ટીમ બાઈડેનમાં ભારતીય સમુદાયનો દબદબોઃ કુલ ૨૦ ભારતવંશીઓની નિમણૂંક

Wednesday 20th January 2021 03:53 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ પદે ચૂંટાયેલા જો બાઇડેનના વહીવટી તંત્રમાં ભારતીય સમુદાય છવાઇ ગયો છે. પ્રેસિડેન્ટ ઇલેક્ટ બાઇડેને વ્હાઇટ હાઉસ વહીવટી તંત્રમાં બે કાશ્મીરી મહિલાઓ સહિત કુલ ૨૦ ભારતીય-અમેરિકનોની જુદા જુદા મહત્ત્વના સ્થાનો પર નિમણૂક કરી છે.
કુલ અમેરિકનોમાં માત્ર એક ટકા જ વસ્તી ધરાવતા ભારતીય સમુદાય માટે આ અત્યંત ગૌરવની વાત છે. નિમણૂક પામેલાઓ પૈકી ૧૭ જણા વ્હાઇટ હાઉસમાં બેસીને કામ કરશે. નીરા ટંડનને અત્યંત શક્તિશાળી સમિતિ બજેટ અને મેનેજમેન્ટના ડાયરેકટર નિમવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસ કાઉન્સિલ ઓફિસમાં નેહા ગુપ્તા જ્યારે ડેપ્યુટી એસોસિએટ કાઉન્સિલ તરીકે રીમા શાહ ફરજ બજાવશે. તો યુવા ગુજરાતી વેદાંત પટેલ બ્રિફિંગ રૂમમાં પ્રમુખના સહાયક પ્રેસ સેક્રેટરી તરીકે કામ કરશે.
૨૦ જાન્યુઆરીએ અમેરિકાના ૪૬મા પ્રમુખ તરીકે ૭૮ વર્ષના જો બાઇડેન શપથ ગ્રહણ કરશે. તેમની સાથે જ અમેરિકાના ઇતિહાસમાં પહેલી જ વાર એક મહિલા (ભારતીય-અમેરિકન કમલા હેરિસ) ઉપ-પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે. ૫૬ વર્ષના કમલા હેરિસ ભારતીય મૂળના પ્રથમ આફ્રિકન-અમેરિકન છે, જેઓ અમેરિકાના બીજા ક્રમના સર્વોચ્ચ સ્થાને બિરાજશે.
ભારતીય-અમેરિકનોની યાદીમાં સૌથી ટોચ પર નિમાયેલાઓમાં નીરા ટંડન ઉપરાંત ડોકટર વિવેક મૂર્તિનો પણ સમાવેશ થાય છે, જેઓ યુએસ સર્જન જનરલ નિમાયા છે. ન્યાય વિભાગના એસોસિએટેડ એટર્ની જનરલ તરીકે વનિતા ગુપ્તાને નિમવામાં આવ્યા છે. ઉઝરા ઝેયાને સિવિલિયન સિક્યોરિટી, ડેમોક્રસી અને હ્યુમન રાઇટ્સના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ બનાવવામાં આવ્યા છે. અગાઉ ઉઝરા ઝેયા વિદેશ સેવામાં હતા. બાઇડેનની એડમિનિસ્ટ્રેશન ટીમમાં ભારતીય-અમેરિકનો ઉપરાંત એક પાકિસ્તાની, એક બાંગ્લાદેશી અને એક શ્રીલંકનને પણ મહત્ત્વનું સ્થાન મળ્યું છે.
‘પાછલા અનેક વર્ષોમાં ભારતીય-અમેરિકન સમુદાયે જાહેર જીવનમાં જે પ્રતિબદ્ધતા દર્શાવી હતી તેને અમેરિકન વહીવટકર્તાઓએ હવે ઓળખી છે. મને ખાસ તો એટલા માટે આનંદ થાય છે કે આમાં મહિલાઓની સંખ્યા વધુ છે. આપણા સમાજે ખરેખર અમેરિકાની સેવા કરી છે’ એમ ઇન્ડિયાડાયસ્પોરાના સ્થાપક એમ. આર. રંગાસ્વામીએ કહ્યું હતું.
ઉચ્ચ હોદ્દા મેળવનાર અન્ય ભારતીય-અમેરિકનોમાં ભાવિ ફર્સ્ટ લેડી જિલ બાઇડેનના પોલીસી ડાયરેકટર તરીકે માલા અડિગાને નિમવામાં આવ્યા હતા. ગરિમા વર્માને ડો. જિલ બાઇડેનના ડિજીટલ ડાયરેકટર ઓફ ઓફિસ બનાવવામાં આવ્યા છે. આ જ રીતે એક અન્ય મહિલા સબ્રિનાસિંહ વ્હાઇટ હાઉસમાં નાયબ પ્રેસ સેક્રેટરીની જવાબદારી નિભાવશે. આ ઉપરાંત પહેલી જ વાર બે કાશ્મીરી મૂળની બે મહિલાઓ આઇશા શાહ અને સમીરા ફાઝલીને પણ વ્હાઇટ હાઉસમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તો ભરત રામમૂર્તિને નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડેપ્યુટી ડાયરેકટર બનાવાયા ે.
પ્રેસિડેન્ટ પર્સોનેલ તરીકે ગૌતમ રાઘવન રહેશે અને વિનય રેડ્ડી બાઇડેનના ભાષણો લખવા માટેની ટીમના ડાયરેકટર નિમવામાં આવ્યા છે. ઉપરાંત તરૂણ છાબરા, સુમોના ગુહા, શાંતિ કલાતિલ, સોનિયા અગરવાલ અને વિદુર શર્મા પણ વ્હાઇટ હાઉસમાં બાઇડેનની ટીમમાં કામ કરશે.

