હતી.’