મુંબઇઃ શું ટીમ ઇંડિયામાં જૂથવાદ પ્રવેશ્યો છે? ખેલાડીઓમાં તડાં પડ્યાં છે? ભારત બચૂકડા બાંગ્લાદેશના ક્રિકેટરો સામે વન-ડે સિરીઝ હાર્યું છે તેના મૂળમાં આ વાત રહેલી છે? ભારતીય ક્રિકેટમાં આજકાલ આ પ્રશ્નો ખૂબ ચર્ચામાં છે. ટીમ ઇંડિયા કેમ્પમાં ભારે અજંપો પ્રવર્તે છે અને જૂથવાદે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાના અહેવાલે ક્રિકેટચાહકોમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે.
બાંગ્લાદેશ સામે પ્રવાસી ભારતીય ટીમ બીજી વન-ડે હારી તે પછી ધોનીના પર્સનલ કોચ ચંચલ ભટ્ટાચારીજીએ ધોનીની હતાશા અંગે બહુ વિવાદીત કોમેન્ટ કરી છે. તેણે એવું કહ્યુ છે કે ધોનીના દેખાવ અને એકાગ્રતા પર વિપરીત અસર પડી છે તેનું એક કારણ એ છે કે ડ્રેસિંગ રૂમના વાતાવરણથી તે ઘણો ચિંતિત છે. આના લીધે તેની કેપ્ટન્સીમાં અસર પડી ગઈ હોઈ શકે.
એક અહેવાલ અનુસાર, ધોની અને કોહલી વચ્ચેની તિરાડને પગલે ટીમના ખેલાડીઓ બે જૂથમાં વહેંચાઈ ગયા છે. એવું પણ મનાય છે કે ટીમ ડાયરેક્ટર રવિ શાસ્ત્રી પણ કોહલીને ટેકો આપી રહ્યા છે.
એક તરફ ધોનીના કોચે ડ્રેસિંગ રૂમ અંગે વિવાદિત કોમેન્ટ કરીને આડકતરી રીતે કોહલીના ઈરાદાનો પર્દાફાશ કરી દીધો છે ત્યારે કોહલીના પર્સનલ કોચ રાજકુમાર શર્માએ ધોનીની કેપ્ટનશીપની પરોક્ષ ટીકા કરતા એવી કોમેન્ટ કરી છે કે બાંગ્લાદેશ સામે ભારત ૨-૦થી શ્રેણી હારી ચૂક્યું છે તે પ્રથમ વખત બન્યું છે. ભારત માટે આ રીતની હાર ભારે નાલેશીજનક કહેવાય. રાજકુમાર શર્માએ ગયા રવિવારનો દિવસ ભારત માટે ‘બ્લેક સન્ડે’ ગણાવ્યો હતો.
ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ રદ થયો છે તેના મૂળમાં પણ વિખવાદ હોવાનું મનાય છે. એક અહેવાલ અનુસાર, ઘણા ખેલાડીઓ ધોની હેઠળ રમવા માંગતા ન હોવાથી પ્રવાસ રદ થયો છે.
કોહલી અને ધોની વચ્ચેના સંબંધો વણસ્યા હોવાના અહેવાલ તો ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે હતી ત્યારના વહેતા થયા હતા. ધોનીએ અચાનક ટેસ્ટમાંથી જાહેર કરેલી નિવૃત્તિ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં હાઈ કમિશનની મુલાકાતમાં ધોનીની સૂચક ગેરહાજરીને કારણે મીડિયામાં કોહલી અને ધોની વચ્ચેના સંબંધોમાં તનાવ આવ્યાનો મુદ્દો ચર્ચામાં છવાયો હતો.