૨૦ વગદાર ભારતીય-અમેરિકન

• નીરા ટંડન – વ્હાઈટ હાઉસ ઓફિસ ઓફ બજેટના ડિરેકટર • ડો. વિવેક મૂર્તિ - યુએસ સર્જન જનરલ • વનિતા ગુપ્તા - ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં એસોસિએટ એટર્ની જનરલ • ઉઝરા ઝેયા - ડેમોક્રેસી અને માનવાધિકાર માટે વિદેશ વિભાગમાં અંડર સેક્રેટરી • માલા અડિગા - ફર્સ્ટ લેડી ડો. જિલ બાઇડેનના પોલિસી ડિરેકટર • ગરિમા વર્મા - ફર્સ્ટ લેડીની કચેરીના ડિજિટલ ડિરેક્ટર • સબ્રિનાસિંહ – ફર્સ્ટ લેડીના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી • આઇશા શાહ – ડિજિટલ સ્ટ્રેટેજી ઓફિસના પાર્ટનરશિપ મેનેજર • સમીરા ફઝિલી - યુએસ નેશનલ ઇકોનોમી કાઉન્સિલમાં ડેપ્યુટી ડિરેક્ટર • ભરત રામમૂર્તિ - યુએસ નેશનલ ઇકોનોમી કાઉન્સિલમાં ડેપ્યુટી ડિરેક્ટર • ગૌતમ રાઘવન - પ્રેસિડેન્શિયલ પર્સોનેલની ઓફિસમાં ડેપ્યુટી ડિરેક્ટર • વિનય રેડ્ડી - સ્પીચ રાઇટિંગના ડિરેક્ટર • વેદાંત પટેલ – બાઇડેનના આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી • સોનિયા અગરવાલ – ડોમેસ્ટિક ક્લાઇમેટ પોલિસી કચેરીમાં સિનિયર એડવાઇઝર • વિદુર શર્મા - કોવિડ રિસ્પોન્સ ટીમમાં પોલિસી એડવાઇઝર • તરુણ છાબરા - ટેકનોલોજી અને નેશનલ સિક્યુરિટી માટે સિનિયર ડિરેક્ટર • સુમોના ગુહા - સાઉથ એશિયાના મામલામાં સિનિયર ડિરેકટર • શક્તિ કલાતિલ – માનવ અધિકાર કોઓર્ડિનેટર • નેહા ગુપ્તા - કાઉન્સેલ ઓફિસમાં એસોસિએટ કાઉન્સેલ • રીમા શાહ – વ્હાઇટ હાઉસની કાઉન્સેલ ઓફિસમાં ડેપ્યુટી એસોસિએટ કાઉન્સેલ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter