એડિલેડઃ ભારતના ક્રિકેટચાહકોને રવિવારે લગભગ બે મહિના બાદ સારા સમાચાર મળ્યા. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સતત નબળો દેખાવ કરી રહેલી ટીમ ઇંડિયાએ કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને ૭૬ રને હરાવીને વર્લ્ડ કપમાં વિજયી પ્રારંભ કર્યો છે. લાંબા સમયથી ક્રિકેટચાહકો આ દિલધડક મુકાબલાની રાહ જોઇ રહ્યા હતા. એક અંદાજ પ્રમાણે આશરે એક અબજ લોકોએ ટીવી પરદે આ મેચ નિહાળી હતી.
વર્લ્ડ કપ શરૂ થયાના બીજા જ દિવસે રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે સાથે જ અનોખી સિદ્ધિ મેળવી હતી. વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે સળંગ છઠ્ઠો વિજય છે. આ વિજયના પગલે ભારતમાં વિશ્વ કપ જીતી ગયા હોઇએ તેવો આનંદ-ઉલ્લાસ ફરી વળ્યો હતો તો પાકિસ્તાનમાં રોષનું મોજું છવાઇ ગયું હતું. પાકિસ્તાની ટીમના શરમજનક પરાજયના પગલે ઇસ્લામાબાદ અને કરાચીમાં લોકો રસ્તા પર નીકળી પડ્યા હતા અને ક્રિકેટરોના પૂતળાં બાળીને તેમ જ પોતાના ટીવી સેટ તોડી નાખીને પાકિસ્તાની ક્રિકેટ ટીમ સામે પોતાના રોષ ઠાલવ્યો હતો.
ટીમ ઇંડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં મેન ઓફ ધ મેચ કોહલીના ૧૦૭, ધવનના ૭૩ અને રૈનાના ૭૪ રનની મદદથી ભારતે ૫૦ ઓવરમાં સાત વિકેટે ૩૦૦ રન કર્યા હતા. વિજય માટે ૩૦૧ રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી પાકિસ્તાની ટીમનો દાવ ૪૭ ઓવરમાં ૨૨૪ રનના સ્કોરે જ સમેટાઇ ગયો હતો. પાકિસ્તાની ટીમ તરફથી એકમાત્ર કેપ્ટન મિસબાહ-ઉલ-હકે એક છેડો સાચવીને લડાયક ૭૬ રન ફટકાર્યા હતા.
ભારતીય બોલર મોહમ્મદ શમીએ ચાર વિકેટ અને ઉમેશ તથા મોહિતે બે-બે વિકેટ ઝડપીને ટીમ ઇંડિયાને વિજય પંથે દોરી ગયા હતા. અશ્વિને મેચમાં આઠ ઓવરના સ્પેલમાં વિકેટ એક જ ઝડપી હતી, પણ તેણે ત્રણ મેઇડન ઓવર નાખીને પાકિસ્તાનનો રનરેટ ખોરવી નાખ્યો હતો. કોઇ ભારતીય સ્પિનરે વર્લ્ડ કપ મેચમાં ત્રણ મેઇડન ઓવર નાખી હોય તેવી ઘટના ૩૬ વર્ષ બાદ બની છે.
ટીમ ઇંડિયાએ મેચમાં બેટિંગ, ફિલ્ડિંગ અને બોલિંગમાં એમ ત્રણેય ક્ષેત્રે શાનદાર રમત દાખવતાં પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. પાકિસ્તાનના ખેલાડીઓએ ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ત્રણ વખત જીવતદાન આપ્યું હતું, જે તેમને ભારે પડ્યું હતું. કોહલીએ આ જીવતદાનનો લાભ ઉઠાવતાં કારકિર્દીની ૨૨મી સદી વન-ડે ફટકારી હતી.
એક મેચ, ત્રણ રેકોર્ડ
ભારત-પાકિસ્તાન વચ્ચેની એક જ મેચમાં ત્રણ રેકોર્ડ સર્જાયા હતા.
• પાકિસ્તાન સામે ૧૦૭ રનની ઇનિંગ રમનાર વિરાટ કોહલી પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં સદી ફટકારનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. આ અગાઉ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સૌથી વધુ રનનો રેકોર્ડ સચિનનાં નામે હતો. તેણે ૨૦૦૩ વર્લ્ડ કપમાં ૯૮ રનની આકર્ષક ઇનિંગ રમી હતી.
• વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન સામે ક્યારેય ઓલઆઉટ થયું નથી. બીજી તરફ, રવિવારની મેચ સહિત પાકિસ્તાન ચોથી વખત ઓલઆઉટ થયું છે.
• ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપમાં રમાયેલી મેચોમાં પહેલી વખત ૩૦૦ રનનો સ્કોર નોંધાયો છે. અગાઉ ભારતે ૧૯૯૬ના વર્લ્ડ કપમાં આઠ વિકેટના ભોગે ૨૮૭ રનનો શ્રેષ્ઠ સ્કોર કર્યો હતો.
ત્રણ ટર્નિંગ પોઇન્ટ
પાકિસ્તાનની ઓપનીંગ જોડીએ ધીરજપૂર્વક રમીને સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું, પણ થોડીક વાર પછી તેમણે ભારતીય બોલરોએ સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી. સૌથી પહેલાં તો, પાકિસ્તાની ઇનિંગની ૧૮થી ૨૫મી ઓવર દરમિયાન અશ્વિન, જાડેજાએ એક-એક, જ્યારે યાદવે બે બોલમાં બે વિકેટ ઝડપી હતી. આ પછી મેચની ૩૫મી ઓવરમાં શમીએ શાહિદ આફ્રિદી અને વહાબ રિયાઝની વિકેટ ઝડપીને પાકિસ્તાનની બેટિંગ હરોળને તોડી પાડી હતી. બાદમાં ડીઆરએસના ઉપયોગથી રિવ્યૂ લીધા બાદ ભારતને ઉમર અકમલની મહત્ત્વની વિકેટ મળી હતી.
જીત-હારનાં લેખાજોખાં
ભારતના વિજયમાં ધવન-કોહલી અને કોહલી-રૈના વચ્ચેની શતકીય ભાગીદારીઓનું મહત્ત્વનું પ્રદાન હતું. બેટ્સમેનોના શાનદાર પ્રદર્શન બાદ ઝડપી બોલરોએ તેમનું યોગદાન આપતાં મેચમાં આઠ વિકેટ ઝડપી હતી. સાથોસાથ તમામ ખેલાડીઓએ શાનદાર ફિલ્ડિંગ કરીને અનેક રન બચાવ્યા હતા.
જ્યારે પાકિસ્તાનની હાર માટે જવાબદાર કારણો ગણાવતા ક્રિકેટ નિષ્ણાતોએ કહ્યું હતું કે પરાજયમાં ખેલાડીઓની ખરાબ ફિલ્ડિંગે સૌથી નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાની ખેલાડીઓએ કોહલીના ત્રણ કેચ છોડયા હતા, જે તેમને ભારે પડ્યા હતા. આ ઉપરાંત ઇરફાન અને આફ્રિદી ભારતીય બેટ્સમેનોને અંકુશ રાખે તેવી અસરકારક બોલિંગ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. બેટ્સમેનો મોટી ઇનિંગ્સ અને ભાગીદારી નોંધાવી શક્યા ન હતા.
ટીમ ઇંડિયાએ ઉજવણી ન કરી
વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારતે પાકિસ્તાન પર વિજય મેળવ્યો તે સાથે જ ભારતભરમાં વિજયોલ્લાસનો માહોલ છવાયો હતો. જોકે ધોની બ્રિગેડે આવું કર્યું નહોતું. તેની પાસે ઉજવણી માટે સમય નહોતો. ટીમના સપોર્ટિંગ સ્ટાફના એક સભ્યે જણાવ્યું હતું કે આ ફક્ત પહેલી જ મેચ હતી. વિજયનો આનંદ તમામને હતો, પરંતુ તેની ઉજવણી કરવાની જરૂર નહોતી. ખેલાડીઓ થાક્યા હતા અને તેમને આરામની જરૂર હતી. તમામ પોતપોતાના રૂમમાં જતા રહ્યા હતા. સૂત્રે ઉમેર્યું હતું કે ભારતીય ટીમને સવારે એડિલેડથી મેલબોર્નની ફ્લાઇટ પકડવાની હતી.
પાક.માં ટીવી સેટ તૂટ્યા!
વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવતાં પાકિસ્તાનનાં નાગરિકોને આ વખતે પણ નિરાશ થવું પડ્યું હતું. ભારતે પાકિસ્તાનને હરાવતાં જ કરાચી, ઇસ્લામાબાદ સહિતના નાના-મોટા નગરોમાં ક્રિકેટચાહકો રસ્તાઓ પર ઉતરી પડ્યા હતા અને ક્રિકેટરોના પોસ્ટરો, પૂતળાં બાળીને રોષ ઠાલવ્યો હતો. કેટલાકે ક્રિકેટચાહકોએ તો ગુસ્સે ભરાઈને પોતાના ટેલિવિઝન સેટ જ તોડી નાખ્યા હતા અને ભવિષ્યમાં ક્યારેય ભારત-પાકિસ્તાન મેચ નહીં જોવાનો નિર્ણય કર્યો હતો. ક્રિકેટચાહકોનું કહેવું હતું કે પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડીઓએ દેશવાસીઓએ જે રીતે નિરાશ કર્યા છે તેની સામે તો આ નુકસાન (ટીવી તોડી નાખવા એ) તો કંઈ નથી.
ધોની યાદગીરીથી વંચિત
પાકિસ્તાન સામેના વિજય બાદ યાદગારી રૂપે બેલ્સ સાચવી રાખતો ધોની વર્લ્ડ કપની આ મેચમાં એવું કરી શક્યો નથી. આ વખતે ટુર્નામેન્ટમાં એલઇડી સ્ટમ્પ્સ-બેલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. સ્ટમ્પ્સ કે બેલ્સ અડકવાથી કે પડવાથી ચમકવા લાગે છે. એડિલેડમાં પાકિસ્તાન પર વિજય મેળવ્યા બાદ ધોનીએ એક બેલ્સ ઉઠાવી હતી, પણ અમ્પાયર ઇયાન ગાઉલ્ડે તેને કંઇક કહ્યા બાદ તેણે બેલ્સ સ્ટમ્પ્સ પર પાછી મૂકી દીધી હતી. આ એલઇડી સ્ટમ્પ્સની એક જોડીની કિંમત લગભગ ૨૪ લાખ રૂપિયા છે અને એક બેલ્સની કિંમત લગભગ ૫૦ હજાર રૂપિયા છે. આથી આઇસીસીએ વિજય બાદ ખેલાડીઓને સ્ટમ્પ્સ કે બેલ્સ લેવા મનાઇ ફરમાવી છે. આમ, ધોનીએ બેલ્સ મેળવવા હવે આઇસીસીની પરવાનગી લેવી પડશે.
રૂ. ૩૦ હજાર કરોડનો સટ્ટો
સટોડિયાઓ માટે ભારત-પાકિસ્તાન મેચ ઉપર આશરે રૂ. ૩૦ હજાર કરોડનો સટ્ટો રમ્યા હતા. પોલીસે સટ્ટાબજાર પર લગામ કસવા મોટા સટોડિયાઓના મોબાઇલ ફોન સહિતના સંપર્કોને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ પર મૂકી દીધા હોવા છતાં અને હોટેલો પર ચાંપતી નજર રાખી હોવા છતાં સટોડિયાઓએ પોતાનું ધાર્યું કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, અત્યાર સુધી મુંબઈ સટ્ટાબજારનું હબ ગણાતું હતું, પરંતુ પોલીસની સખતાઈને કારણે આ ગઢ હવે ગુજરાતમાં શિફ્ટ થયો છે. ઘણા સટોડિયાઓ હવે નાસિક અને સુરતથી ઓપરેટ કરે છે. સટોડિયાઓના મતે ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ કપની સૌથી પ્રબળ દાવેદાર છે.