ટીમ ઇંડિયામાં તડાં?ઃ ધોની ડ્રેસિંગ રૂમના તનાવભર્યા માહોલથી પરેશાન

Friday 26th June 2015 06:41 EDT
 
 

ટીમ ઇંડિયામાં તડાં?ઃ ધોની ડ્રેસિંગ રૂમના તનાવભર્યા માહોલથી પરેશાન
મુંબઇઃ શું ટીમ ઇંડિયામાં જૂથવાદ પ્રવેશ્યો છે? ખેલાડીઓમાં તડાં પડ્યાં છે? ભારત બચૂકડા બાંગ્લાદેશના ક્રિકેટરો સામે વન-ડે સિરીઝ હાર્યું છે તેના મૂળમાં આ વાત રહેલી છે? ભારતીય ક્રિકેટના ચાહકોમાં આજકાલ આ પ્રશ્નો ચર્ચામાં છે. ટીમ ઇંડિયા કેમ્પમાં અજંપો પ્રવર્તે છે અને જૂથવાદે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાના અહેવાલે ક્રિકેટચાહકોમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે.
અધૂરામાં પૂરું, ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નિવેદને બળતામાં ઘી હોમ્યું છે. શ્રેણીની અંતિમ મેચ પૂર્વે કોહલીએ આપેલા ઇન્ટરવ્યુમાં વન-ડે શ્રેણી દરમિયાન ધોનીએ લીધેલા કેટલાક નિર્ણય સાથે પ્રશ્નાર્થ કર્યો હતો. કોહલીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે શ્રેણીમાં જે રીતે નિર્ણય લેવાયા હતા, તેનાથી હું ખુશ નહોતો. અમારા નિર્ણયમાં આત્મવિશ્વાસનો અભાવ હતો અને તેની સીધી અસર મેદાનમાં પડી હતી.
ઉલ્લેખનીય છે કે વન-ડે સીરિઝ ગુમાવ્યા પછી ધોનીના પર્સનલ કોચ ચંચલ ભટ્ટાચારજીએ ધોનીની હતાશા અંગે બહુ વિવાદીત કોમેન્ટ કરી હતી. તેણે એવું કહ્યું હતું કે ધોનીના દેખાવ અને એકાગ્રતા પર વિપરીત અસર પડી છે તેનું એક કારણ એ છે કે ડ્રેસિંગ રૂમના વાતાવરણથી તે ઘણો ચિંતિત છે. આના લીધે તેની કેપ્ટન્સીમાં અસર પડી ગઈ હોઈ શકે.
એક અહેવાલ અનુસાર, ધોની અને કોહલી વચ્ચેની તિરાડને પગલે ટીમના ખેલાડીઓ બે જૂથમાં વહેંચાઈ ગયા છે. એવું પણ મનાય છે કે ટીમ ડાયરેક્ટર રવિ શાસ્ત્રી પણ કોહલીને ટેકો આપી રહ્યા છે.
એક તરફ ધોનીના કોચે ડ્રેસિંગ રૂમ અંગે વિવાદિત કોમેન્ટ કરીને આડકતરી રીતે કોહલીના ઈરાદાનો પર્દાફાશ કરી દીધો છે ત્યારે કોહલીના પર્સનલ કોચ રાજકુમાર શર્માએ ધોનીની કેપ્ટનશીપની પરોક્ષ ટીકા કરતા એવી કોમેન્ટ કરી છે કે બાંગ્લાદેશ સામે ભારત ૨-૦થી શ્રેણી હારી ચૂક્યું છે તે પ્રથમ વખત બન્યું છે. ભારત માટે આ રીતની હાર ભારે નાલેશીજનક કહેવાય. રાજકુમાર શર્માએ ગયા રવિવારનો દિવસ ભારત માટે ‘બ્લેક સન્ડે’ ગણાવ્યો હતો.
ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ રદ થયો છે તેના મૂળમાં પણ વિખવાદ હોવાનું મનાય છે. એક અહેવાલ અનુસાર, ઘણા ખેલાડીઓ ધોની હેઠળ રમવા માંગતા ન હોવાથી પ્રવાસ રદ થયો છે.
ભારત કેવું રમ્યું તે બધા જાણે છેઃ કોહલી
કોહલી અને ધોની વચ્ચેના સંબંધો વણસ્યા હોવાના અહેવાલ તો ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે હતી ત્યારના વહેતા થયા હતા. ધોનીએ અચાનક ટેસ્ટમાંથી જાહેર કરેલી નિવૃત્તિ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં હાઈ કમિશનની મુલાકાતમાં ધોનીની સૂચક ગેરહાજરીને કારણે મીડિયામાં કોહલી અને ધોની વચ્ચેના સંબંધોમાં તનાવ આવ્યાનો મુદ્દો ચર્ચામાં છવાયો હતો.
આ વાતને કોહલીના તાજેતરના ઇન્ટરવ્યુથી સમર્થન સાંપડ્યું છે. કોહલીએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે અમારા ખેલાડીઓ પ્રથમ બે વન-ડેમાં કોઈ પણ રણનીતિ કે સ્પષ્ટ ગેમપ્લાન વિના રમ્યા હતા. અમે જે રીતે રમી રહ્યા છીએ તેવી રીતે અમે બાંગ્લાદેશ સામે રમી શક્યા નહોતા.
૨૬ વર્ષીય કોહલીએ જણાવ્યું હતું કે ભારત કેવી રીતે રમ્યું છે તે અંગે મારે વધારે કશું કહેવાની જરૂર નથી. નિષ્ણાંતો, ક્રિકેટ સમર્થકો રમતને નિહાળી રહ્યા હતા. બાંગ્લાદેશે અમારા કરતાં વધારે સારી રમત દાખવી હતી અને પ્રામાણિકતાથી કહું તો મેદાન પર નિર્ણય લેતી વખતે અમારામાં આત્મવિશ્વાસની ઉણપ હતી.
જોકે આટલું બોલ્યા પછી કોહલીએ વાત વાળી લેતાં એમ પણ કહ્યું હતું કે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ સારું છે અને ખેલાડીઓમાં કોઈ જૂથબંધી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter